( વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: એકધારી આગેકૂચ બાદ સપ્તાહના પહેલા જ દિવસે પૂર્વાર્ધમાં શેરબજારમાં ૭૦૦ પોઇન્ટનો કડાકો જોવા મળ્યો હતો. પીછેહટ અપેક્ષિત હતી, પરંતુ આટલી ઝડપી અને તીવ્ર હોવાનો અંદાજો નહોતો. જોકે, આ લખાઈ રહ્યું છે ત્યારે બજાર ઘટાડો પચાવવાની કોશિશમાં છે અને ૧૦૦ પોઇન્ટથી વધુ પાછું ફર્યું છે. બજારના સાધનો અનુસાર સેન્સેકસમાં પ્રારંભિક ધબડકાના કારણમાં ગ્લોબલ માર્કેટના નીરસ સંકેત ઉપરાંત મુખ્ય કારણ ઇન્ફોસિસના નબળા પરિણામ છે. ઇન્ફોસિસના નબળા પરિણામ અને એનાથી વધુ નકારાત્મક ગાઈડન્સને કારણે આઇટી શેરોમાં વેચવાલીનું દબાણ વધતાં બેન્ચમાર્ક ઝડપી ગતિએ નીચે સરક્યો હતો. નોંધવું રહ્યુ જે ટીસીએસના પરિણામ પછી પણ આવા જ કારણોસર બજાર પર નકારાત્મક અસર જોવા મળી હતી. બજારના સાધનો અનુસાર પાછલા ૧૦ દિવસની આગેકૂચ બાદ કરેક્ષન અપેક્ષિત જ છે અને એ માટે બજારને ઘણા કારણો મળ્યા છે.