નિલેશ વાઘેલા
મુંબઇ: બિસ્માર સિલિકોન વેલી બેંકના એક્વિઝિશન માટે વાટાઘાટો આગળ વધી હોવાના અહેવાલો બાદ સોમવારે ભારતીય શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો, જોકે એ નોંધવું રહ્યું કે વૈશ્વિક બેંકિંગ સિસ્ટમમાં સંક્રમણની આશંકા તો હજુ ઝળૂંબી જ રહી છે. હેવીવેઇટ ફાઇનાન્શિયલ ઇન્ડેક્સમાં 0.3% ના સુધારા સાથે, 13 મુખ્ય ક્ષેત્રીય ઇન્ડેક્સમાંથી આઠમાં સુધારો જોવા મળ્યો છે. મેટલ્સ ઇન્ડેક્સ 0.8% વધીને ટોચના સેક્ટોરલ ગેનર બન્યા હતા, જેમાં શુક્રવારે બે ટકાથી મોટો કડાકો નોંધાયો હતો.
અલબત્ત, ફર્સ્ટ સિટીઝન્સ બેન્કશેર્સ ઇન્ક દ્વારા સિલિકોન વેલી બેંકના સંભવિત એક્વિઝિશનના અહેવાલોને કારણે સેન્ટિમેન્ટમાં સુધારો તો આવ્યો જ છે, પરંતુ બીજી તરફ ધિરાણની તંગી અંગેની ચિંતા યથાવત રહી છે. તાજેતરના બેંકિંગ કટોકટીના સંભવિત પરિણામને ધ્યાનમાં લેતા સત્તાવાળા હાઈ એલર્ટ મોડમાં છે. યુ.એસ. ફેડરલ રિઝર્વ અને યુરોપિયન સેન્ટ્રલ બેંકના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપમાં ચાર વર્ષની ઊંચી સપાટીએ પહોંચવાને પગલે ડ્યુશ બેંકના શેરમાં ઘટાડો થયા બાદ ક્રેડિટ ક્રંચ પર બેંકિંગ તણાવની અસર પર ઝીણી નજર રાખી રહ્યા છે. વ્યક્તિગત ભારતીય શેરોમાં, વૈશ્વિક બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ “ઓવરવેઇટ” ભલામણ સાથે સ્ટોક પર કવરેજ શરૂ કર્યા પછી ફીનિક્સ મિલ્સના શેરમાં લગભગ 6%નો ઉછાળો જોવા મળ્યો હતો. સન ફાર્મા એડવાન્સ્ડ રિસર્ચ કંપનીના શેર લગભગ બે ટકાનો કડાકો જોવાયો હતો. કંપનીએ જણાવ્યું હતું કે તે આ મહિનાની શરૂઆતમાં બનેલી IT સુરક્ષા ઘટનાના સંબંધમાં ચોક્કસ ખર્ચ કરી શકે છે.