(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહાવિકાસ આઘાડીના ઘટક ઠાકરે જૂથના નેતા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે એવો સવાલ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા અને મારા પરિવાર પર થઈ રહેલી વ્યક્તિગત ટીકા પર કેમ ચૂપ છે? મોદી કહે છે કે કૉંગ્રેસે ૯૧ વખત તેમનું અપમાન કર્યું છે, પરંતુ જ્યારે તમારા લોકો મારા અને મારા પરિવાર માટે અપમાનજનક શબ્દો વાપરે છે ત્યારે તમે કેમ ચૂપ રહો છો? મુંબઈમાં મહાવિકાસ આઘાડીની વજ્રમુઠ સભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ભાજપના નેતાઓની ભાષા તેમની સંસ્કૃતિ દર્શાવે છે. હું આરએસએસને પૂછવા માગું છું કે તમે આવા સંતાનોનો સ્વીકાર કરો છો?
કૉંગ્રેસ અને એનસીપી સાથે સંકળાવા બદલ કરવામાં આવેલી ટીકા અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે હું જ્યારે કૉંગ્રેસ કે એનસીપી સાથે જાઉં ત્યારે તેઓ એવી વાતો કરે છે કે મેં હિંદુત્વ જતું કર્યું છે. જો એવું છે તો મોહન ભાગવતની મસ્જિદ મુલાકાત અંગે તમારે શું કહેવું છે?
ઠાકરેએ કહ્યું હતું કે તેઓ બારસુની મુલાકાત લેશે. હું છઠ્ઠી મેના રોજ બારસુ જઈશ. તમે મને કેવી રીતે રોકશો? આ પીઓકે નથી. હા, મેં બારસુની જગ્યા માટે વડા પ્રધાનને પત્ર લખ્યો હતો પણ મેં મારા પત્રમાં એમ નથી લખ્યું કે પોલીસે દેખાવકર્તા પર ગોળીબાર કરવો.
મહારાષ્ટ્રમાંથી મેગા પ્રોજેક્ટનું સ્થળાંતર કરવાનો મુદ્દો ઉઠાવતાં તેમણે કહ્યું હતું કે મુંબઈને મહારાષ્ટ્રમાંથી તોડવાનો પ્રયાસ કરશે તો તેમના ટુકડા કરી નાખીશું. તેમણે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પડકાર ફેંકતા કહ્યું હતું કે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં ભાજપનો પરાજય થશે. તાકાત હોય તો મુંબઈ મનપા, મહારાષ્ટ્ર વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સાથે કરીને દેખાડો. બધામાં ભાજપનો કારમો પરાજય થશે.