એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતમાં મોટાભાગના નેતા તળિયા વિનાના લોટા જેવા છે. એ લોકોને પોતાના વિચારો કે અભિપ્રાયો બદલતાં વાર નથી થતી અને શરમ પણ નથી આવતી. વરસો લગી જે વિચારધારાનાં ગુણગાન ગાયાં હોય તેને પળવારમાં છોડી દેતા કે જેમની આરતી ઉતારી હોય એવા નેતાઓને ગાળો દેવામાં તેમને કોઈ શરમ નથી નડતી. આ માનસિકતાનું તાજું ઉદાહરણ ગુલામ નબી આઝાદ છે.
કૉંગ્રેસમાં બળવો કરીને પાર્ટી છોડનારા ને પછી નવી પાર્ટી બનાવનાર ગુલામ નબી આઝાદના તેવર કૉંગ્રેસમાંથી વિદાય થતાં જ બદલાઈ ગયેલા. આઝાદ જે નરેન્દ્ર મોદીને વરસો લગી ગાળો દેતા રહ્યા ને ગુજરાતનાં રમખાણો બદલ મુસ્લિમોના હત્યારા ગણાવતા રહ્યા એ જ નરેન્દ્ર મોદીનાં વખાણ કરતા થઈ ગયા છે. બીજી તરફ જે કૉંગ્રેસમાં વરસો લગી રહ્યા એ જ કૉંગ્રેસના બધા અવગુણ તેમને દેખાવા લાગ્યા છે, જે કૉંગ્રેસના નેતાઓના એ લાડકા હતા એ નેતાઓની સામે હવે બળાપા કાઢવા માંડ્યા છે.
ગુલામ નબીની આત્મકથા ‘આઝાદ’ બુધવારે પ્રસિદ્ધ થઈ રહી છે. કૉંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કરણ સિંહે તેનું લોકાર્પણ કર્યું. આ પુસ્તકામાં શું શું છે તેની સંપૂર્ણ વિગતો નથી બહાર આવી પણ પુસ્તક વિમોચન પહેલાં આઝાદે ઈન્ટરવ્યુ આપ્યા તેમાં પુસ્તકમાં શું છે એ વિશે તેમણે વાત કરી છે.
કૉંગ્રેસ સહિતના વિપક્ષોન નેતા નરેન્દ્ર મોદી પર ક્ધિનાખોરી રાખીને બદલો લેવાની ભાવનાથી કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે ત્યારે આઝાદનો દાવો છે કે, મોદીએ કદી બદલાની ભાવનાથી કામ કર્યું નથી. આઝાદે દાવો કર્યો કે, મેં વડા પ્રધાન સાથે બહુ બધું કર્યું અને છતાં તેમણે મારી સાથે જે સાલસ વર્તન કર્યું તેનું શ્રેય મોદીને આપવું જોઈએ. મોદી ખૂબ જ ઉદાર છે અને વિપક્ષના નેતા તરીકે મેં તેમને કોઈપણ મુદ્દે છોડ્યા નથી છતાં મોદીએ ક્યારેય બદલાની ભાવનાથી કામ કર્યું નથી. કલમ ૩૭૦, સીએએ, હિજાબ સહિતના મુદ્દે મેં તેમની પર પ્રહારો કર્યા છતાં મોદી હંમેશા નરમ દિલના રાજકારણીની જેમ વર્ત્યા છે.
મોદીનાં વખાણ કરનારા આઝાદે કૉંગ્રેસના નેતાઓને ધોઈ નાંખ્યા છે. ખાસ કરીને સલમાન ખુરશીદ અને જયરામ રમેશ એ બે નેતા આઝાદની અડફેટે ચડી ગયા છે. આઝાદનો દાવો છે કે, ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાની જાહેરાત કરી અને સાથે સાથે જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાનું એલાન કર્યું હતું. તેના વિરોધમાં વિપક્ષી નેતાઓએ ધરણાં કર્યા હતા.
એ વખતે મેં મારું માઇક ફેંકી દીધું હતું અને વેલમાં વિરોધ કરવા ધરણાં પર બેસી ગયો. મેં વિપક્ષના નેતાઓને પણ બોલાવ્યા હતા. બીજા વિપક્ષી નેતા મારી સાથે જોડાયા પણ તમને જાણીને નવાઈ લાગશે કે કૉંગ્રેસના મીડિયા ઈન્ચાર્જ જયરામ રમેશ આ ધરણાંમાં જોડાયા નહોતા. જયરામ રમેશ પોતાની સીટ પર એકલા બેસી રહ્યા અને ધરણામાં ભાગ લીધો નહોતો. આમ છતાં પછીથી તેમને રાજ્યસભામાં પાર્ટીના મુખ્ય દંડક બનાવાયા હતા.
આઝાદે સલમાન ખુર્શીદને પણ ધોઈ નાંખ્યા છે. સલમાને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વ સામે સવાલ ઉઠાવનારા ગ્રૂપના નેતાઓને ઝટક્યા હતા. આઝાદને ગદ્દાર ગણાવીને તેમની ભૂમિકા સામે સવાલ ઉઠાવ્યા હતા. ખુર્શીદ સહિતના નેતાઓએ જી-૨૩ જૂથના નેતાઓને બળવાખોર, દેશદ્રોહી અને ભાગેડું કહ્યા હતા આઝાદે પોતાના સહિતના કૉંગ્રેસી નેતાઓએ કૉંગ્રેસના નેતૃત્વ સામે શા માટે સવાલ ઉઠાવ્યા હતા એ વિશે આખું પ્રકરણ લખ્યું છે. તેની પંચાતમાં નથી પડતા પણ એ પછી તેમણે જે વાત કરી એ ચોંકાવનારી નહીં પણ આઘાતજનક છે. આઝાદના કહેવા પ્રમાણે, અમે કૉંગ્રેસને જે કંઈ આપ્યું તેનો અમને યોગ્ય બદલો નથી મળ્યો. અમે કૉંગ્રેસને આપ્યું એ અમને ક્યારેય પાછું નથી મળ્યું. કૉંગ્રેસમાં કેટલાક એવા લોકો છે જેમણે પોતાના હોદ્દાનો અયોગ્ય ફાયદો ઉઠાવ્યો અને બદલામાં પાર્ટીને કશું આપ્યું નહીં. આ લોકો માત્ર ટ્વિટર પર જ પોતાની હાજરી નોંધાવતા રહ્યા છતા તેમને હોદ્દા મળતા રહ્યા જ્યારે અમારા જેવા લોકોને કશું ના મળ્યું.
આઝાદની વાત માણસો કઈ હદે નગુણા થઈ શકે છે તેનો પુરાવો છે. ગુલામ નબી આઝાદ પચાસ વર્ષથી કૉંગ્રેસ સાથે હતા. યુથ કૉંગ્રેસના કાર્યકર તરીકે શરૂઆત કરનારા આઝાદ ૧૯૮૪થી છેક ૨૦૨૨ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા. કેટલીય વાર કેન્દ્રમાં મંત્રી બન્યા, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી પણ બન્યા. આ બધું કૉંગ્રેસે જ તેમને આપ્યું ને છતાં અત્યારે એ કહે છે કે, અમે કૉંગ્રેસને જે આપ્યું તેના બદલામાં કૉંગ્રેસે કંઈ ના આપ્યું. આઝાદને છેલ્લે છેલ્લે પણ રાજ્યસભાના સભ્ય બનવું હતું પણ કૉંગ્રેસે તેમને રાજ્યસભામાં ના મોકલ્યા તેમાં તો તેમણે પચાસ વરસ લગી જે કંઈ ભોગવ્યું તેના પર પાણી ફેરવી દીધું. પચાસ વરસ લગી કૉંગ્રેસે જે આપ્યું તેનો આઝાદે આભાર માનવો જોઈતો હતો. તેના બદલે તેમણે તો સાવ હલકટાઈ બતાવી દીધી.
આઝાદ એકલા એવા નેતા નથી કે જેમણે આ હલકટાઈ કરી હોય. આઝાદ જેવા કેટલાય નેતાઓ વરસો લગી કૉંગ્રેસમાં રહ્યા, કૉંગ્રેસે તેમને હોદ્દા આપ્યા તેના કારણે એ મોટા થયા. કૉંગ્રેસમાં માઈ-બાપ મનાતા નહેરુ-ગાંધી ખાનદાનની વરસો લગી વફાદારી કરી. બલકે ચાપલૂસી કરી ને હવે કૉંગ્રેસ તથા નહેરુ-ગાંધી ખાનદાન મુશ્કેલીમાં છે ત્યારે આ નેતા ભાગી ગયા. જે પક્ષે તેમને બધું આપ્યું એ પક્ષને કપરા સમયમાંથી બહાર કાઢવાના બદલે પક્ષ છોડી ગયા કેમ કે એ લોકોને સત્તામાં રસ હતો અને અત્યારે પણ છે.
મોદીને મુસ્લિમોના હત્યારા ગણાવનારા અને તેમને ગાળો દેવામાં કોઈ કસર નહીં છોડનારા આઝાદે ભૂતકાળમાં મોદી ક્ધિનાખોરીથી વર્તીને કૉંગ્રેસીઓને હેરાન કરે છે એવા આક્ષેપો કર્યા જ છે. હવે તેમને મોદી ઉદાર ને સાલસ લાગે છે કેમ કે મોદીની ચાપલૂસી કરીને સત્તા મેળવી શકાય છે એવું લાગે છે. ભાજપને જમ્મુ અને કાશ્મીરમાં સત્તા કબજે કરવામાં પોતાનો ખપ પડી શકે છે ને પોતે ભાજપની મદદથી સત્તા મેળવી શકે છે એવું લાગ્યું તેમાં મોદીના પગમાં આળોટી ગયા છે.