મેહબૂબ ખાનની ફિલ્મ માટે પસંદ કરવામાં આવ્યા બાદ પડતી મુકાયેલી અભિનેત્રી વીણાનો ખુલાસો
હેન્રી શાસ્ત્રી
મેહબૂબ ખાનની અવિસ્મરણીય ફિલ્મ ‘મધર ઈન્ડિયા’માં દિલીપ કુમાર બિરજુનો રોલ કરવાના હતા પણ ફિલ્મ શરૂ થઈ ત્યારે એમના નામ પર ચોકડી મારવામાં આવી હતી. આવું કેમ થયું એ વિશે જાતજાતની અટકળો વહેતી થઈ હતી જેમાં એક કારણ તો લગભગ બધાને ગળે ઊતરી ગયું હતું કે નરગિસ સાથે દિલીપ સાબની રોમેન્ટિક જોડી એ સમયે ખાસ્સી લોકપ્રિય હતી એટલે દર્શકો દિલીપકુમાર-નરગિસને મા અને દીકરાના રોલમાં પસંદ નહીં કરે એ કારણ આપી દિલીપસાબે ના પાડી હતી. વાત એકદમ તાર્કિક હોવાથી ગળે ઊતરી ગઈ હતી. જોકે, મેહબૂબ ખાનની ‘નજમા’માં ટાઈટલ રોલથી સિને રસિકોની નજરમાં વસી ગયેલી ઝાઝરમાન અને ઠસ્સાદાર અભિનેત્રી વીણા (મૂળ નામ તાજવાર સુલતાના – ‘પાકિઝા’ની કોઠાવાળી નવાબજાનનો ઠસ્સો યાદ છે?)એ ‘મધર ઈન્ડિયા’ વિશે સાવ અલગ જ વાત કરી હતી જેનાથી એક નવો ફણગો ફૂટે છે. દિલ્હીથી પ્રકાશિત થતા એક ઉર્દૂ મેગેઝિનમાં ૧૯૮૧માં તેમના નામ સાથે એક લેખ પ્રગટ થયો હતો જેનો અંગ્રેજી અનુવાદ વાંચવામાં આવ્યો એમાં વીણાજીએ લખેલી વાત તેમના જ શબ્દોમાં પેશ છે.
‘ઘણા લોકોને ખબર નહીં હોય કે મેહબૂબ ખાને ‘મધર ઇન્ડિયા’માં મને અને દિલીપ કુમારને પહેલા સાઈન કર્યા હતા. નરગિસને આ વાતની જાણ થઈ એટલે તેણે બનતી કોશિશ કરી ટાઇટલ રોલ પોતાને જ મળવો જોઈએ એ માટે રીતસરના ધમપછાડા જ કર્યા. મેહબૂબ ખાન પણ પીગળી ગયા અને મારા નામ પર ચોકડી મારી નરગિસને લઈ લીધી. સમગ્ર વાતની જાણ દિલીપ કુમારને થઈ અને એ ધૂંધવાયા. તેમણે મને કાઢવા સામે વાંધો ઉઠાવ્યો, પણ મેહબૂબ ખાન નરગિસને લઈને જ ફિલ્મ બનાવવા મક્કમ હતા એટલે દિલીપ કુમારે કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. મેહબૂબ ખાન અકળાયા અને પોતાની વ્યાકુળતા નરગિસ સમક્ષ રજૂ કરી. જવાબમાં નરગિસે શું કહ્યું એ જાણવા જેવું છે. નરગિસે ખાન સાહેબને કહ્યું કે ‘તમારે મન મારા કરતાં યુસુફનું મહત્ત્વ વધારે છે?’ છેવટે તેમણે પસંદ કરેલા બધા જ કલાકારોને બદલે નરગીસ સહિત બધા અલગ કલાકારોને લઈને ‘મધર ઈન્ડિયા’ બનાવી. વાચકોને જાણીને નવાઈ લાગશે કે મેં ફિલ્મ છોડી ત્યારે મારા કોસ્ચ્યુમ્સ પણ તૈયાર થઈ ગયા હતા.’ આમ એક અભિનેત્રીની જીદને કારણે દિલીપ કુમારને એક અનોખા પાત્રમાં જોવાથી આપણે વંચિત રહી ગયા. બીરજુનો રોલ સુનિલ દત્તે કર્યો હતો.
——————
મધુબાલાએ ‘બમ્બઈ કા બાબુ’ છોડવી પડી હતી
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ મેળવી દામ મેળવવાની તમન્ના દરેક કલાકાર કસબીને હોય એ સ્વાભાવિક છે અને હોવી પણ જોઈએ. સાથે સાથે કલાકાર શોહરત-નામના કમાવા પણ ઈચ્છતો હોય છે. કલાકાર કોઈ ફિલ્મ માત્ર પૈસા માટે (રાજેશ ખન્ના- ‘હાથી મેરે સાથી’) કરતો હોય છે તો ક્યારેક પૈસાનો વિચાર કર્યા વિના લાઈફ બની જશે (રાજેશ ખન્ના – ‘આનંદ’) એવી માન્યતા સાથે સ્વીકારી લેતો હોય છે. જોકે, ક્યારેક ‘બડે અરમાનો સે’ સાઈન કરેલી ફિલ્મ સાથે લેણાદેણી-ઋણાનુબંધ અચાનક પૂરા થઈ જાય છે અને સપનું સપનું જ રહી જાય છે, હકીકતમાં એનું રૂપાંતર નથી થતું. ‘સીઆઈડી’ ફિલ્મથી સ્વતંત્રપણે દિગ્દર્શન શરૂ કરનારા રાજ ખોસલાએ ત્યારબાદ ‘કાલા પાની’ અને ‘સોલવા સાલ’થી પોતાનો સિક્કો જમાવી દીધો હતો. ત્યારબાદ ખોસલા સાહેબ વધુ એક થ્રીલર ‘બમ્બઈ કા બાબુ’ બનાવવા માગતા હતા. તેમની ઈચ્છા દેવ આનંદ સાથે વહીદા રેહમાનને લેવાની હતી, કારણ કે એ સમયે દર્શકોને દેવ સાબ – વહીદાજીની જોડી ખૂબ પસંદ હતી. જોકે, ‘સોલવા સાલ’ બની એ દરમિયાન વહીદાજી અને રાજ ખોસલાને કોઈ મુદ્દે ખટરાગ થવાથી ‘બમ્બઈ કા બાબુ’ માટે અભિનેત્રીએ ઘસીને ના પાડી દીધી હતી. એટલે દિગ્દર્શકે મધુબાલાને ચમકાવવાનું નક્કી કર્યું. આમ પણ ‘કાલા પાની’માં ખોસલાએ મધુબાલા સાથે કામ કર્યું હતું અને ‘બમ્બઈ કા બાબુ’ના રોલમાં અભિનેત્રી ફિટ બેસશે એવું તેમનું માનવું હતું. મધુબાલાને પણ રોલ પસંદ પડ્યો, સહી સિક્કા થઈ ગયા અને ફિલ્મના પોસ્ટર પણ છપાઈ ગયા હતા. જોકે, વિધાતાએ કશુંક અલગ જ ધાર્યું હતું. હૃદયની તકલીફથી પીડાતી મધુબાલાની તબિયત લથડી અને ડૉક્ટરોએ અમુક સમય સંપૂર્ણ આરામ (બેડરેસ્ટ) કરવા જણાવ્યું. પરિણામે મધુબાલાનું રાજ ખોસલા સાથે ફરી કામ કરવાનું અને બહુ જ પસંદ પડેલો રોલ ભજવવાનું સપનું રોળાઈ ગયું. છેવટે રાજ ખોસલાએ બંગાળી અભિનેત્રી સુચિત્રા સેનને લઈ ફિલ્મ પૂરી કરી હતી. બી. આર. ચોપડાની ‘નયા દૌર’માં પણ પહેલા મધુબાલાને જ સાઈન કરવામાં આવી હતી, પણ આ ફિલ્મ સુધ્ધાં તબિયતની સમસ્યાને કારણે મધુબાલાએ છોડવી પડી હતી. અલબત્ત એના પિતાશ્રી અતાઉલ્લા ખાનની આડોડાઈ પણ એમાં જવાબદાર હતી.