કેતકી જાની
સવાલ: છવ્વીસ જાન્યુઆરીનો સ્ત્રીઓના હક સંબંધિત કાયદાવાળો તમારો પ્રશ્ર્ન વાંચીને મારા પતિ કહેતા હતા કે સ્ત્રીઓ ગમે તેટલી જાગૃત થાય પણ રહેશે તો પુરુષ પાછળ જ ને? મેં કેમ, એમ પૂછતા તેમણે કહ્યું કે સમાજમાં ખરેખર જેને સ્વબળે કહેવાય તેમ જીવતી સ્ત્રીઓ કેટલી? આજેય સ્ત્રીઓ આર્થિક મોરચે પુરુષની પાછળ જ છે ને? મને પણ એ વાત સાચી જ લાગી ને સાચું જ છે ને? તમારો મત જાણવાની ઈચ્છા છે, આમ શા માટે?
જવાબ: ખરેખર આજના સમયે જ્યારે સ્ત્રી લગભગ દરેક ક્ષેત્રે જાતમહેનતથી પોતાને સાબિત કરી પુરુષોથી આગળ નીકળી રહી છે ત્યારે વિચારવું એમ જ જોઈએ કે શા માટે સ્ત્રીઓ આર્થિક મોરચો સર કરી શકી નથી? સદીઓથી આજ સુધી સ્ત્રી પિતૃ સત્તાત્મક સમાજવ્યવસ્થામાં યજ્ઞના બલિની જેમ ચૂપચાપ ખપ્પરમાં હોમાઈ રહી છે અને છતાંય આજે તમારા પતિ સહિત અનેકાનેક પુરુષો માટે અર્ધી આબાદી જેવી સ્ત્રીઓ સેક્ધડ સેક્સ સિવાય કોઈ અસ્તિત્વ ધરાવતી નથી, તે આપણું મતલબ આપણા સમાજનું નગ્ન સત્ય છે. રોજગારના ક્ષેત્રોમાં સ્ત્રીઓની ભાગીદારી ખરેખર પુરુષોના પ્રમાણમાં ઓછી છે, તેનાં કારણો ચોક્કસ વિચારવા જોઈએ.
પિતૃસત્તાક સમાજવ્યવસ્થાનાં પ્રારંભે જ ચાલાક/ સ્માર્ટ/ ધૂર્ત જે ગણો તે પુરુષે સ્ત્રીઓની કુદરતદત્ત શારીરિક શરીર રચનાનો લાભ પોતાને આર્થિક સધ્ધર કરવા લઈ લીધો તેમ બન્યું હશે? પ્રકૃત્તિદત્ત મજબૂત શારીરિક સંરચનાને લીધે તેણે સ્ત્રીને અહીં ત્યાં ભટકવા કરતા એક સ્થળે રાખી એકલા ભટકવાનું શરૂ કર્યું હશે. અને આમ રોટી – કપડાં – મકાનની મૂળભૂત જરૂરિયાતો તેણે સ્ત્રીઓને આપવા માંડી, તેના બદલે નિશ્ર્ચિત સ્થળે રહેલી સ્ત્રીએ તેનો શારીરિક – માનસિક થાક ઉતારવા શક્ય તેટલા બધા જ પ્રયત્નો કરવા શરૂ કર્યાં. જુઓ, ક્રમશ: આ સ્ટેજ આજના સમાજ જીવન સુધી વિસ્તૃત થયું. સ્ત્રી ઘર માટે જીવતી – મરતી આજેય ચોતરફ દેખાશે. પણ હા, તેણે એકલીઅટૂલી થઈ જીવવું હશે તો ઘણી ઓછી સ્ત્રીઓનું સદ્ભાગ્ય હશે કે કુટુંબ કે સમાજ તેને સ્વીકારશે. હું માત્ર સ્વીકારવાની વાત કરું છું હો: સપોર્ટ તો બહુ દૂરની વાત છે. જો સ્ત્રી સ્વબળે પોતાનું અસ્તિત્વ ખડું કરી એકલી જીવે તોય સમાજ તેને સ્વીકારે કે નહીં? તેનો જવાબ એકલપંડે જીવતી અનેક સ્ત્રીઓ પાસેથી મેં જાણ્યો છે. તેમના મત મુજબ સમાજ સો ટકા સ્વીકાર નથી કરતો. તેેઓને સતત કાંઈ અધૂરતાનો અહેસાસ હંમેશાં રહે છે, કેમ કે સમાજમાં ચોતરફ પુરુષાશ્રિત સ્ત્રીઓ જ છે. સમાન વેતનધારો હોવા છતાં આજેય અનેક જગ્યાએ સ્ત્રી-પુરુષ સમાન કલાકો અને સમાન કામ કરતાં હોવા છતાં સ્ત્રીઓને ઓછું વેતન મળતા ક્ષેત્ર તમને સહજ મળી જશે. તાજેતરમાં આ મુદ્દો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હીરો કરતાં હીરોઈનોને મળતા ઓછા મહેનતાણાની વાત ઉજાગર થતાં ચર્ચામાં આવ્યો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વરસોથી આ ચાલે છે આજ સુધી, તો વિચારો અન્ય ક્ષેત્રોમાં શું હાલત હશે? ટેક્નિકલ છે પ્રોફેશનલ ટ્રેનિંગ લેવા છતાં વર્કપ્લેસમાં લૈંગિક અસમાનતા, લૈંગિક શોષણ જેવા દંશ આજેય સ્ત્રીઓ ભોગવે જ છે. અન્ય મહત્ત્વની વાત એ છે સ્ત્રી ઓફિસ વર્કપ્લેસ પર જાય અને પુરુષ જાય તેમાં આજેય ફરક છે ને? સ્ત્રી નોકરીથી ઘરે આવે છે પર્સ મૂકી પહેલાં ઘરની જવાબદારીઓમાં જોતરાઈ જતી હોય. ઘરમાં શું, કેમ પડ્યું છે? સાંજે રસોઈ શું હશે? બાળકો હોય તો તેઓ કેમ છે, તેમણે ખાધું? વિચારતી હોય. જ્યારે પુરુષ નોકરીથી ઘરે આવી હાથમાં પાણીનો ગ્લાસ, ચાનો કપ, ભોજનની થાળીની રાહ જોતો કાં મોબાઈલ મચડે કાં ટી. વી. જુએ કા સૂઈ જાય. સ્ત્રી ઉપર કમાવવા છતાં જે અદૃશ્ય અતિરિક્ત ભાર તેના માતૃત્વ અને પિતૃસત્તાકે લાદેલો છે. આના કારણે ઘણી સ્ત્રીઓ વર્કપ્લેસમાં પ્રમોશન ટાળે છે. ઘરની જવાબદારીઓ મુક્તપણે વધુ સારી રીતે કેરીયરમાં સફળ થાય તે સત્ય નથી? જન્મથી મોત સુધી સતત સમાધાન કરતી, જોતી આવેલી
સ્ત્રીઓ બહુધા ઓછા પગારવાળી જોબ સ્વીકાર કરે તેમ પણ બને. આજેય ઘણા માને છે કે અમારે ત્યાં કાંઈ કમી નથી, અમારી દીકરી-વહુઓ શા માટે જોબ કરે? જો જોબ વગર પુરુષનું અસ્તિત્વ જ ના સ્વીકારાય તે જ સ્ત્રીઓ માટે થાય તો જ સ્ત્રીઓનું યોગદાન આર્થિક ક્ષેત્રે મતબૂત બને અને સૌથી મહત્ત્વનો પોઈંટ એ કે પુરુષે બહાર જે કાંઈ કામ કર્યું તેનું મહેનાતાણું નક્કી કર્યું/ થયું. સ્ત્રીઓએ સવારે દૂધ લેવાથી રાત્રે દહીં મેળવીને સૂવા સુધીના જે ઘરકામ કર્યાં, તેની કિંમત/ મહેનતાણું પિત્તૃસત્તાક સમાજના પુરુષો ઓડકાર સુધ્ધાં ખાધા વગર ઓહિયા કરી ગયાં ને? તમે તમારા પતિને ચોક્કસ કહી શકો કે જે દિવસે સ્ત્રીઓએ ઘરકામ સહિત કરેલા શ્રમનો હિસાબ શરૂ થશે તે દિવસે સદીઓથી આજ સુધી તમામ સ્ત્રીઓએ મેળવેલા આર્થિક મહેનતાણાના ભાર નીચે પિતૃસત્તા ચોક્કસ દબાઈ જશે. અને તે જ દિવસે
આખા વિશ્ર્વના પુરુષોએ કરેલી સૌથી મોટી ચોરી પકડાઈ જશે, અસ્તુ.