Homeએકસ્ટ્રા અફેરગુજરાતમાં ભાજપે ૨૦૦૨નાં તોફાનોનો મુદ્દો કેમ છેડ્યો?

ગુજરાતમાં ભાજપે ૨૦૦૨નાં તોફાનોનો મુદ્દો કેમ છેડ્યો?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફરી ૨૦૦૨નાં રમખાણોનો મુદ્દો ગાજવા માંડ્યો છે. ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં શરૂઆતમાં વિકાસની ને બીજી ડાહી ડાહી વાતો કરીને હવે છેવટે ૨૦૦૨નાં રમખાણો પર જ આવીને તેની પિન અટકી છે. ગુજરાતમાં ભાજપનું સેનાપતિપદ આ વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હાથમાં છે. ઉમેદવારો નક્કી કરવાથી માંડીને ચૂંટણીપ્રચારની વ્યૂહરચના સુધીનું બધું જ અમિત શાહ નક્કી કરે છે. શાહે હવે ગુજરાતનાં રમખાણોની વાત માંડી દેતાં ગુજરાતની ચૂંટણી ફરી ૨૦૦૨નાં રમખાણો પર જ કેન્દ્રિત થઈ ગઈ છે.
અમિત શાહ હવે દરેક સભામાં એક જ વાત કરે છે કે, છેલ્લે ૨૦૦૨માં આ લોકોએ છમકલું કરવાની હિંમત કરી હતી, પણ ૨૦૦૨માં એવો પાઠ ભણાવ્યો કે હવે નામ નથી લેતા. એ વખતે તેમને વિણી વિણીને સીધા કર્યા ને જેલમાં નાખ્યા એટલે ૨૨ વર્ષ થયાં પછી પણ હજી સુધી એક વાર પણ ગુજરાતમાં કફર્યૂ નથી નાખવો પડ્યો. ગુજરાતમાં અસામાજિક તત્ત્વો અગાઉ વારંવાર હિંસા કરતા અને કૉંગ્રેસ તેમને છાવરતી હતી. કૉંગ્રેસે વર્ષો સુધી સમાજના એક મોટા વર્ગ સાથે વારંવાર અન્યાય કર્યો છે.
જો કે, ભાજપે તેમને ખો ભૂલાવી દીધી છે. ૨૦૦૨માં એક વાર નરેન્દ્રભાઈ વખતે અડપલું કરવાની કોશિશ કરી તો એવો પાઠ ભણાવ્યો કે, ૨૦૦૨ પછી ૨૨ થયા પણ હજુ સુધી કોઈ ડોકું ઊચું નથી કરતું, આપણે ૨૦૦૨માં એવો પાઠ ભણાવ્યો છે કે, એ લોકો ખો ભૂલી ગયા છે. ભાજપે આખા ગુજરાતમાં કાયમની શાંતિ કરી દીધી છે. કૉંગ્રેસના શાસનમાં ગુજરાતમાં ઈજ્જુ શેખ, પીરજાદા, લતિફ જેવા દાદા હતા. હવે ગુજરાતના ગામે ગામ દાદા છે તો એક જ દાદા છે અને એ દાદા હનુમાન દાદા છે.
શાહ પોતાના ભાષણમાં વારંવાર એ લોકો શબ્દ વાપરે છે. ‘એ લોકો’ એટલે કોણ તેની સ્પષ્ટતા કરવાની જરૂર છે એવો સવાલ પણ પૂછે છે, પણ જવાબ આપતા નથી કેમ કે જવાબ આપવાની જરૂર જ નથી. લોકો સમજી જ જાય છે કે, શાહ ‘એ લોકો’ કહે છે ત્યારે મુસલમાનોની વાત કરે છે. શાહ એ વાત પર પણ ભાર મૂકે છે કે, ગુજરાતમાં ૧૯૯૫ પહેલાં કૉંગ્રેસનું રાજ હતું ત્યારે વારંવાર કોમી રમખાણો થતાં હતાં. કૉંગ્રેસ પોતે જ અલગ-અલગ ધર્મ અને સમુદાયના લોકોને ભડકાવીને એકબીજા સામે લડાવતી હતી તેથી છાશવારે ગુજરાતમાં કોમી રમખાણો થતાં હતાં. આ રમખાણો ભડકાવીને તેની આગમાં કૉંગ્રેસ પોતાના રાજકીય રોટલા શેકતી અને મતબૅંકને મજબૂત કરતી હતી, પણ ભાજપે હિંસા અને તોફાનો ભડકાવવાવાળાને બરાબરનો પાઠ ભણાવીને પાંસરા કરી દીધા છે.
શાહના નિવેદન સામે અસદુદ્દીન ઓવૈસી ને તૃણમૂલ કૉંગ્રેસનાં મહુવા મોઈત્રા કૂદી પડ્યાં છે, પણ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂપ છે તેથી આ મુદ્દે સામસામી પટ્ટાબાજી નથી થઈ રહી, પણ ગુજરાતના ચૂંટણીના જંગમાં ૨૦૦૨નાં રમખાણોનો મુદ્દો આવી ગયો છે. ભાજપ ગુજરાતમાં ૨૭ વર્ષથી શાસનમાં છે. ૨૭ વર્ષના શાસન પછી પણ ભાજપે માત્ર ને માત્ર પોતે કરેલાં વિકાસના કામોના જોરે ચૂંટણી લડવાની હિંમત બતાવવાના બદલે વળી વળીને ૨૦૦૨નાં રમખાણોની વાત પર આવવું પડે એ કમનસીબી કહેવાય પણ આ ગુજરાતના રાજકારણની વાસ્તવિકતા છે.
ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણોના પગલે નરેન્દ્ર મોદી હિંદુઓમાં હીરો તરીકે ઊભર્યા પછી ગુજરાતનું રાજકારણ હિંદુત્વલક્ષી અને મોદીલક્ષી થઈ ગયું છે. ૨૦૦૨ પછીની દરેક ચૂંટણીમાં મોદીના નામે લોકો ભાજપ તરફી મતદાન કરતા રહ્યા છે. તેના કારણે ભાજપ વિકાસની વાતો ભલે કરે પણ અંતે વાત હિંદુત્વ પર જ આવીને ઊભી રહી જાય છે. મોદી નહીં હોય તો મુસ્લિમો હિંદુઓની હાલત બગાડી નાખશે એ વાત ભાજપે અલગ અલગ રીતે કરવી પડે છે ને અત્યારે એ જ થઈ રહ્યું છે.
ભાજપ સિવાયના પક્ષો હિંદુ વિરોધી છે એ સાબિત કરવાની મથામણ ભાજપ કરી રહ્યો છે. કૉંગ્રેસ પર તો મુસ્લિમ પાર્ટીનું લેબલ પહેલાં જ લાગી ગયું છે તેથી કૉંગ્રેસને હિંદુ વિરોધી સાબિત કરવા બહુ મથામણ કરવી નથી પડતી, પણ અરવિંદ કેજરીવાલનો કેસ અલગ છે. કેજરીવાલ હિંદુ વિરોધી છે એ સાબિત કરવાની મથામણ ભાજપે બહુ કરી પણ ફાવ્યો નથી. કેજરીવાલને મુસ્લિમ ટોપી પહેરાવીને બતાવાયેલા ને કેજરૂદ્દીન તરીકે સંબોધતા મેસેજીસ બહુ વાયરલ કર્યા પણ તેની ધારી અસર થઈ નથી તેથી છેવટે હવે ૨૦૦૨નાં રમખાણોનો મુદ્દો ભાજપે લાવવો પડ્યો છે.
ભાજપે આ મુદ્દો ઉખેળવો પડે છે તેનો અર્થ એ કે, ભાજપને પોતાના વિકાસના કહેવાતા એજન્ડા કે મોદી મેજિક પર પણ બહુ વિશ્ર્વાસ નથી. ચૂંટણી પહેલાંના ઓપિનિયન પોલ ગુજરાતમાં ભાજપને ૧૪૦ જેટલી વિક્રમસર્જક બેઠકો મળશે એવો દાવો કરાયો છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને મહત્તમ ૧૨૭ બેઠક મળી હતી એ જોતાં આ વખતે મોદીનો રેકોર્ડ તૂટશે એવી આગાહી થઈ રહી છે, પણ ભાજપને આ વાતમાં ભરોસો નથી તેનું કારણ આમ આદમી પાર્ટીનો વધી રહેલો પ્રભાવ છે.
શરૂઆતના ઓપિનિયન પોલમાં આમ આદમી પાર્ટીને સમ ખાવા પૂરતી એક-બે બેઠકો મળશે એવી આગાહીઓ થતી હતી પણ ધીરે ધીરે આ બેઠકો વધી છે. છેલ્લે જે પોલ આવ્યા તેમાં એક પોલમાં આ આંકડો ૧૦-૧૨ પર પહોંચ્યો છે, જ્યારે એક ટોચના મીડિયા હાઉસના પોલમાં પચ્ચીસેક બેઠક મળવાની આગાહી કરાઈ છે. કૉંગ્રેસને મહત્તમ ૪૦ બેઠક મળશે એવી આગાહીઓ થઈ રહી છે. ભારતમાં ઓપિનિયન પોલનો ઈતિહાસ સાચો પડવાનો નથી.
બીજી તરફ કૉંગ્રેસની સરખામણીમાં આમ આદમી પાર્ટી વધારે આક્રમક છે. કૉંગ્રેસના શાસનની સરખામણીમાં આપનું શાસન વધારે બહેતર છે એવું લોકો માને છે. કૉંગ્રેસની જેમ આમ આદમી પાર્ટીની છાપ મુસ્લિમ પાર્ટી તરીકેની નથી, પણ અરવિંદ કેજરીવાલ તો સવાયા હિંદુ બનીને વર્તી રહ્યા છે ને ભાજપના જ નકશે કદમ પર ચાલી રહ્યા છે તેથી ભાજપે સતર્ક થઈને ૨૦૦૨નાં રમખાણોની વાત માંડી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -