હું ‘દેવ-ડી’ના તે રોલમાંથી ઘણા સમય સુધી બહાર નહોતો નીકળી શક્યો. હું ફિલ્મ પૂરી થયા પછી પણ વર્ષ સુધી એ જ બધું કર્યા કરતો હતો, જે દેવ-ડીમાં કર્યું હતું!
દિલ ચાહતા હૈ -પાર્થ દવે
અભય દેઓલ આજકાલ તેની નવી સિરીઝ ‘ટ્રાયલ બાય ફાયર’ને લઈને ચર્ચામાં છે. ૧૩ જૂન, ૧૯૯૭ના રોજ દિલ્હીના ઉપહાર સિનેમામાં આગ લાગી હતી. તે દરમ્યાન ‘બોર્ડર’ ફિલ્મનો શો ચાલુ હતો. થિયેટર હોલમાં લાગેલી આગમાં ૫૯ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ૧૦૦ વધારે લોકો ઘાયલ થયા હતા. ‘ટ્રાયલ બાય ફાયર’ આ ઘટના પર બનેલી સિરીઝ છે. ડિરેક્ટર પ્રશાંત નાયર અને રણદીપ ઝાએ વાસ્તવિકતાની નજીક રહીને આ સિરીઝ બનાવી છે.
અભય દેઓલ સાથે આ સિરીઝમાં રાજશ્રી દેશપાંડે, રાજેશ તેલંગ, આશિષ વિદ્યાર્થી, અનુપમ ખેર, રત્ના પાઠક શાહ, શિલ્પા શુક્લા અને શાર્દૂલ ભારદ્વાજ સહિતના કલાકારો છે. નીલમ કૃષ્ણમૂર્તિ અને શેખર કૃષ્ણમૂર્તિએ લખેલા પુસ્તક પર આધારિત આ સિરીઝ છે.
અભય દેઓલ બહુ ઓછા પ્રોજેક્ટ્સ કરે છે. તેનો ચોક્કસ એક ચાહક વર્ગ છે. જોકે, અભય દેઓલને ફેમ પસંદ નથી. સિરીઝના પ્રમોશન દરમ્યાન અભય દેઓલે કહ્યું કે, ‘હું નાનપણથી ફિલ્મી પરિવારમાં રહ્યો છું. મોટો થયો છું. મેં બાળપણથી જ પ્રસિદ્ધિને નજીકથી જોઈ છે. પણ મને તે ક્યારેય નથી ગમ્યું. કારણ કે તેનાથી પ્રાઇવસી ચાલી જાય છે. તમારા વિશે ઘણુંબધું લખવામાં આવે છે. હું ફેમ અને મીડિયાને નફરત કરતો હતો, કારણ કે તમે મોટા થાઓ એટલે તમારા પરિવાર વિશે ઘણું લખવામાં આવે છે.’
૨૦૦૯માં આવેલી અનુરાગ કશ્યપની ‘દેવ-ડી’ ફિલ્મના અને તેમાં કામ કરનાર અભય દેઓલ, માહી ગિલ અને કલ્કિ કેકલાં સહિત તમામના વખાણ થયા. અભય દેઓલે તેમાં મોડર્ન દેવદાસનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર માટે તેને મદ્યપાન કરવું પડ્યું હતું. આ વિશે વાત નીકળતા અભય દેઓલે કહ્યું હતું, હું દેવ-ડીના તે રોલમાંથી ઘણા સમય સુધી બહાર નહોતો નીકળી શક્યો. હું ફિલ્મ
પૂરી થયા પછી પણ વર્ષ સુધી એ જ બધું કર્યા કરતો હતો, જે દેવ-ડીમાં કર્યું હતું!’
દેવ-ડી કર્યા બાદ અનુરાગ કશ્યપ અને અભય દેઓલ સાથે દેખાયા નથી. કેમ કે, બંને વચ્ચે બનતું નથી! અનુરાગે એક જગ્યાએ કહેલું કે, ફિલ્મનું બજેટ ઓછું હતું તેમ છતાં ભાઈ અભયને મોંઘીદાટ હોટલમાં રોકાવું હતું. ને આ બાજુ, અભયે કહ્યું કે, અનુરાગભાઈ બહુ મૈનિપુલેટિવ માણસ છે. હું એનાથી દૂર જ રહું છું. કેમ કે મને બેઈમાન લોકો
પસંદ નથી! ‘ટ્રાયલ બાય ફાયર’થી પહેલા અભય દેઓલ ‘જંગલ ક્રાય’ નામની ફિલ્મમાં જોવા મળ્યો હતો. ૩જી ફેબ્રુઆરીએ કશ્યપની પણ ‘ઑલમોસ્ટ લવ વિથ ડીજે મહોબ્બત’ ફિલ્મ રિલીઝ થવાની છે.
———
અક્ષય કુમારની ફૂ-ફૂવાળી ઍડ હવે વેબ-સિરીઝ પહેલાં પણ દેખાશે?
થિયેટરમાં દરેક ફિલ્મ પહેલાં આવતી ઍડમાંનો નંદુ કોણ છે?
તેને કઈ રીતે આ જાહેરાત મળેલી?
હિન્દી ફિલ્મના રસિયાઓને અત્યારે તો હિન્દી ફિલ્મો જ નથી ગમતી! પણ ગમે છે તેમાં પણ એક બાબત ન ગમતી હોય કે ઈગ્નોર કરતા હોય તો એ અક્ષય કુમાર વાળી ફૂ-ફૂની ઍડ! અઢળક ફિલ્મો થિયેટરમાં ફર્સ્ટ ડે જોયા બાદનો અનુભવ છે કે મોટાભાગના લોકો આ જાહેરાત દરમ્યાન મોં બગાડે છે. બાકીના હસીને એન્જોય કરે છે. પણ તે કેટલી વખત? વારંવાર આવતી હોવાથી લોકોને પાકી થઈ ગઈ છે. વાત એમ છે કે, આ સ્મોકિંગ ઍડ હવે વેબ-સિરીઝ પહેલા પણ દર્શાવવામાં આવશે! એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ સ્વાસ્થ્ય મંત્રાલયે સૂચના તેમ જ પ્રસારણ મંત્રાલય સાથે વાત કરી છે અને અક્ષયની નંદુવાળી ઍડ, વેબ સિરીઝ પહેલા દર્શાવવામાં આવે, તેની ચર્ચા કરી છે. સાથે એ પણ કહ્યું છે કે નેટફ્લિક્સ અને ઍમેઝોન પ્રાઇમ જેવા મોટા મોટા પ્લેટફોર્મ્સને પણ આ અંગેનું જાહેરનામું મોકલવામાં આવે. જેથી એ પણ તેમના શોઝ પહેલા આ જાહેરાત દર્શાવે.
વક્રતા એ છે કે, હીરોગીરી યે ફૂ ફૂ કરેને ‘મેં નહીં હે’ કહેનારો અક્ષય કુમાર અજય દેવગણની વિમલ પાન મસાલાની જાહેરાતમાં જોડાયો છે! બાય ધ વે, જાહેરાતમાં નંદુ બનતા વ્યક્તિનું નામ અજય પાલ છે. તે ભોપાલમાં થિયેટર કરતો હતો. ‘પેડમેન’ ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર શ્રુતિ મહાજન, મહેશ્ર્વર ગયેલા ત્યારે તેમણે સ્થાનિક કલાકારો માટે ઑડિશન રાખ્યું હતું. ‘જોકે, પેડમેન’માં અજયભાઈનો રોલ કપાયો અને અંતે આ જાહેરાત મળી.