Homeએકસ્ટ્રા અફેરભાજપ પણ ૨૦૦૨ની હિંસાનો મુદ્દો કેમ છોડતો નથી ?

ભાજપ પણ ૨૦૦૨ની હિંસાનો મુદ્દો કેમ છોડતો નથી ?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે અંતે ગુજરાતનાં ૨૦૦૨નાં રમખાણો પરની બીબીસી ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ર્ચન’ને ભારતમાં ફેલાતી રોકવા માટે આ ડોક્યુમેન્ટરી શૅર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. મોદી સરકારે આ ડોક્યુમેન્ટરી શૅર કરનારી ટ્વિટ્સને બ્લોક કરવા ફરમાન કર્યું છે. બીબીસીએ ભારતમાં આ ડોક્યુમેન્ટરી રીલીઝ નથી કરી પણ ઈન્ટરનેટને કોઈ સીમા નથી નડતી. આ કારણે કેટલીક યુટ્યુબ ચેનલે આ ડોક્યુમેન્ટરીને અપલોડ કરી છે. કેટલાક લોકો તેની લિંક શૅર કરી રહ્યા છે.
ભારત સરકારના ફરમાન પછી વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબે વીડિયોને ફરીથી પ્લેટફોર્મ પર અપલોડ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ટ્વિટરને પણ અન્ય પ્લેટફોર્મ પરથી વીડિયોની લિંક શૅર કરનારા ટ્વિટ્સને બ્લોક કરવાનો આદેશ આપી દેવાયો છે. કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ફરમાન કર્યું છે કે, બીબીસીના ડોક્યુમેન્ટરીના પહેલા એપિસોડને યૂટ્યુબ પર શૅર કરનારા તમામ વીડિયોને બ્લોક કરવામાં આવે. ટ્વિટરને પણ ૫૦થી વધુ ટ્વિટ્સ બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
બીબીસીના ડોક્યુમેન્ટરીમાં ગુજરાતનાં રમખાણો ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ઈશારે થયેલા એ પ્રકારના દાવા કરતા ઈન્ટરવ્યૂઝની ભરમાર છે. મોદીને સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપી દીધી છે ત્યારે વારંવાર એકની એક વાત કરાય તેનો અર્થ એ થાય કે, આ વાત કરવા પાછળ બદઈરાદા છે. મોદીવિરોધીઓ ગુજરાતનાં રમખાણોના મુદ્દાને બદઈરાદાથી સળગતો રાખે છે. તેમનો ઈરાદો આ દેશના મુસ્લિમોના માનસમાં ઝેર ભરવાનો છે. દેશમાં શાંતિ રહે એ તેમને પસંદ નથી તેથી કોમી તણાવ પેદા કરવા આ બધા ધમપછાડા છે. આ ધમપછાડાને સફળ ન થવા દેવાય એ જોતાં બીબીસીની ડોક્યુમેન્ટરી ભારતમાં જોવા પર પ્રતિબંધ મુકાય તેમાં કશું ખોટું નથી. મોદી સરકારનું પગલું એ રીતે દેશના હિતમાં છે ને દરેક નાગરિકે તેને સમર્થન આપવુ જોઈએ.
જો કે ૨૦૦૨નાં રમખાણોનો મુદ્દો સળગતો રહે છે તેમાં ભાજપનું પણ યોગદાન છે જ. ૨૦૦૨નાં રમખાણોમાં નરેન્દ્ર મોદીના ઈશારે મુસ્લિમોની કત્લેઆમ થયેલી એવો મોટો આરોપ કોઈ પણ પ્રકારના પુરાવા વિના કરનારાંના પોતાનાં હિતો છે ને એ કારણે એ લોકો આ મુદ્દો સળગતો રાખે છે. બીજી તરફ ભાજપ પણ રાજકીય ફાયદા માટે આ મુદ્દાને સમયાંતરે ચગાવે છે ને આડકતરી રીતે એ જ વાતો કરે છે કે જે મોદીવિરોધીઓ સીધા આક્ષેપોના રૂપમાં કરે છે.
ભાજપે હમણાં જ પૂરી થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દો ગજવ્યો જ હતો. ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં શરૂઆતમાં વિકાસની ને બીજી ડાહી ડાહી વાતો કરી હતી પણ છેલ્લે વાત ૨૦૦૨નાં રમખાણો પર જ આવીને ઊભી રહી ગઈ હતી. ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હાથમાં હતી. ઉમેદવારો નક્કી કરવાથી માંડીને ચૂંટણીપ્રચારની વ્યૂહરચના સુધીનું બધું જ અમિત શાહે જ ફાઈનલ કરેલું.
અમિત શાહના ચૂંટણીપ્રચારમાં ગુજરાતનાં રમખાણોનો મુદ્દો જ કેન્દ્રસ્થાને હતો ને શાહે ચૂંટણી જીતવા આ મુદ્દાનો ભરપૂર ઉપયોગ કરેલો. અમિત શાહ દરેક સભામાં એક જ વાત કરતા કે, છેલ્લે ૨૦૦૨માં આ લોકોએ છમકલું કરવાની હિંમત કરી હતી પણ ૨૦૦૨માં એવો પાઠ ભણાવ્યો કે હવે નામ નથી લેતા. ૨૦૦૨માં એક વાર નરેન્દ્રભાઈ વખતે અડપલું કરવાની કોશિશ કરી તો એવા સીધા કરી નાખ્યા કે, ૨૦૦૨ પછી ૨૨ વર્ષ થયા પણ હજુ સુધી કોઈ ડોકું ઊંચું નથી કરતું.
અમિત શાહ કહેતા કે, ૨૦૦૨માં એવો પાઠ ભણાવ્યો છે કે, એ લોકો ખો ભૂલી ગયા છે. એ વખતે વીણી વિણીને સીધા કર્યા ને જેલમાં નાખ્યા એટલે ૨૨ વર્ષ પછી હજુ સુધી ગુજરાતમાં કફર્યૂ નથી નાખવો પડ્યો. ભાજપે ગુજરાતમાં કાયમની શાંતિ કરી દીધી છે. કૉંગ્રેસના શાસનમાં ગુજરાતમાં ઈજજુ શેખ, પીરજાદા, લતિફ જેવા દાદા હતા. હવે ગુજરાતના ગામેગામ દાદા છે તો એક જ દાદા છે અને એ દાદા હનુમાન દાદા છે. ગુજરાતમાં વારંવાર હિંસા કરતાં પરિબળોને કૉંગ્રેસ છાવરતી હતી. કૉંગ્રેસે વર્ષો સુધી સમાજના એક મોટા વર્ગ સાથે વારંવાર અન્યાય કર્યો હતો.
અમિત શાહે ૨૦૦૨નાં રમખાણોનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો ને મુસ્લિમો એવો શબ્દ નહોતો વાપર્યો. એ વાપરવાની જરૂર પણ નહોતી કેમ કે શાહ સવાલ કરતા કે, એ લોકો એટલે કોણ તેની સ્પષ્ટતા કરવાની જરૂર છે ખરી ? સ્પષ્ટતા કરવાની જરૂર જ નહોતી કેમ કે લોકો સમજી જ જતા કે, શાહ એ લોકો કહે ત્યારે મુસલમાનોની વાત કરે છે. ભાજપે ગુજરાતમાં આ પ્રચારના જોરે ૧૮૨માંથી ૧૫૬ બેઠકો જીતીને ભવ્ય દેખાવ કર્યો છે એ જોતાં ભાજપ માટે ગુજરાતનાં ૨૦૦૨નાં રમખાણોનો મુદ્દો ભાજપ માટે પણ રાજકીય રીતે ફાયદાકારક છે જ તેથી ભવિષ્યમાં પણ આ મુદ્દો ભાજપ ચગાવશે જ તેમાં શંકા નથી.
ભાજપની માનસિકતા અમે કરીએ એ લીલા ને બીજા કરે એ છિનાળું જેવી છે. ભાજપ પોતાના રાજકીય ફાયદા માટે રમખાણોનો મુદ્દો ચગાવે તો ચાલે પણ બીજાં ચગાવે તો તેને મરચાં લાગે છે. બીબીસીની ડોક્યુમેન્ટરીમાં મોદી સામે જ દુષ્પ્રચાર કરાયો છે એ ના જ કરાવો જોઈએ. મોદી આ દેશના વડા પ્રધાન છે ને તેમની ઈમેજને બગાડવા બહારના લોકો મથે તેની સામે આ દેશના લોકોએ એક થઈને બોલવું જ જોઈએ તેમાં શંકા નથી. સરકાર પણ પોતાને યોગ્ય લાગે એ પગલાં લે તેને લોકોએ સમર્થન આપવું જ જોઈએ પણ સાથે સાથે દેશની અંદર પણ આ મુદ્દાને બાજુ પર મૂકવો જોઈએ.
ગુજરાતનાં રમખાણો દેશ માટે ગૌરવની વાત છે જ નહીં. ૧૯૮૪નાં ઉત્તર ભારતમાં ફાટી નીકળેલાં સીખ વિરોધી રમખાણો હોય, ૧૯૮૯નાં બિહારના ભાગલપુરનાં રમખાણો હોય કે ૨૦૦૨નાં ગુજરાતનાં રમખાણો હોય, આ બધાં રમખાણો દેશ માટે કલંકરૂપ છે. સભ્ય સમાજમાં આ પ્રકારની હિંસા શરમજનક જ કહેવાય. જે થઈ ગયું તેને મિટાવી નથી શકાતું પણ તેને ભુલાવીને આગળ તો વધી જ શકાય. મોદીવિરોધીઓએ ને ભાજપે બંનેએ એ કરવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -