ઉનાળાની ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે, કારણ કે તમારી નાનકડી એવી બેદરકારી પણ તમારા માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. આજે જ નવી મુંબઈ ખાતે ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર સમારોહમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું, પણ કાળઝાળ ગરમીને અનેક લોકોને આ કાર્યક્રમમાં હીટ સ્ટ્રોકની સમસ્યા જોવા મળી હતી.
ઉનાળામાં જોવા મળતી ડિહાઈડ્રેશન એ એક સામાન્ય સમસ્યા છે. ઘણા લોકોને લાંબા સમય સુધી તડકામાં રહેવાને કારણે ચક્કર આવે છે. સામાન્ય રીતે આવું ત્યારે જ થાય છે, જ્યારે શરીરમાં પાણી અને પોષક તત્વોની કમી સર્જાય. ઘણી વખત આને કારણે ક્યારેક બીપી લો થઈ જાય છે કે પછી તેના કારણે પણ ચક્કર આવવા જેવી સમસ્યા પણ જોવા મળી શકે છે.
જો તમને પણ ગરમીના કારણે ચક્કર આવે છે, તો અમે અહીં તમારા માટે કેટલીક એવી સિમ્પલ બટ ઈમ્પોર્ટન્ટ ટિપ્સ લઈને આવ્યા છીએ કે જે તમને આ મુશ્કેલીમાંથી ઉગારી લેશે.
જ્યુસ પીવાનું રાખો-
ઉનાળામાં પરસેવો વધારે પ્રમાણમાં થાય છે અને પરસેવાના કારણે શરીરમાં ઘણા પોષક તત્વોની ઉણપ સર્જાય છે. જેને કારણે ચક્કર આવવા લાગે છે. આવા કેસમાં જેમ બને વધુમાં વધુ ફ્રૂટ જ્યૂસ પીવાનું રાખો. ફળોમાં અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તાજા ફળોનો રસ પીવાથી થાક અને નબળાઈ દૂર થાય છે. શરીરને ઠંડક મળે છે.
ઉનાળાની ઋુતુમાં ઘણી વખત તાપમાન એટલું બધુ વધી જાય છે કે શરીરમાં પાણીનું પ્રમાણ ખૂબ જ ઘટી જાય છે. જેવી શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે, એટલે તરત જ ચક્કર આવવા લાગે છે. આનાથી બચવા માટે શક્ય હોય એટલું વધારે પાણી પીવો. આખા દિવસમાં ઓછામાં ઓછું 8થી 10 ગ્લાસ પાણી પીવાનું રાખો. જો તમને સાદા પાણીનો સ્વાદ ન ગમતો હોય તો તમે લીંબુ પાણી, શિકંજી બનાવીને પી શકો છો. તેના દ્વારા પાણીની અછત પણ દૂર કરી શકાય છે.
ચક્કર આવવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ સૂકી કોથમીર ખૂબ જ ફાયદાકારક છે. આમળાને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખો. સવારે ઉઠ્યા બાદ તેને ગાળીને પીવો. તેનાથી ચક્કર આવવાની સમસ્યા દૂર થાય છે અને પેટ પણ યોગ્ય રીતે સાફ થાય છે.
ફુદીનાનું તેલ-
જો તમને પણ ગરમીના કારણે ચક્કર આવે છે તો તમે ફુદીનાના તેલનો ઉપયોગ કરી શકો છો. આ તેલ ગરમીના સમયમાં ખૂબ જ અસરકારક છે. તે શરીરને ઠંડક આપે છે. ઉપરાંત, તે ઉલટી, ઉબકા, માથાનો દુખાવો અને ચક્કર જેવી સમસ્યાઓ દૂર કરે છે. તેના માટે બદામના તેલમાં ફુદીનાના તેલના થોડા ટીપાં મિક્સ કરો, હવે તેને તમારા માથા અને તળિયા પર મસાજ કરો. આમ કરવાથી ચક્કર આવવાની સમસ્યા દૂર થઈ જશે.
આદુવાળી ચા-
આદુનું સેવન કરવાથી ચક્કર આવવાની સમસ્યામાં પણ અદ્ભુત ફાયદો થાય છે. આદુમાં ઘણા ગુણ હોય છે જે થાક અને નબળાઈને દૂર કરે છે. આ માટે એક ગ્લાસ પાણીમાં આદુનો ટુકડો નાખીને 5 મિનિટ સુધી ઉકાળો, પછી તેને ગાળી, ઠંડુ કરીને પીવો. તેનાથી ચક્કર આવવાની સમસ્યાથી છુટકારો મળશે.