કવર સ્ટોરી -અભિમન્યુ મોદી
શિયાળની ચાલને સમજી શકાય? ચાણક્યની રણનીતિને તોડી શકાય? બુદ્ધિમાન મનુષ્યને હરાવી શકાય? જો ત્રણ કાર્ય કોઈ પાર પાડી દે તો એ ચીનને પણ ઉત્પાત મચાવતા અટકાવી શકે છે. ચીનના સત્તાધીશો હંમેશાં વિશ્ર્વનું ધ્યાન વૈશ્ર્વિક મુદ્દાઓ તરફ કેન્દ્રિત થાય તેવા પ્રયત્નો કરે છે અને ખુદ માનવજાતનું પતન થઈ જાય તેવી હીન પ્રવૃત્તિ પોતાના રાષ્ટ્રમાં કર્યા કરે છે. દુનિયા એવી ચર્ચા કરવા બેસી જાય કે સરહદ પર જવાનો શહીદ થશે તો ત્રીજું વિશ્ર્વયુદ્ધ ફાટી નીકળશે પરંતુ ચીને તો ૨૦૧૯થી જૈવિક યુદ્ધની શરૂઆત કરી દીધી છે. કોરોનાની શાંત પડેલી ચોથી લહેર અચાનક સપાટી પર કેમ આવી તેની ચર્ચા કરવા કરતાં ચીનની મોડસ ઓપરેન્ડીને સમજવી અત્યંત જરૂરી છે.
મહાભારતમાં કૌરવો-પાંડવોની બહેન દુ:શલાના પતિ જયદ્રથનો વધ કરવાની અર્જુને પ્રતિજ્ઞા લીધી હતી. પ્રતિજ્ઞા અનુસાર જો સંધ્યાકાળ પહેલા જયદ્રથનો વધ નહિ થાય તો અર્જુન અગ્નિ સમાધિ ધારણ કરી લેશે. જયદ્રથના રક્ષણ માટે દ્રોણાચાર્યએ શટ ચક્રવ્યૂહની રચના કરી. જોરદાર યુદ્ધ થયું, પરંતુ અર્જુન જયદ્રથ સુધી પહોંચી ન શક્યો એટલે શ્રીકૃષ્ણએ પોતાની માયાથી સૂર્યગ્રહણ કરી દીધું. કુરુક્ષેત્રમાં ઉપસ્થિત સર્વે યોદ્ધાઓ આઘાતમાં સરી પડ્યા હતા સૌને એવું લાગ્યું હતું કે સૂર્ય અસ્ત થઈ ગયો, આ નિહાળીને જયદ્રથ પણ ખુશીનો માર્યો છાવણી માંથી બહાર નીકળ્યો અને અર્જુનને અગ્નિમાં ભડથું થતા નિહાળવા તેની સન્મુખ આવી ગયો. ત્યારે જ શ્રીકૃષ્ણએ સૂર્યગ્રહણ હટાવ્યું અને અર્જુને જયદ્રથને વીંધી નાખ્યો. જે રીતે આ કથામાં કોઈએ ગ્રહણ પર ધ્યાન ન આપ્યું અને અર્જુનના અંતને નિહાળવા બેસી ગયા એ જ પ્રકારે ચીન ભારત, ભૂતાન, સિંગાપોર, મલેશિયા,તાઇવાન, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, રશિયા અને અમેરિકા સાથે વારંવાર સરહદ વિવાદ ઉત્પન્ન કર્યા કરે છે. લોકો તેની જ ચર્ચા કર્યા કરે ત્યાં તો ચીનમાં જબરી ઊથલ પાથલ મચી ગઇ હોય.
૨૦૧૯માં જ્યારે ભારત સાથે ડોકલામ વિવાદ થયો ત્યારે મહસત્ત્ાાઓએ વીડિયો કોન્ફ્રાન્સથી કયા દેશને સમર્થન આપવું તેની ચર્ચા શરૂ કરી દીધી હતી. ભારતના બુદ્ધિજીવીઓ તો ચીનની પેશકદમીને ડામવા યુદ્ધ કરવાની હિમાયત કરતા હતા, પરંતુ એ જ સમયે વુહાનમાં માનવ જિંદગી મોતના ખપ્પરમાં હોમાઈ રહી હતી. તેની ચર્ચા કોઈએ ન કરી! ચાઇનામાં વાઇરસ ફેલાયો હતો. રોગચાળો ફાટી નીકળ્યો હતો છતાં મહસત્તાઓના કહેવાતા તજજ્ઞો અને રાજકીય પંડિતોને એ વાતનો અણસાર પણ ન આવ્યો કે ચીનમાં લાગેલી આગ તેમને પણ ભરખી જશે. ભારતમાં ૧૦ લોકોનું ડેન્ગ્યુથી નિધન થાય તો આ ઘટનાને કાગનો વાઘ કરી વિદેશી મીડિયા આંકડાકીય એનાલિસિસ રજૂ કરીને એવું સૂચવે કે ભારતમાં મૃત્યુઆંક વધી રહ્યો છે, પરંતુ ચીનમાં દૈનિક હજ્જારો લોકો સ્વર્ગવાસી થતા હતા તેમના જીવન પર શું એનાલિટિકલ સ્ટોરી ન બની શકે? મીડિયા એ વુહાન પર ધ્યાન જ ન આપ્યું અને પછી જે સ્ટોરી બની તેનાથી સમગ્ર વિશ્ર્વ પ્રભાવિત થયું.
ડોકલામ વિવાદ ક્યારે થયો? નવેમ્બર-ડિસેમ્બર માસમાં, કોરોના પણ એ જ સમયે ફેલાયો. આજે પણ એ જ મોડસ ઓપરેન્ડી અમલમાં છે. અત્યારે ચીન તેના સૈનિકોને ડોકલામ અને તવાંગમાં ટ્રાન્સફર કર્યા કરે છે, વિશ્ર્વ તેના પર જ ધ્યાન આપે છે અને ઓમિક્રોનનો નવો વેરિયન્ટ જાહેર જીવનમાં પ્રસરી રહ્યો છે.
૨૦૨૨માં તો ચીને દુનિયાને સતત ચોંકાવવાનું જ કામ કર્યું, જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ભારતમાં જ્યારે ત્રીજી લહેર ચરસીમા પર હતી ત્યારે ચીનમાં કોરોનાના શૂન્ય કેસ નોંધાયા હતા. એપ્રિલથી સપ્ટેમ્બર સુધી જિનપિંગ લાપતા રહ્યા. દુનિયા અચરજમાં મુકાઈ કે સત્તાલાલચુ નેતાને સિંહાસન પ્રત્યે વૈરાગ્ય જાગ્યો? ચાઇનાના નવા પ્રમુખ કોણ?’ આવા મથાળા બાંધીને વિશ્ર્વભરમાં અખબારોએ પોતાનું પાંંડિત્ય દાખવી દીધું, પરંતુ તજજ્ઞોના ગણિત ખોટા પડ્યા અને જિનપિંગ જીનની જેમ હાજર થયા. ઓક્ટોબરમાં યોજાયેલા શિખર સંમેલનમાં જિનપિંગે વૈશ્ર્વિક મીડિયા સામે ચીનના પૂર્વ પ્રમુખને અપમાનિત કરીને હાંકી કાઢ્યા અને કાળી ચૌદસને દિવસે ચૂંટણી થઈ જેમાં જિનપિંગ પુનરપી પ્રમુખ બની ગયા. પૂર્વ પ્રમુખનું અપમાન એ વાતની આગાહી હતી કે ચીન ફરી તબાહી માચાવશે પરંતુ ત્યારે ભારતમાં કોરોના નામશેષ થઈ ગયો હતો. જિનપિંગના સત્તારોહણ પર પણ નિરસ ચર્ચાઓ થઈ, પરંતુ આ બેકાર ચર્ચાને ફળીભૂત કરવા ચાઇનાએ નવો કીમિયો અપનાવ્યો. એ તો જગ જાહેર છે કે ચીની મીડિયા સરકારના પ્રચાર પ્રસાર અર્થે કામ કરે છે. નવેમ્બરમાં જ્યારે કોરોનાની ચોથી લહેર ચીનમાં ફેલાઈ રહી હતી ત્યારે નાગરિકો ડબલ માસ્ક પહેરીને જિનપિંગનો વિરોધ કરવા રેલી કાઢવા લાગ્યા. જેણે-જેણે જિનપિંગના અંતની વાત કરી હતી એ સૌ હરખાવા લાગ્યા. હવે એ જ હરખ પર ઓમિક્રોનનું વરખ ચડી ગયું છે. આંદોલન તો નામ પૂરતું જ થયું. આ વર્ષના અંતિમ મહિનામાં ચીને દુનિયાને કોરોનાની ગંભીરતાનો અણસાર પણ આવવા ન દીધો. જ્યારે ચીનમાં લાશનો ખડકલો થતો હતો ત્યારે દુનિયા તવાંગમાં વ્યસ્ત હતી. અરુણાચલ ટ્રેન્ડિંગ ટોપિક બન્યું હતું. ચમત્કારીક રીતે ચીની સૈનિકો બોર્ડર પરથી પાછા ફર્યા તેના એક જ સપ્તાહમાં ઓમિક્રોન હાઇબ્રિડ એલિમેન્ટ સાથે વિશ્ર્વભરમાં ફેલાવવામાં માંડ્યો. હવે આગળ શું થશે એ પણ સુવિદિત છે. ૨૦૨૩માં ચીન કોરોના મુક્ત હશે અને દુનિયા કોરોના યુક્ત.
એ પણ વિચારવા જેવું છે કે આંતરરાષ્ટ્રીય સમસ્યા બનેલા કોરોના વાઈરસમાં આપોઆપ મ્યુટેશન થઈ રહ્યું છે. આ કઈ રીતે સંભવ છે? મેલેરિયા,એઇડ્સ, ડેન્ગ્યુ,ચિકનગુનીયા, હાથીપગો,સંધિવા,હૃદયરોગ કે પછી ડિમેન્શિયા જેવા ઘાતક રોગ તો કોરોના કરતાં પણ પ્રાચીન છે. સૈકાઓથી માનવી તેની સામે લડે છે છતાં તેમાં મ્યુટેશન નથી થતું, પરંતુ કોરોનાનો વેરિયન્ટ મોબાઈલની ઓપરેટિંગ સિસ્ટમની જેમ આપોઆપ અપડેટ થાય છે! કોરોનાએ ડબ્લ્યુએચઓના ચહેરાને બેનકાબ કર્યો છેે. આ મહામારીની જવાબદારી ખરેખર તો વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના શિરે છે. દુનિયાના સ્વાસ્થ્યની ચિંતા કરવાનો ઈજારો ધરાવતી વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની ગંભીર બેેદરકારીનો ભોગ આજે
આખી દુનિયા બની હોય તેેવો અહેેસાસ હાલ તમામ રાષ્ટ્રોને થઈ રહ્યો છે. અત્યાર સુધી જેઓ આંખો મીંચીને વિશ્ર્વ આરોગ્ય સંસ્થા પર ભરોસો રાખીને બેઠા હતા તેમને હવે સમજાયું છે કે પારકી આશ સદા નિરાશ જ હોય છે. ડબ્લ્યુએચઓ એ કોરોનાના શરૂઆતના કાળમાં ચીન તરફ દર્શાવેલી બિનજરૂરી સૌજન્યશીલતા અને વાત્સલ્યનું ભયાનક પરિણામ આજે વિશ્ર્વ ભોગવી રહ્યું છે.
ખરેખર તો ઓમિક્રોનના ભય સામે લડવા સાવચેતી રાખવાની જરૂર છે, પરંતુ એ વાત ભારતની પ્રજાને ક્યારેય ગળે ઊતરતી જ નથી. રાજકોટ,અમદાવાદ અને વડોદરાના જે વિસ્તારમાંથી ઓમિક્રોનના પોઝિટિવ કેસ આવ્યા ત્યાં લોકો માસ્ક લગાવ્યા વિના મુક્તપણે ફરે છે. કોરોનાએ તો વિજ્ઞાનને પણ પાંગળું બનાવ્યું છે. ઓમિક્રોનના કેસની શરૂઆત થયા પછી એ કેટલી ઝડપ પકડશે એનો અંદાજ કોઇને આવતો નથી. એકાએક જ એ આક્રમણ આવે એટલે બધા માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. હાલ દુનિયા આ જ પરિસ્થિતિનો સામનો કરી રહી છે.
ભારતના નાગરિકો એવા ભ્રમમાં રાચે છે કે વેક્સિનના ૩ ડોઝ લીધા એટલે તેમનામાં હર્ડ ઇમ્યુનિટી આવી ગઈ છે.આ એટલો મોટો અને વ્યાપક ભ્રમ છે કે એનાથી લોકો ખુદના પતનને નોતરી રહ્યા છે. અનેક વખત સરકારે પ્રચાર માધ્યમો થકી લોકશિક્ષણ પૂરું પાડ્યું હોવા છતાં નાગરિકોમાં શિસ્તનો અભાવ જોવા મળે છે. ભારતીય પ્રજા સામાજિક બંધનોને સ્વીકારી શકતી નથી. હૉસ્પિટલમાં જવું ગમશે, પરંતુ શિસ્ત પાલનની વાત આવે ત્યારે સાવધાની વિસરાઈ જાય છે. લગ્નસરાની એક મોસમ પૂરી થઈ છે અને ઉત્તરાયણે કમુહૂર્તા ઊતરે પછી બીજી મોસમ શરૂ થવાની છે. એવામાં ઓમિક્રોનની લહેર ફરી સક્રિય થઈ છે. એટલે લોકો પણ ચિંતામાં મુકાયા છે, પરંતુ એ ટેન્શનના ટેકે સાવચેતીની ભૂલી જાય એ કેટલી હદે યોગ્ય કહેવાય?
ઓમિક્રોન તો અદ્રશ્ય વાઈરસ છે એટલે સરકારના હથિયાર વામણા સાબિત થાય છે, પરંતુ જો ઓમિક્રોન સદેહે પોતાની સેના લઈને યુદ્ધ કરવા આવ્યો હોત તો? યુદ્ધના સમયે સરકારને સાવચેતી દાખવવાની વિનંતી કરવી પડે? યુદ્ધ વખતે પ્રથમ પ્રહાર તો સ્વતંત્રતા પર થાય છે. ત્યારે શું કરવું? કોરોના વાઈરસે બોમ્બ,મિસાઈલ,ટેન્ક,બુલેટ્સ વગરનું યુદ્ધ શરૂ કર્યું છે. યુદ્ધનું નિયમન દુશ્મન પક્ષે થઈ રહ્યું છે. તેની સામે જીતવા માટે ૩ જ હથિયાર છે, સોશ્યલ અને ફિઝિકલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝર તો શું તેનો ઉપયોગ કરીને ઓમિક્રોન વિરુદ્ધ સાવચેતી દાખવીને આ યુદ્ધ જીતી ન શકાય?