Homeવીકએન્ડક્યોં ચલતે ચલતે રૂક ગયે વીરાન રાસ્તો, તન્હા હૂં આજ મૈં ઝરા...

ક્યોં ચલતે ચલતે રૂક ગયે વીરાન રાસ્તો, તન્હા હૂં આજ મૈં ઝરા ઘર તક તો સાથ દો

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી

યાદ હૈ
તુમ ચાંદ કે હોટોં કો
છૂના ચાહતે થે?
યાદ હો તો
ફ્રેમ સે બાહર નિકલ કર
પાસ આઓ
ઔર દેખો
ચાંદ કે ટુકડે
હથેલી મેં લિયે કબ સે ખડા હૂં!
– આદિલ મન્સૂરી
શ્રી આદિલ મન્સૂરી મૂળ તો ઉર્દૂ શાયર હતા, પરંતુ અમદાવાદમાં ‘રે મઠ’ નામના સર્જકોના તોફાની જૂથમાં જોડાયા પછી તેમણે ગુજરાતી ભાષામાં ગઝલ લખવાનું શરૂ કર્યું હતું. ગુજરાતી ગઝલનો વિકાસ સ્થગિત થઈ ગયો હતો અને તે ગૂંગળામણ અનુભવી રહી હતી. ત્યારે ઈ.સ. ૧૯૬૦ની આસપાસ તેમણે નવા ૩૯૫૦, નવાં પ્રતીક, નવા પૂરા કલ્પન અને નવા જ પ્રકારની અભિવ્યક્તિ વણી લઈને ગુજરાતી ગઝલને ખૂબસૂરત વળાંક આપી, નવી ગઝલના પ્રેરક અને પુરસ્કર્તા બન્યા હતા. કદાચ તેથી જ ઈ.સ. ૧૯૬૩માં પ્રકાશિત તેમના પ્રથમ ગઝલસંગ્રહનું શીર્ષક તેમણે ‘વળાંક’ રાખ્યું હતું. ત્યાર બાદ તેમણે ‘પગરવ’ (૧૯૬૬), ‘સતત’ (૧૯૭૦), ‘ન્યૂયોર્ક નામે ગામ’ (૧૯૯૬) અને ‘ગઝલના આયના ઘરમાં’ (૨૦૦૦) નામના ગઝલસંચયો આપ્યા હતા. તેમની સમગ્ર કવિતા ‘મળે ન મળે’માં ગ્રંથસ્થ છે.
તેમનું મૂળ નામ ફરીદ મોહંમદ ગુલામનબી મન્સૂરી હતું. તેમનો જન્મ ૧૮ મે ૧૯૩૬ના રોજ અમદાવાદમાં થયો હતો. ભારત અને પાકિસ્તાનના વિભાજન પછી તેમના પરિવારે કરાચીમાં વસવાટ કર્યો હતો, પરંતુ ઈ.સ. ૧૯૫૫ની સાલમાં તેમનું કુટુંબ તેમના પરિવાર સાથે અમેરિકાના ન્યુ જર્સીમાં સ્થાયી થઈ ગયા હતા. પરદેશમાં પણ તેઓ ગુજરાતી ગઝલને ભૂલ્યા નહોતા. ત્યાંથી તેમણે ગુજરાતી ગઝલના પ્રથમ ઈ-મેગેઝિન ‘ગઝલ ગુર્જરી ડોટ કોમ’ના કેટલાક અંકોનું સંપાદન-પ્રકાશન પાર પાડ્યું હતું.
આ ઉત્તમ શાયર અનોખા ચિત્રકાર, કેલિગ્રાફર તેમ જ પ્રયોગશીલ નાટ્યકારે ઈ.સ. ૧૯૬૦થી ૧૯૯૬ સુધીમાં સર્જાયેલી ઉર્દૂ ગઝલો અને નઝમોનું પુસ્તક ‘હશ્ર કી સુબ્હ દરખ્શાં હો’ ઉર્દૂ અને દેવનાગરી લિપિમાં ઈ.સ. ૧૯૯૬માં આપ્યું હતું. તેનું પ્રકાશન ઈલાહાબાદથી થયું હતું. આદિલ પોતે પ્રયોગશીલતા માટે પ્રયોગલક્ષિતાના આગ્રહી હતા. તેમણે ઉર્દૂના પ્રયોગવાદી શાયર ઝફર ઈકબાલ પાસે ગુજરાતી રદીફ (અનુપ્રાસ) પર ઉર્દૂ ગઝલો લખાવડાવી હતી. આમ ગુજરાતી રદીરૂવાળી ઝફર ઈકબાલની ૧૨૧ ગઝલોનો સંગ્રહ ‘તરકીબ’ આદિલસાહેબની સંપાદકીય સૂઝબૂઝ સાથે અમદાવાદથી બહાર પડ્યો હતો. ગુજરાતી-ઉર્દૂ ગઝલની દુનિયામાં આવુ કામ ભૂતકાળમાં થયું હોય તેવું જાણમાં નથી.
ઈ.સ. ૨૦૦૮માં તેમની ૭૩મી વર્ષગાંઠ પર તેમને ‘વલી ગુજરાતી ઍવોર્ડ’થી નવાજાયા હતા. આ બહુમાન સ્વીકારવા માટે તેઓ ન્યૂ જર્સીથી માતૃભૂમિ અમદાવાદ આવ્યા હતા. આ પૂર્વે તેમને ઈ.સ. ૨૦૦૩માં ગુજરાતની ઉર્દૂ સાહિત્ય અકાદમીએ ‘ગૌરવ પુરસ્કાર’ આપ્યો હતો. આ પ્રસંગે પ્રા. શમસૂર રહેમાન ફારૂકીએ જણાવ્યું હતું કે આદિલ મન્સૂરીએ હિંમતપૂર્વક અને દ્રષ્ટિપૂર્વક ગઝલમાં અનેક નવા પ્રયોગો કર્યા છે. એટલું જ નથી પણ બબ્બે પેઢી તેમની ગઝલોથી અંજાયેલી રહી છે. તેમના અમૂલ્ય પ્રદાન માટે તેમને આઈ.એન.ટી. (મુંબઈ)નો કલાપી ઍવોર્ડ, ગુજરાત સરકારનું પારિતોષિક અને ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર પણ મળ્યો હતો. ‘ગઝલ ઉસને છેડી’ (૧૯૬૯) અને ‘ગમી તે ગઝલ’ (૧૯૭૬) તેમણે અન્ય કવિમિત્રો સાથે સહસંપાદન કર્યું હતું.
આદિલ સાહેબ તેમના હૃદયમાં પેસમેકર મુકાવવાના હતા. તે પહેલા ૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ ન્યૂ જર્સી ખાતેના હેડનસેક મેડિકલ સેન્ટરમાં હૃદયરોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું હતું. આમ અદ્યતન ગઝલના સંવાહકે અચાનક વિદાય લીધી હતી.
તેમની નઝમો અને કેટલાક શેરનો આસ્વાદ કરીએ ‘વાપસ આને કે લિયે’ શીર્ષક હેઠળની એક રચના જુઓ:
“નઝર બચા કર જાને વાલે
મૈંને તેરી આંખો મેં
ખ્વાહિશ કે કાલે સૂરજ
દેખ લિયે હૈં!
વાપસ આ જા
તેમણે તેમની કવિતામાં સૂરજનું પ્રતીક અવારનવાર દોહરાવ્યું છે. દરેક વખતે આ પ્રતીક નવા નવા સંદર્ભોનો ઉઘાડ કરતું હોય છે. સૂર્ય સામે ઝાઝો સમય તાકીને જોઈ શકાતું નથી. પણ કવિએ કોઈની આંખોમાં ઈચ્છાઓના કાળા સૂરજ જોયા છે. માણસની બધી ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી તે વાત અહીં અનોખા અંદાજમાં કહેવામાં આવી છે.
‘યહ શજર કિસને કાટા બતાઓ’ એ શીર્ષકવાળી નઝમ માણવા જેવી છે:
“યહ શજર કિસને કાટા બતાઓ.
જિસ કે સાયે મેં તનહાઈયાં સો રહી થીં,
જિસ કી શાખોં પે
શબનમ કી આંખે ખુલી થી,
જિસકે પત્તોં કો સૂરજ ને ચૂમા,
જો હવાઓં કી બાહોં મેં ઝૂમા,
યહ શજર કિસને કાટા બતાઓ.
ખૂન થૂકા હૈ આંગન મેં કિસ ને?
કિસ ને પાની બહાયા સડક પર?
કિસ કી આંખે ખુલી રહ ગયી હૈં?
કિસ કી હોઠોં સે ઉભરી સફેદી?
કૌન સોયા હૈ કરવટ બદલ કર?
ચુપ ખડે ક્યોં હો જલ્દી જગાઓ?
વહ શજર કિસ ને કાટા બતાઓ!
શરૂઆતની કવિતામાં પ્રણયરંગ રેલાવનાર આ કવિએ પ્રભુ, પ્રકૃતિ અને પર્યાવરણનું કાવ્યતત્ત્વ સમેત આલેખન કર્યું છે. વૃક્ષનું રમ્ય ચિત્ર દોરવાને બદલે આ કવિ વૃક્ષ કોણે કાપ્યું એવો ધારદાર સવાલ લઈને આવ્યા છે. વૃક્ષનું છેદન થઈ ગયું હોવાથી શાયરના હૃદયમાં જાગી ઉઠેલી સંવેદનાનું અત્રે વર્ણન કરાયું છે. આમ, અહીં વૃક્ષ-શજરનું પ્રતીક અનેક તરંગ અને કલ્પનાનું ભાવકોના હૃદયમાં પણ આરોપણ કરવાનું કાર્ય કરે છે.
તેમના શે’રની ગલીમાં હવે લટાર મારીએ:
શહર કે સડતે હુએ મલબે મેં,
બિલ્લી ક્યા ઢૂંઢ રહી હૈં દેખો
શહર તો રાખ હુઆ હૈ કબ કા,
એક દીવાર બચી હૈ દેખો.
કુદરતી આપત્તિને લીધે યા તો માનવસર્જિત દુર્ઘટનાને લીધે આખું નગર જમીનદોસ્ત થઈ જાય તે પછીનું દ્રશ્ય અહીં દોરાયું છે. નગરનું ભલે રાખમાં રૂપાંતર થયું પણ મકાનની એક ભીંત બચી ગઈ તે દ્વારા અહીં આશાવાદ વ્યક્ત કરાયો છે.
– મેરે ટૂટે હૌંસલે કે પર નિકલતે દેખ કર,
ઉસને દીવારોં કો અપની ઔર ઊંચા કર દિયા.
મારા તૂટી (ફૂટી) ગયેલા ઉત્સાહ-ઉમંગને પાંખ ફૂટી નીકળેલી જોઈને તેમણે (તેમના ઘરની) દીવાલોને વધુ ઊંચી ચણાવી લીધી.
– જિન્હેં રાખ કા ઢેર સમઝે થે હમ,
વો અંગારે ફિર સે દહકને લગે.
અમે જેને રાખનો ઢગલો સમજ્યા હતા તેને હટાવીને જોયું તો તે ઢગલા નીચે અંગારા હજુ પણ સળગતા હતા. માણસની વૃત્તિ ક્યારે, કેવું રૂપ લેશે તેનો કોઈ ભરોસો હોતો નથી.
– તૈરના જિનકે લિયે ખેલ થા વો ભી ન બચે,
શહર સમઝે થે જિસે ખૂન કા દરિયા નિકલા.
જે લોકોને તરવું તે રમત વાત હતી એવાં લોકોય બચી શક્યા નહીં ડૂબી ગયા. જેને અમે નગર સમજી બેઠા હતા તે તો ખૂનની નદી નીકળી. પરિસ્થિતિ કેવા સંજોગોમાં કોને ક્યાં લઈ જશે તે ક્યારેય કહી શકાતું નથી.
– ઉસ કે કરીબ જાને કા અંજામ યે હુવા,
મૈં અપને આપ સે ભી બહુત દૂર જા પડા.
તેમની નજીક જવાનો અંત ખૂબ કઠીન નીકળ્યો. હું તેમની નજીક તો ગયો પણ હું મારા પોતાનાથી ખૂબ દૂર થઈ ગયો. જે આપણા પોતાના જ હોય તેની નિકટ જવાથી અનેક સમસ્યા પેદા થતી હોય છે તેવું અહીં અભિપ્રેત છે.
– દરવાજા ખટખટા કે સિતારે ચલે ગયે,
ખ્વાબોં કી શાલ ઓઢ કે મૈં ઊંઘતા રહા.
(મારા ઘરના) દરવાજા ખટખટાવીને (આખી રાત જાગેલા) તારલાઓએ તો વિદાય લઈ લીધી અને હું તો સ્વપ્નાઓની શાલ ઓઢીને સૂતો રહ્યો. શાયરની બેપરવાઈની ક્ષણો અહીં સરસ રીતે ઝિલાયેલી જોવા મળે છે.
– ઘર સે ગલી કી સિમ્ત મેરે પાંવ જબ બઢે,
દરવાઝે પૂછને લગે સાહબ કિધર ચલે?
મારાં ચરણ જ્યારે ઘરથી ગલી સુધીના વળાંક પર આગળ વધવા લાગ્યા કે તુરંત દરવાજા મને પૂછવા લાગ્યા કે સાહેબ, તમે ક્યાં ચાલ્યા? દરવાજાને કવિ સાથે કેવો ઘરોબો થઈ ગયો હશે!
– પટરી કે દરમ્યાન મૈં ઝિન્દા પડા રહા,
ઈક ટ્રેન ચીખતી હુઈ સર સે ગુઝર ગયી.
પાટા વચ્ચે હું જીવતો પડ્યો રહ્યો. એક ટ્રેન ચીસ પાડતી મારા માથા પરથી (સડસડાટ) પસાર થઈ ગઈ. તે ટ્રેનનું નામ કદાચ જિંદગી જ હશે ને!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -