કવર સ્ટોરી – ગીતા માણેક
અમદાવાદમાં રહેતી પચ્ચીસ વર્ષની દીપા (નામ બદલ્યું છે) તેનાથી ઉંમરમાં વીસેક વર્ષ મોટા પરણિત તેમ જ બે બાળકોના પિતા અક્ષયના પ્રેમમાં પડી છે. દીપા પોતે ડબલ ગ્રેજ્યુએટ અને દેખાવમાં પણ સુંદર છે જો કે તેનો આ પરણિત પ્રેમી બહુ હેન્ડસમ કે પૈસાદાર પણ નથી. છેલ્લાં ચારેક વર્ષથી તેમનો પ્રેમસંબંધ ચાલી રહ્યો છે. આ ચાર વર્ષ દરમિયાન અક્ષયે પોતાની આ યુવાન પ્રેમિકાને અનેકવાર ઢિબેડી છે. ઘણી વાર તો એટલો માર માર્યો હોય છે કે તેના શરીર પર ઉઝરડા પડી જાય. તેમ છતાં દીપા વારંવાર અક્ષય પાસે જ પાછી જાય છે. દીપાનાં માતા-પિતાએ તેને અનેકવાર સમજાવવાની કોશિશ કરી છે, પરંતુ દીપા કેમેય કરીને અક્ષય સાથેનો સંબંધ તોડવા તૈયાર નથી. દીપાનાં માતા-પિતા તેને જાણીતા મનોચિકિત્સક અને સેક્સોલોજિસ્ટ મુકુલ ચોકસી પાસે સારવાર માટે પણ લઈ ગયાં છે.
આસપાસ નજર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે આપણા સમાજમાં આજે એવી અનેક યુવતીઓ અને મહિલાઓ છે જે આ પ્રકારના સંબંધોમાં ફસાયેલી છે. થોડા સમય પહેલાં દિલ્હીમાં રહેતી મુંબઈની જ શ્રદ્ધા વાલકરની તેના લિવ-ઇન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ હત્યા કરી અને તેના મૃતદેહના ટુકડે-ટુકડા કરી નાખ્યા હતા. આ કિસ્સામાં બહાર આવ્યું હતું કે શ્રદ્ધાનો આ કહેવાતો પ્રેમી આફતાબ તેને નિર્દયતાથી મારતો હતો. આ ઘટનાના થોડા જ દિવસો બાદ નિક્કી યાદવ નામની ચોવીસ વર્ષની યુવતીની તેના લિવ-ઇન પાર્ટનર, જેની સાથે તેણે ખાનગીમાં આર્યસમાજમાં લગ્ન પણ કરી લીધાં હતાં તે સાહિલ ગહેલોતે હત્યા કરીને ઢાબાના કોલ્ડ સ્ટોરેજમાં લાશને રાખી દીધી હતી.
આવા અનેક કિસ્સાઓ જોવા-સાંભળવા મળી રહ્યા છે ત્યારે નવાઈ એ વાતની લાગે છે કે શિક્ષિત, સ્વતંત્ર, આર્થિક રીતે સ્વનિર્ભર યુવતીઓ તેમના લિવ-ઇન પાર્ટનરનો આટલો બધો અત્યાચાર, મારપીટ શા માટે સહન કરી લેતી હશે? મુંબઈની કેઈએમ હૉસ્પિટલ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં એ જાણવા મળ્યું હતું કે મુંબઈ શહેરમાં જે મહિલાઓના અકુદરતી રીતે મૃત્યુ થયાં હતાં એમાંના વીસ ટકા કિસ્સાઓમાં તે મહિલાઓ ઘરેલુ હિંસાઓનો શિકાર બની હતી. મતલબ કે પતિ કે સાસરિયાંઓ દ્વારા માર ખાવાને કારણે કે હિંસાને કારણે મૃત્યુ પામી હતી. સ્ત્રીઓ દ્વારા પુરુષોના હાથનો માર ખાઈ લેવાની પરંપરા આપણા સમાજમાં સદીઓથી છે અને આજે પણ એ ચાલુ જ છે. પરણિત સ્ત્રીઓ પતિનો કે ઘરના સભ્યોનો માર ખાઈને પણ લગ્ન સંબંધ ટકાવી રાખે છે એ માટે એવાં કારણો આપવામાં આવે છે કે તે આર્થિક રીતે પતિ પર નિર્ભર હોય છે, મોટા ભાગે ગૃહિણીઓ હોય છે, તેમની પાસે રહેવા માટે પોતાનું કોઈ ઠેકાણું નથી હોતું કે પછી બાળકોને ઉછેરવા માટેની આર્થિક ક્ષમતા નથી હોતી એટલે તે મૂંગા મોઢે બધો અત્યાચાર સહન કરી લેતી હોય છે.
પરંતુ શ્રદ્ધા વાલકર કે નિક્કી યાદવ જેવી અથવા જેનાથી લેખની શરૂઆત કરી હતી હતી તે દીપા જેવી યુવતીઓ તો શિક્ષિત હોય છે, નોકરી-વ્યવસાય કરતી હોય છે અને લિવ-ઇન રિલેશનશિપમાં હોય છે એટલે કે તેમણે જો તેમના પાર્ટનરથી છૂટા પડવું હોય તો કોર્ટની લાંબી પ્રક્રિયામાંથી પસાર નથી થવું પડતું કે ન તો સામાજિક દબાણનો ભોગ બનવું પડે છે. હકીકતમાં તો તેઓ સમાજની પ્રણાલીની વિરુદ્ધ જઈને લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હોય છે તો પછી તેઓ શા માટે તેમના પુરુષ સાથીઓ દ્વારા આટલો બધો અત્યાચાર સહન કરી લેતી હોય છે? શા માટે આવા પીડાદાયક સંબંધો તોડી નથી નાખતી?
મનોચિકિત્સક અને સેક્સોલોજિસ્ટ ડૉ. મુકુલ ચોકસી કહે છે કે દીપાના કેસની વાત કરીએ તો આ પ્રકારની સ્ત્રીઓને પેથોલોજિકલ અટેચમેન્ટ થઈ જાય છે એટલે કે તેઓ જે વ્યક્તિ સાથે સંબંધમાં હોય છે તેમની સાથે એટલું બધું ભાવનાત્મક જોડાણ થઈ જાય છે કે તેના વિના પોતે જીવી જ નહીં શકે એવું તેમના મનમાં દૃઢ થઈ ગયું હોય છે. અક્ષય જ્યારે દીપાને મારપીટ કરે ત્યારે બે-ત્રણ દિવસ તે અક્ષયથી દૂર રહે છે પણ ફરી વાર અક્ષય આજીજી કરતા મેસેજ મોકલે અને માફી માગે એટલે ફરી દીપા તેની પાસે જાય છે. દીપાએ એવું પણ સ્વીકાર્યું હતું કે અક્ષય સાથે શારીરિક સંબંધ બાંધવાનું તેને વ્યસન થઈ ગયું હતું.
આ માનસિકતા સમજાવતા ડૉ. મુકુલ ચોકસી કહે છે કે માનસવિદ્ ફ્રોઇડે કહ્યું હતું કે આપણા અજાગ્રત મનમાં બે પરિબળ કામ કરતાં હોય છે જિજીવિષા અને મુમૂર્ષા. જિજીવિષા એટલે જીવવાની લાલસા એ મુમૂર્ષા એટલે મૃત્યુની ઝંખના. જિજીવિષા વિશે આપણે બધા જાણીએ છીએ પણ દરેક વ્યક્તિમાં મુમૂર્ષા પણ હોય છે જેના માટે ફ્રોઈડે થાનાટોઝ એવો શબ્દ વાપર્યો હતો. અમુક વ્યક્તિઓમાં આ મુમૂર્ષા બહુ તીવ્રપણે હોય છે. દાખલા તરીકે જેઓ શરાબના કે સિગારેટના વ્યસનીઓ હોય છે તેઓ જાણતા જ હોય છે કે તેઓ શરાબ ઢીંચીને કે ચેઇન સ્મોકિંગ કરીને પોતાના શરીરને નુકસાન પહોંચાડી રહ્યાં છે. આ વ્યસનો તેમને મૃત્યુ તરફ ખેંચી રહ્યા છે એની તેમને ખબર હોય છે તેમ છતાં આ વ્યસનીઓ એને છોડી નથી શકતા. બેફામપણે ડ્રાઇવિંગ કરતા કે જીવસટોસટનાં સાહસો કરતી વ્યક્તિઓને ખબર જ હોય છે કે તેઓ મૃત્યુના મુખમાં પોતાનું જીવન મૂકી રહ્યા છે અને તેમ છતાં તેઓ આવું કરે છે એની પાછળ થાનાટોઝ અથવા મુમૂર્ષા જવાબદાર હોય છે. શ્રદ્ધા, નિક્કી કે દીપા જેવી છોકરીઓમાં આ પ્રકારની મુમૂર્ષાની લાગણી તીવ્ર હોય એવું બની શકે.
આ સિવાય કેટલીક વ્યક્તિઓના મનમાં એવું ઠસાવી દેવામાં આવ્યું હોય કે સંજોગવશાત તે એવું માનતી થઈ ગઈ હોય કે પોતે દુ:ખી થવાને જ લાયક છે કે તે પીડા ભોગવવાને જ પાત્ર છે. આવું સ્ત્રીઓના કિસ્સામાં વધુ જોવા મળતું હોય છે. તેમના અર્ધજાગૃત મનમાં એ બાબત અંકિત થઈ ગઈ હોય છે કે તેણે પીડા સહન કરવી જ જોઈએ અથવા એમ કહો કે તેમને પીડા સહન કરવામાં જ એક પ્રકારનો આનંદ આવે છે. સામાન્યપણે દરેક વ્યક્તિનો પ્રયાસ સુખ અને આનંદ શોધવાનો હોય છે પણ આ એવી એબનોર્મલ વ્યક્તિઓ હોય છે કે જે પીડામાંથી જ આનંદ મેળવે છે.
ખાસ કરીને સ્ત્રીઓમાં ઘણી વાર સ્ટોકહોમ સિન્ડ્રોમ પણ જોવા મળે છે. વર્ષો પહેલાં જેકી શ્રોફ અભિનીત એક ફિલ્મ આવી હતી જેમાં તે હીરોઈનનું અપહરણ કરે છે અને પછી તે છોકરી જેની ભૂમિકા મીનાક્ષી શેષાદ્રીએ નિભાવી હતી તે આ અપહરણકારના પ્રેમમાં પડી જાય છે. આ પ્રકારના ઘણા કિસ્સાઓ જોવા મળે છે કે જ્યાં સ્ત્રી અત્યાચાર કરનાર પુરુષના જ ગળાડૂબ પ્રેમમાં હોય છે. તે બધો જ અત્યાચાર સહન કરે છે પણ તે પુરુષને છોડી નથી શકતી.
કેટલાક કિસ્સાઓમાં જો એક-બે બ્રેક-અપ થઈ ગયા હોય તો તે યુવતીને લાગે છે કે તેણે અગાઉ જે ગુમાવવાની પીડા ભોગવી હતી એમાંથી તે ફરી પસાર થવા નથી માગતી. આ કારણસર વર્તમાન સંબંધમાં તેણે માર ખાવો પડતો હોય કે બીજી તકલીફો સહન કરવી પડતી હોય તો એ પણ તે સહન કરી લેતી હોય છે.
એ સાચી વાત છે કે લિવ-ઇન રિલેશનશિપમાંથી છૂટા પડવામાં લગ્ન બાદના છૂટાછેડા જેવી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું નથી પડતું પણ સાથે-સાથે એ પણ હકીકત છે કે લગ્ન થયા હોય અને સ્ત્રી પર અત્યાચાર થતો હોય તો પરિવાર, સમાજ કે આડોશી-પાડોશીઓ પણ સહાનુભૂતિ દર્શાવતા હોય છે, મદદરૂપ થતા હોય છે, પરંતુ ભારતીય સમાજમાં હજુ લિવ-ઇન રિલેશનશિપને સામાજિક માન્યતા મળી નથી. એને કારણે આવા સંબંધોમાં મોટે ભાગે સ્ત્રીનો તેના માતા-પિતા સાથેનો સંબંધ રહેતો નથી. જ્યારે માતા-પિતા કે તેના પરિવારના સભ્યો જ મદદરૂપ થતા ન હોય તો સમાજની કે આડોશપડોશની વ્યક્તિઓ પણ આ મામલામાં પડવા માગતી નથી. લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી સ્ત્રી તરફ સામાન્યપણે સમાજ તુચ્છકારની દૃષ્ટિએ જોતો હોય છે અને એટલે જ જો આ યુવતી મુશ્કેલીમાં હોય તો તેને ખાસ કોઈ મદદ સાંપડતી નથી. તેણે પણ બધા સામે વિદ્રોહ કરીને લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનો નિર્ણય લીધો હોય એટલે હવે તે બીજા કોઈની મદદ લેવા જવામાં સંકોચ અનુભવે છે. આ સંજોગોમાં તેને પુરુષના અત્યાચારને સહન કરવા સિવાય અન્ય કોઈ પર્યાય બચતો નથી જે કેટલાક કિસ્સાઓમાં તેને મૃત્યુ સુધી લઈ જાય છે.