નવી દિલ્હીઃ ગુજરાતના સૌથી વિવાદાસ્પદ બિલ્કિસ બાનો કેસની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને દોષીઓને સજાના નિર્ધારિત સમય પહેલા શા માટે જેલમાંથી છોડી મૂકવા અંગે સવાલો કર્યા હતા. બિલ્કિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં 11 દોષીને છોડી મૂકવાના નિર્ણયને પડકાર્યો હતો.આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય સત્તાનો દુરુપયોગ થવો ન જોઈએ.
મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે આજે બિલ્કિસ છે તો આવતીકાલે બીજું કોઈ હશે. આ એક એવો કેસ છે, જેમાં એક ગર્ભવતી સાથે ગેંગરેપ કરવામાં આવે છે અને એ પણ તેના સાત-સાત સંબંધીની હત્યા કરવામાં આવી હતી. આ મુદ્દે અમે ગુજરાત સરકારને તમામ રેકોર્ડ આપવાનો આદેશ આપ્યો હતો. અમે ઈચ્છીએ છીએ કે સરકાર પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે. અમે એ વાતને જાણવા માગીએ છીએ કે તમે કયા તથ્યોને આધારે દોષીઓને છોડી મૂક્યા હતા.
સુપીમ કોર્ટે તેની સુનાવણીમાં કહ્યું હતું કે અમે એ વાત સ્પષ્ટ કરવા માગીએ છીએ કે તમારી સત્તાનો સાચો ઉપયોગ થવો જોઈએ. સત્તાનો દુરુપયોગ થવો જોઈએ નહીં, જે રીતે ગુનો કરવામાં આવ્યો છે એ ભયાનક છે. કોર્ટે આ મુદ્દે કહ્યું હતું કે દોષી કરાર કરવામાં આવેલા દરેક શખસને એક હજાર દિવસથી વધારે પેરોલ મળેલ છે. અમારું માનવું છે કે તમે જ્યારે તમારી સત્તાનો ઉપયોગ કરો છો ત્યારે તમારે જનતાના ભલાને ધ્યાનમાં રાખવું જોઈએ. તમે કોઈ પણ કેમ ન હો, તમે ગમે તેટલા ઊંચા કેમ ન હો, પરંતુ કોઈ પણ કામ જનતાના ભલા માટે થવું જોઈએ.
કોર્ટે ગુજરાત સરકારને સવાલ કરતા પૂછ્યું હતું કે દોષીઓને મુક્ત કરીને તમે શું સંદેશ આપવા માગો છો? તમે સફરજનની તુલના સંતરા સાથે કરી શકો છો? તમે એક વ્યક્તિની હત્યાની તુલના નરસંહારથી કઈ રીતે કરી શકો, એવું કોર્ટે જણાવ્યું હતું.