વિશ્વ માતૃભાષા દિવસ માટે 21મી ફેબ્રઆરી તારીખની જ પસંદગી શા માટે કરવામાં આવી, તેની પાછળ એક લોહિયાળ કહાણી છે. માતૃભાષા માટે શહીદી વહોરવામાં આવી હતી, એવું તમે માની શકો ખરા? કોઈ સમાજ પોતાની માતૃભાષા માટે માર્ગ પર ઊતરીને આંદોલન કરે? માતૃભાષાને કારણે એક નવા દેશનું સર્જન થઈ શકે ખરા? શું તમે ધારી શકો કે તરુણો-યુવાનો પોતાની ભાષા માટે મોતની પણ પરવા કર્યા વિના સામી છાતીએ બંદૂકોની ગોળીઓ ઝીલે? હા, આવું બન્યું હતું અને એક નવો ઇતિહાસ રચાયો હતો. આ ઘટના છે, પૂર્વ પાકિસ્તાનની, હાલના બાંગ્લાદેશની. બાંગ્લાદેશનું નામ જ તેની બંગાળી ભાષા – બાંગ્લા પરથી છે, કેમકે તેના સર્જનમાં માતૃભાષા અને પોતીકી સંસ્કૃતિ માટેનું આંદોલન અને લોહીયાળ શહાદતોની મોટી ભૂમિકા છે.
આપણે જાણીએ છીએ કે ઈ.સ. 1947માં ભારતના ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાન બે હિસ્સામાં વહેંચાયેલું હતું. હાલનું બાંગ્લાદેશ ત્યારે પૂર્વ પાકિસ્તાન કહેવાતું હતું. પૂર્વ પાકિસ્તાન મુસ્લિમ બહુમતી ધરાવતો જ પ્રદેશ હતો, પરંતુ ત્યાંના લોકોની ભાષા અને સંસ્કૃતિ બંગાળી હતાં. ધર્મના આધારે રચાયેલા પાકિસ્તાનના વડાઓએ નક્કી કર્યું કે દેશનો વહીવટ ઉર્દુમાં જ ચાલશે, જ્યારે પૂર્વ પાકિસ્તાનના લોકોની લાગણી હતી કે બંગાળી પણ રાષ્ટ્રની ભાષા બનવી જોઈએ. કટ્ટરતાના ઝેરથી સિંચાયેલી પાકિસ્તાની માનસિકતા ઉર્દુ ઉપરાંતની અન્ય કોઈ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે કઈ રીતે સ્વીકારી શકે! અનેક રજૂઆતો છતાં જ્યારે 27 જાન્યુઆરી, 1952ના રોજ જ્યારે પૂર્વ પાકિસ્તાનના મુખ્યમંત્રી ખ્વાજા નજીમુદ્દીને ઢાંકામાં જાહેર કર્યું કે રાષ્ટ્રભાષા તો માત્ર ઉર્દુ જ રહેશે ત્યારે લોકોએ માતૃભાષા માટે આંદોલનનો માર્ગ અપનાવ્યો. ઢાંકા યુનિવર્સિટી અને અન્ય મહાવિદ્યાલયોમાં ‘રાષ્ટ્રભાષા બાંગ્લા ચાઇ’નો નારો બુલંદ બન્યો. 31 જાન્યુઆરીના રોજ મળેલી સામાજિક અને રાજકીય સંસ્થાઓના પ્રતિનિધિઓની બેઠકમાં નક્કી થયું કે બાંગ્લાને રાષ્ટ્રભાષા બનાવવાની માગણી સાથે 21 ફેબ્રુઆરીના રોજ હડતાળ પાડવી.
સત્તાધીશોએ વિરોધ પ્રદર્શનો અને સભા-સરઘસોને અટકાવવા માટે કલમ 144 લાગુ પાડી અને હથિયારબંધ સૈનિકો ખડકી દેવાયા છતાં ઢાકા યુનિવર્સિટી અને અન્ય કૉલેજોમાં વિદ્યાર્થીઓના ટોળા ઊમટી પડ્યાં. વિરોધ પ્રદર્શન અટકાવવા માટે યુવાનો પર ગોળીઓ વરસાવવામાં આવી, ડઝનબંધ યુવાનો ઘાયલ થયા અને પાંચ યુવાનોએ માતૃભાષા માટે હસતાં મોંએ મોતને વહાલું કર્યું.
પોતાની ભાષા માટે આવો પ્રેમ, આવો સંઘર્ષ અને આવી શહીદીનો બીજો દાખલો મળવો મુશ્કેલ છે, એને ધ્યાનમાં રાખીને જ યુનેસ્કોએ 17 નવેમ્બર, 1999ના રોજ 21 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે જાહેર કર્યો હતો. આ માહિતી ગુજરાત સરકારના માહિતી ખાતાના દિવ્યેશ વ્યાસે સંકલિત કરી મોકલી છે.
આજે માતૃભાષા દિવસ છે ત્યારે આપણે ભલે સામી છાતીએ ગોળી ના ખાઈએ, પરંતુ આપણા પરિવાર માં આપણા સમાજમાં આપણી શિક્ષણ પદ્ધતિઓમાં આપણી માતૃભાષા જીવંત રહે તેના તમામ પ્રયાસો આપણે કરવા જોઈએ. અંગ્રેજી ભાષા સાથેનો કોઈ વિરોધ નથી અને તે શીખવી જરૂરી છે પરંતુ માતૃભાષામાં જો પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે તો બાળકો કુદરતી રીતે ખીલી ઉઠે છે તેમની અભિવ્યક્તિન શક્તિ ,તેમની સમજ શક્તિ વધારે સારી રીતે ખીલી શકે છે તે વૈજ્ઞાનિક રીતે પણ સિદ્ધ થયું છે. મોટાભાગના શિક્ષણવિદો પણ આ વાતને સાચી જણાવે છે ત્યારે બાળકનું પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં થાય તેની જવાબદારી જો દરેક માતા-પિતા લે તો ભાષાને જીવાડવી તેને જીવંત રાખવી અઘરી નહીં બને. સૌને માતૃભાષા દિવસના ખુબ ખુબ વધામણા.