શિવ રહસ્ય -ભરત પટેલ
ગત સપ્તાહ સુધીનો સારાંશ: અશોકસુંદરીને પોતાના કર્તવ્યનું ભાન થતાં એક ગુપ્ત સ્થળને પસંદ કરી પોતાની તપસ્યાની શરૂઆત કરે છે. થોડા દિવસો વિતતાં માતા પાર્વતી અશોકસુંદરી તેમને સમજાવવાનો પ્રયોસ કરે છે પણ ઊલટું અશોકસુંદરી માતા પાર્વતીને કહે છે કે, ‘માતા હું તપસ્યા કરવા માગું છું, મને ના રોકો, હું ભાઈની જેમ તમને અને પિતાજીને ગૌરવ અપાવીશ. પિતાજીએ કહ્યું હતું કે ‘તપ વગર મેળવેલું શુભ નથી હોતું કે નથી હોતું સત્ય.’ એ જ સમયે માતા મેનાવતી ત્યાં પહોંચે છે અને તેઓ પણ સમજાવે છે પણ અશોકસુંદરી તપસ્યા છોડવા તૈયાર થતા નથી. નારાજ માતા પાર્વતી અને માતા મેનાવતી ભગવાન શિવ પાસે પહોંચી નારાજગી વ્યક્ત કરે છે, તો સામે ભગવાન શિવ માતા પાર્વતીને સમજાવતા કહે છે કે, ‘પાર્વતી આટલી ચિંતા કેમ? અમારી પુત્રી તમારું જ પ્રતિબિંબ છે. જો તમે ઘોર તપસ્યા ન કરી હોત તો શું આ બધું શક્ય હોત? તમે આ જન્મમાં જ નહીં આગલા બધા જ જન્મમાં ઘોર તપસ્યા કરી હતી, તપસ્યાના લાભોથી તમે પરિચિત છો, સંસાર પ્રત્યે જેટલી જવાબદારી મારી અને તમારી છે, એ જ પ્રમાણે આપણા સંતાનોની જવાબદારી આપણા સુધી જ સીમિત નથી, સંસારના કલ્યાણ માટે તેમણે પણ ખૂબ મોટું યોગદાન આપવાનું બાકી છે. જે રીતે આદિશક્તિની અનુભૂતી હેતુ તમે તમારી જાતને સ્વતંત્ર કરી હતી તેમ અશોકસુંદરીને સ્વતંત્ર થવા દો.’ સંપૂર્ણ જ્ઞાનની સમજ મળતાં માતા પાર્વતી અશોકસુંદરીને સફળ થવાના આશીર્વાદ આપી ત્યાંથી વિદાય લે છે. પોતાની પુત્રીને એકલી જોઈ માતા મેનાવતી પોતાની સહાયક અને માતા પાર્વતીની સખી જયા અને વિજયાને કૈલાસ રોકાવાનો આદેશ આપી ત્યાંથી વિદાય લે છે. સમય વિતતા ભગવાન શિવ પણ તપમાં લીન થઈ જાય છે અને માતા પાર્વતી સખી જયા અને વિજયા સાથે પોતાનો સમય વ્યતીત કરતા હોય છે. એક દિવસ માતા પાર્વતી સ્નાનગૃહમાં સ્નાન કરતા હોય છે અને તે સમયે ભગવાન શિવ ત્યાં આવતાં જયા-વિજયા અને માતા પાર્વતી લજ્જાની લાગણી અનુભવે છે. તે સમયે માતા પાર્વતી વિચારે છે કે, અહીં બધા જ ગણ ભગવાન શિવના છે, મારો એક એવો સેવક હોવો જોઈએ, જે પરમ શુભ, કાર્યકુશળ અને મારી જ આજ્ઞામાં તત્પર રહેનારો હોય, આવો વિચાર કરીને માતા પાર્વતીએ પોતાના શરીરના મેલથી એક એવા ચેતન પુરુષનું નિર્માણ કર્યું જે શુભ લક્ષણોથી સંયુક્ત હતો. માતા પાર્વતીએ તેમને આભૂષણથી ખૂબ જ ઉત્તમ આશીર્વાદ આપીને કહ્યું, ‘તમે મારા પુત્ર છો, તમારા સમાન વહાલું મારું અહીં કોઈ બીજું નથી. આજથી તમે મારા દ્વારપાળ થઈ જાઓ, મારી આજ્ઞા શિવાય કોઈ પણ હઠપૂર્વક મારા મહેલની અંદર પ્રવેશી ન શકે, ભલેને એ ગમે ત્યાંથી આવે અને કોઈ પણ હોેય.’
***
માતા પાર્વતીએ હાથમાં છડી આપી આજ્ઞા કરી હતી તેથી વિનાયક તુરંત માતા પાર્વતીના મહેલના દ્વાર પર પહેરો ભરવા લાગ્યા. સમય વીતવા માંડયો, હર હંમેશની જેમ માતા પાર્વતી તેમની સખી જયા-વિજયા સાથે સ્નાન કરવા લાગ્યાં, તે જ સમયે ભગવાન શિવ જે પરમ કૌતુકી તથા વિવિધ પ્રકારની લીલાઓ રચવામાં નિપુણ છે તેઓ દ્વાર પર આવી પહોંચ્યા અને માતા પાર્વતીના કક્ષ તરફ જવા માંડયા. ગણેશજી ભગવાન શિવને ઓળખતા ન હોવાથી તેમને રોકીને કહ્યું:
કુમાર વિનાયક: ‘હે દેવ! તમે ભિક્ષુક જેવા લાગો છો, ભિક્ષાની ઇચ્છા હોય તો કૈલાસ જાઓ, માતા સ્નાન અને પૂજા બાદ ત્યાં આવશે અને તમને અવશ્ય ભિક્ષા આપશે.’
ભગવાન શિવ: ‘હે બાળક તમે કોણ છો? તમારું નામ શું છે?’
કુમાર વિનાયક: ‘હે ભિક્ષુક મારું નામ વિનાયક છે. તમે અહીં શું કામ આવ્યા છો તે કહો?’
ભગવાન શિવ: ‘હે વિનાયક હું તમારો પિતા છું.’
કુમાર વિનાયક: ‘પિતા… હે ભિક્ષુક મને લાગે છે કે તમારું મનોમસ્તિષ્ક ઠેકાણે નથી, તમે મારી માતાને જોઈ છે? અરે મારી માતા તો રાજકુમારી છે અને તમે જટાધારી ભિક્ષુક. તમે મારા પિતા કેવી રીતે હોઈ શકો, કૈલાસ જઈ માતાની પ્રતિક્ષા કરો તેઓ પૂજા બાદ ભિક્ષા જરૂર આપશે.’
ભગવાન શિવ: ‘વિનાયક સત્ય તો એ જ છે કે હું તમારો પિતા છું, જો તમને એ લાગતું ન હોય તો આપણે હમણાં જ તમારી માતાને પૂછીએ, તેઓ સત્ય જાણે જ છે.’
કુમાર વિનાયક: ‘નહીં……. માતાની આજ્ઞા છે કે સ્નાન અને પૂજા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી કોઈને પણ અંદર આવવા દેવું નહીં, એટલે સુધી કે મને પણ અંદર જવાની પરવાનગી નથી, તો હું તમને કઈ રીતે જવા દઉં.’
ભગવાન શિવ: ‘પુત્ર તમારી માતા મારી પત્ની છે, એમને મળવા માટે મારે તેમની પરવાનગી લેવાની જરૂરત નથી.’
કુમાર વિનાયક: ‘તમે જે કહો છે તે સત્ય હોઈ શકે! પણ તમારે સિદ્ધ કરવું પડશે કે તમે મારી માતાના સ્વામી અને મારા પિતા છો. તો તમારી પાસે પ્રમાણ ન હોય તો કૈલાસ જાઓ અને તેમના આગનની પ્રતિક્ષા કરો.’
એજ સમયે નંદી સહિત સમગ્ર શિવગણ ત્યાં પધારતાં તેઓ ભગવાન શિવને જોઈ આનંદ અનુભવે છે. ભગવાન શિવના આશીર્વાદ મેળવી નંદી કહે છે:
નંદી: ‘કુમાર વિનાયક જુઓ આ જ તમારી પિતા કૈલાસપતિ મહાદેવ છે.’
નંદી દ્વારા ભગવાન શિવ પોતાના પિતા હોવાની વાતને સમર્થન મળતાં કુમાર વિનાયક ભગવાન શિવના ચરણ સ્પર્શ કરે છે. આશીર્વાદ આપતાં ભગવાન શિવ કહે છે, ‘કુમાર વિનાયક હવે ચાલો હું તમારી માતાને મળવા આવ્યો છું.’
કુમાર વિનાયક: ‘નહીં પિતાજી, તેમની આજ્ઞા છે કે કોઈને અંદર નહીં લેતો, તમે કૈલાસ પર પ્રતિક્ષા કરો.’
ભગવાન શિવ કુમાર વિનાયકની હઠ સામે હારી જાય છે અને કૈલાસ તરફ પ્રયાણ કરે છે, કૈલાસ પહોંચતાં જ ભગવાન શિવ જુએ છે કે તેમના દર્શન માટે દેવર્ષિ નારદ સહિત સમગ્ર દેવગણ પણ ત્યાં પધારેલા છે.
નંદી: ‘મહાદેવ માતાને મળીને આટલા જલદી આવી ગયા.’
ભગવાન શિવ: ‘નંદી હું પાર્વતીને મળી જ શક્યો નથી, કુમાર વિનાયક માતાની આજ્ઞા પાળી રહ્યા છે.’
નંદી: ‘મહાદેવ, તમે ક્રોધિત ન થાઓ, હું તરત જઈ કુમાર વિનાયકને સમજાવું છું.’
નંદી કુમાર વિનાયકને સમજાવવા જાય છે, પણ જગતજનનીના પુત્ર આમ માને ખરા, તેઓ નંદીને મારી હટાવે છે. નંદીની અવદશા જોઈ શિવગણો ક્રોધે ભરાય છે અને ગણેશજીને સબક શિખવવા તેમના પર આક્રમણ કરે છે. બધા જ શિવગણોને ગણેશજી સારા એવાં ફટકારે છે. હારેલા શિવગણો પરત ફરેલા જોઈ ભગવાન શિવ ક્રોધાયમાન થાય છે અને ત્યાં ઉપસ્થિત દેવગણોને કહે છે:
ભગવાન શિવ: ‘હું મારું અપમાન સહન કરી શકું છું, પણ મારા શિવગણોનું અપમાન સહન નહીં કરી શકું, પછી તે મારો પુત્ર કેમ ન હોય, તેમને સજા મળવી જ જોઈએ, સમગ્ર દેવગણ જાઓ અને તેમને સજા આપો.’
દેવરાજ ઇન્દ્ર સહિત સમગ્ર દેવગણ કુમાર વિનાયક સમક્ષ જાય છે.
દેવરાજ ઈન્દ્ર: ‘કુમાર વિનાયક આ શું કર્યું તમે શિવગણોને તમે દંડ કેમ આપ્યો.’
કુમાર વિનાયક: ‘પહેલા તમે જણાઓ કે તમે છો કોણ?’
દેવરાજ ઇન્દ્ર: ‘હું દેવોનો રાજા દેવરાજ ઇન્દ્ર, અને આ દેવગણો છે, અમે આયુમાં અને અનુભવમાં તમારા કરતાં કંઈ ગણા મોટા છીએ, તમે અમારી વાત સાંભળો અને ભગવાન શિવને માતા પાર્વતીને મળવા અંદર જવા દો.’
કુમાર વિનાયક: ‘શિવગણો તેમની શક્તિના આધારે મારું વચન તોડવા આવ્યા હતા, શું હવે તમે વય અને અનુભવના આધારે મારું વચન તોડાવવા આવ્યા હો તો એ તમારી ભૂલ હશે.’
અગ્નિ દેવ: ‘કુમાર વિનાયક તમારા પિતાનો ક્રોધ ખૂબ ભયાનક છે, જો તેમને ક્રોધ આવી ગયો તો તમારો અંત નિશ્ર્ચિત છે.‘
કુમાર વિનાયક: ‘જેને માતાના આશીવાદ હોય તેને ભય શાનો? જાઓ મહાદેવને કહી દો કે હું મારું વચન નહીં તોડું.’
ક્રોધમાં આવેલા દેવગણો કુમાર વિનાયક પર એક સાથે આક્રમણ કરે છે, શૂરવીર કુમાર વિનાયક દરેકનો સામનો કરે છે અને તેમનો પરાજય કરે છે, પરાજય પામેલા દેવગણો મહાદેવ પાસે જતાં મહાદેવ ક્રોધિત થાય છે અને કુમાર વિનાયક પાસે પહોંચી તેમના ત્રિશુળથી કુમાર વિનાયકનું મસ્તક ધડથી અલગ કરી નાખે છે. (ક્રમશ:)