Homeવાદ પ્રતિવાદબહારથી સ્વસ્થ દેખાતો ઈન્સાન અંદરથી બીમાર કેમ?

બહારથી સ્વસ્થ દેખાતો ઈન્સાન અંદરથી બીમાર કેમ?

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

‘એક તંદુરસ્તી હજાર ને’મત’ (ઈશ્ર્વરની દેણગી) લખનારે આ વાક્ય શું અમસ્તુ લખ્યું હશે? કુદરતનું જો કોઈ શ્રેષ્ઠ સર્જન હોય તો તે ઈન્સાન છે. આમ છતાં તે તંદુરસ્તી પ્રત્યે ઘણો બેદરકાર છે. તંદુરસ્તીને ટકાવી રાખવા માટે
મુખ્યત્વે ચાર સાધનો પૈકી વિચાર, આચાર, આહાર અને વિહાર મહત્ત્વના છે. જ્યારે પણ આ ચાર બાબતના સમતોલપણામાં ફરક પડે ત્યારે ઈન્સાનની તંદુરસ્તી જોખમાય અને બીમારી આવે અને એટલે જ ઉપર લખેલ વાક્ય એમને એમ
કહેવાયું નથી.
માણસ જ્યારે તંદુરસ્ત હોય છે ત્યારે તેને રબની આ ને’મતની કિંમત સમજાતી નથી અને તેનો શુક્ર (આભાર) અદા કરવાનું પણ ભૂલી જાય છે, પરંતુ જ્યારે પોતાની ભૂલોને પરિણામે માંદગીને નોતરે છે ત્યારે તંદુરસ્તી હજાર ને’મત કરતાં બેહતર (સર્વશ્રેષ્ઠ) છે તે એને સમજાય છે. પણ અફસોસ! ત્યારે ઘણું મોડું થઈ ચૂકયું હોય છે.
એ તો સર્વ સામાન્ય સમજ છે, કે જીવનમાં પ્રગતિ કરવી હોય તો બીમાર હાલતમાં થઈ શકતી નથી. તંદુરસ્તી તો જાળવવી જ જોઈએ, તે વિના બધું નકામું છે. માટે ઉપર દર્શાવેલા ચાર સિદ્ધાંતો, નિયમો ઈન્સાનના જીવનમાં કેટલા ઉપયોગી છે – અનિવાર્ય છે, તેને ઈસ્લામના દર્પણમાં જોઈએ:
સૌ પ્રથમ વિચાર અંગે જાણીએ તો આ શક્તિ માત્ર ઈન્સાનને જ મળી છે. માનવીના અમલ (કર્મ)નો આધાર વિચારો પર છે. એટલે જેના વિચારો સારા તેનો અમલ પણ સાફ, સ્વચ્છ, સુથરો હોય છે પરંતુ સારા વિચારોનો પ્રવાહ આવે ક્યાંથી? તે માટે નાનપણમાં બાળકોને સારી તબિયત (તાલીમ; શિક્ષણ)ની જરૂર રહે છે અને તે શિક્ષિત માતા પાસેથી મળી રહે છે.
* બાળક બાલિગ (પુખ્ત) થાય ત્યારે મઝહબ (ધર્મ) પર પાકુ ઈમાન (શ્રદ્ધા; સચ્ચાઈ) લાવે.
* સારાં પુસ્તકો, લખાણોનું વાંચન હોય,
* સારી સોબત રાખે,
* અલ્લાહથી ડરીને ચાલતો હોય તેવા ઈન્સાનને ઉત્તમ વિચારો જ આવે.
* વિજ્ઞાને સાબિત કર્યું છે કે સારા-નરસા વિચારોની અસર જેમ ઈન્સાનના અમલ પર પડે છે, તેવી જ રીતે ઈન્સાનનું શરીર પર પણ તેની સારી-માઠી અસર જરૂર થાય છે.
* માણસ મન અને શરીરને જુદા પાડી શકતો નથી.
– વિચારો બે પ્રકારના હોય છે: એક હકારાત્મક (પોઝિટિવ) અને બીજા નકારાત્મક (નેગેટિવ). તંદુરસ્તીને જાળવી રાખવા હકારાત્મક વિચારો ખૂબ જ ફાયદેમંદ (લાભદાયી) છે. આવા વિચારોમાં હળવાશ હોય છે. તાઝગી અને ઉત્સાહ હોય છે. હકારાત્મક વિચારો ઈન્સાનને બીમારીથી દૂર રાખે છે અને જો માંદગી આવે તો ત્વરિત સાજા થવામાં સહાય કરે છે. કારણ કે તેમાં માયૂસી (નિરાશા) હોતી નથી. અલ્લાહતઆલા પર ઈમાન (આસ્થા, સત્ય) અને એતબાર (ભરોસો, વિશ્ર્વાસ) હોય છે.
જ્યારે નકારાત્મક વિચારોની અસર તેનાથી ઊંધી એટલે કે વિપરિત હોય છે. એવા નેગેટિવ વિચારોમાં ઈન્સાન ચીડિયો બને છે. હતાશા તેને ઘેરી વળે છે. તે આત્મવિશ્ર્વાસ ગુમાવી દે છે. પરિણામે તેની સીધી અસર શરીર પર પડે છે. એટલે સાજો-નરવો ઈન્સાન પણ બહારથી બીમાર જેવો જ દેખાય છે.
વ્હાલા સમજુદાર જિજ્ઞાસુ વાચક બિરાદરો! આટલું સમજ્યા પછી સૌએ સંકલ્પ કરવો જોઈએ કે શીફા (તંદુરસ્ત) રહેવા માટે વિચારો હકારાત્મક, રચનાત્મક અને પાક-પવિત્ર હોવા જોઈએ.
એ જ પ્રમાણે આચારનો અર્થ થાય છે, આચરણ કરવું,
અમલ કરવો. વિચાર પછી ઈન્સાન અમલ માટે આગળ કદમ
માંડે છે. ગંદા અને સેતાની વિચારો સાથે જે અમલ થાય તેમાં વ્યસન, નશો અને ખરાબ આદતો હોઈને તેના લીધે શરીર પર જુલ્મ (અત્યાચાર) થાય છે. આથી જ્યાં સુધી મનુષ્યમાં પ્રતીકાત્મક શક્તિ હોય ત્યાં સુધી સહન કરી શકાય, પરંતુ આખરે તો માંદગીમાં સપડાવું જ પડે.
આવા ગુનાહિત અમલના માનસિક પ્રત્યાઘાતો પણ ઊંડા હોય છે. માનવ હૃદય તો પોતે ખરાબ અમલ કરે છે તે સમજતું હોય છે, પરંતુ આદતના જોર પર એનો અમલ ચાલુ રહે છે ત્યારે દિલ પર કાળા ડાઘ પડી જાય છે. હૃદય કઠોર બને છે અને તેમાંથી ઈન્સાન રીઢો ગુનેગાર બની જતો હોય છે.
જ્યારે બીજી બાજુ અમલેસાલેહ (સારા કર્મ) કરવાવાળા ઈન્સાનને પોતાના સારા અમલથી માનસિક શાંતિ મળવા પામતી હોય છે. દિલમાં ખુશી પેદા થાય છે. પરિણામે આવી લાગણી અને ‘સારું કર્યું’નો અહેસાસ જ તેની તંદુરસ્તી જાળવવામાં તેને મદદ કરતી હોય છે.
બોધ:
ઈસ્લામે તેની ઉમ્મત (અનુયાયી પ્રજા)ને જિંદગીના તમામ પાસાઓ વિશે હિદાયત (માર્ગદર્શન, ધર્મની સાચી સમજ) આપ્યાં છે, પરંતુ ઉમ્મત તે પર અમલ કરવા તરફ બિલકુલ લક્ષ આપતી નથી. આથી અલ્લાહની ને’મત એવા જીવને અનેક મુસીબતોમાં નાખતી હોય છે.
– જાફરઅલી ઈ. વિરાણી
આજની સચ્ચાઈ
મનુષ્યરૂપે પશુની જેમ રહેતા હોય તેને માણસ બનાવવા કુદરતે માનવીને આ ધરતી પર મોકલેલ છે, પરંતુ માનવી પોતે પશુ બનતો જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -