હૈદરાબાદમાં કુશેગુડા વિસ્તારમાં રહેતા એક સોફ્ટવેર એન્જિનિયરે આત્મહત્યા કરતા પહેલા તેની પત્ની અને બે બાળકોને ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ તે સામુહિક આત્મહત્યા હોવાનું જણાય છે. સતીશ (39), તેની પત્ની જી. વેધા (35) અને તેના બાળકો જી. નિશિકેત (9) અને જી. નિહાર (5)નો મૃતદેહ શનિવારે મોડી રાત્રે હૈદરાબાદના કુશેગુડા વિસ્તારમાં તેમના ફ્લેટમાંથી મળી આવ્યો હતો.
પોલીસને આશંકા છે કે દંપતીના બે બાળકો હતા જે માનસિક રીતે અસ્વસ્થ હતા. ઉપચારો અને દવા બાદ પણ તેઓ સાજા નહોતા થયા. બાળકોની નાદુરસ્ત તબિયતને કારણે પતિ-પત્ની ભારે ચિંતામાં રહેતા હતા દંપતીએ તેમના બાળકોની ખરાબ તબિયતના કારણે આ પગલું ભર્યું છે. પોલીસને ફ્લેટમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં દંપતીએ દાવો કર્યો છે કે તેઓએ આત્મઘાતી પગલું ભરવાનું નક્કી કર્યું છે અને તેમના મૃત્યુ માટે અન્ય કોઈ જવાબદાર નથી. પત્રમાં દંપતીએ વિનંતી કરી હતી કે કોઈ તેમને બચાવવાનો પ્રયાસ ન કરે અને તેમને શાંતિથી મરવા દેવામાં આવે.
ઘટનાની વિગત મુજબ જ્યારે સતીશનો સાળો મણિકાંત એપાર્ટમેન્ટમાં પહોંચ્યો ત્યારે તેને ડોરબેલનો કોઈ જવાબ નહી મળ્યો, ત્યારે તેણે સિક્યુરિટી ગાર્ડને આ બાબતે માહિતી આપી હતી. તેઓએ પ્રથમ માળના ફ્લેટની બાલ્કની પર ચઢવા માટે સીડીનો ઉપયોગ કર્યો હતો અને પાછળના દરવાજાની લેચ તોડી નાખી. તેઓને એક રૂમમાં સતીશ મૃત હાલતમાં જ્યારે તેની પત્ની અને બાળકો બીજા રૂમમાં પલંગ પર મૃત હાલતમાં મળી આવ્યા હતા