રોજ બરોજ -અભિમન્યુ મોદી
પેરિસ, બ્રુસેલ્સ, ઓરલાન્ડો, ઇસ્તંબુલ, ઢાકા, બગદાદ, મદીના, યમન, કતાર અને હવે પાકિસ્તાન ઇસ્લામી રાજવટ અને આતંકીઓની ત્રાસવાદી પ્રવૃત્તિઓનાં શિકાર બન્યાં છે. બોમ્બ વિસ્ફોટ, આત્મઘાતી હલ્લાઓ કરીને શધારી ધાડપાડુઓ ત્રાસ ફેલાવે છે અને નિર્દોષ પ્રજા તેનો ભોગ બને છે. પઠાણકોટ, ગુરુદાસપુર અને કાશ્મીરમાં સતત ચાલી રહેલાં ધીંગાણાંઓનો આ યાદીમાં સમાવેશ નથી, કારણ કે આ ત્રાસવાદનાં મૂળ, ડાળ અને પાંદડાંની જવાબદારી ઇસ્લામી રાજવટ કે અલ કાયદાની નથી. તેનું ઉત્પત્તિ કેન્દ્ર તો ખુદ પાકિસ્તાન છે. આતંકવાદને પ્રોત્સાહન આપીને અન્ય રાષ્ટ્રોમાં ઉધમ મચાવાવું એ પાકિસ્તાનની તાસીર રહી છે. ભારત પર કબ્જો ન થયો તો વૈશ્ર્વિક મોરચે ચીન અને અમેરિકાને સાથ આપ્યો. અમેરિકા સાથે સંબંધ ખાટા થયા તો તાલિબાનોને સહયોગ આપ્યો. હવે આ સહયોગ સાપ બનીને ફેણ મારી રહ્યો છે. અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા યુદ્ધ સમયે પાકિસ્તાને અમેરિકા સહકાર આપવાના સ્થાને તાલિબાનીઓની પ્રત્યેક જરૂરત પૂરી પાડી. એ હદ સુધી કે તાલિબાનીઓને આશ્રય તો આપ્યું. તદુપરાંત તાલિબાની સેનામાં સામેલ થવા યુવાધનને પણ આંતકવાદની તાલીમ આપી યુવાનોને તાલિબાનમાં વટલાવી નાંખ્યા.
કફન બાંધીને કાફીર બનેલા તાલિબાનો પાસે જેવી અફઘાનિસ્તાનની સત્તા આવે એટલે પાકિસ્તાનના પૂર્વ પ્રમુખ ઇમરાન ખાન મિત્રતાનો હાથ લંબાવવા અને સહાયની દુહાઈ આપવા પહોંચી ગયા. એ સમયે વીડિયો પણ વાઇરલ થયા હતા. જેમાં વાનરની જેમ તાલિબાનો ધન વૈભવ અને માયારૂપી ગેજેટ્સને માણી રહ્યા હતા. એ સમયે અબુધ બનેલા તાલિબાનો આજે બુદ્ધિજીવી બની ગયા છે. તેમને મહાસત્તા સાથે વ્યાપાર કરવો છે પરંતુ પાકિસ્તાનના અહેસાનો આડશ બનીને ઊભા છે. વ્હાઇટ કોલર તાલિબાનોને હવે પાકિસ્તાનના ટુકડા પર નભવું નથી. તેમને તો પાકિસ્તાનના ટુકડે ટુકડા કરીને ત્યાં પણ પોતાની સત્તા સ્થાપવાની પરમેચ્છા જાગી છે. તાલિબાનોએ તો યુદ્ધની પણ તૈયારી કરી લીધી છે. એટલે જ તેના પહાયતા આતંકવાદી સંગઠન તહેરીક-એ-તાલિબાને પાકિસ્તાન વિરુદ્ધ જેહાદનું એલાન કર્યું છે. તાલિબાનોના કમાન્ડર ઉમર શાહિદે એક વીડિયો રિલીઝ કરીને જાહેરાત પણ કરી દીધી કે તેઓ અફઘાનિસ્તાનની જેમ પાકિસ્તાનને આઝાદ કરશે અને ઇસ્લામી કાયદાની સ્થાપના કરશે.
‘તહેરીક-એ-તાલિબાન’ એ તાલિબાનોનું જ આતંકી સંગઠન છે. જે વર્ષોથી પાકિસ્તાનમાં જ રહે છે અને પાકિસ્તાનમાં આતંકી પ્રવૃતિઓને તમામ પ્રકારની સહાયતા પૂરી પાડે છે. તેનું સંચાલન બ્રિટનનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી નૂર વલી મહેસૂદ કરે છે અને ઉમર શાહિદ તાલિબાનોના વિદેશ મંત્રીની ભૂમિકા અદા કરે છે. બન્ને સમયાંતરે બલૂચિસ્તાનમાં પણ શ્ર્વસતા લશ્કર-એ-બલુચિસ્તાન નામક ત્રાસવાસી સંગઠને તાલીમ અને હથિયાર પહોંચાડ્યા કરે છે. નૂર વલી વર્ષોથી બલૂચોને પાકિસ્તાન વિરુદ્ધ બળવો પોકરવાનું ઝેર ભરતો રહ્યો છે. જેને નસ-નસમાં ઉતારી ખુન્નસથી ભરેલા લડાકુ બલૂચોએ તાલિબાનના ઈશારે આતંક મચાવવાનું પણ ચાલી કરી દીધું છે. તાજેતરમાં આ નવા વર્ષના મંગળ પ્રભાતે કરાચીમાં ચાલતા ચીનના પ્રોજેક્ટોને અટકાવી દીધા હતા.
અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાનોએ જુદા જુદા મંત્રાલયો બનાવ્યા છે. આ મંત્રાલયોમાં સંરક્ષણ, ન્યાય, માહિતી, નાણાં, શિક્ષણ અને ફતવા બહાર પાડવાના વિભાગની રચના કરી છે. પાકિસ્તાન પર કબજો મેળવવા માટે તાલિબાનોએ પાકિસ્તાનને બે ભાગમાં વહેંચ્યું છે. એક ભાગ એવો છે જ્યાં તાલિબાનોનું વર્ચસ્વ છે. બીજો ભાગ એવો છે જેના પર કબજો મેળવવા માટે તાલિબાનોએ લાંબો સંઘર્ષ કરવો પડે એમ છે. બંને માટે તાલિબાનોએ અલગ અલગ રણનીતિ બનાવી છે. અફઘાનિસ્તાનની બોર્ડરને અડીને જે વિસ્તારો આવેલા છે ત્યાં તાલિબાનોની ધાક પ્રવર્તે છે. ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં તાલિબાનો પોતાનું ધાર્યું કરે છે. તાલિબાનોએ જે સંરક્ષણ વિભાગ બનાવ્યો છે તેની અંડરમાં જ સ્યૂસાઇડ સ્કવોડની રચના કરી છે.
પાકિસ્તાનમાં ગત ૧૧મી એપ્રિલ ૨૦૨૨ના રોજ ઇમરાન ખાનની સરકારને ગબડાવીને શહેબાઝ શરીફ વડા પ્રધાન બન્યા ત્યારે શાહબાઝે તાલિબાનો સાથે શાંતિ સમજૂતી કરી હતી. બંનેએ એવું નક્કી કર્યું હતું કે, આતંકવાદીઓ હુમલાઓ નહીં કરે અને પાકિસ્તાનની પોલીસ કે સેના આતંકવાદીઓને નિશાન નહીં બનાવે. આ ખોખલી સમજૂતી ગયા જ વર્ષે નવેમ્બર માસમાં તૂટી ગઇ હતી. પાકિસ્તાનની સેનાના જવાનોએ તાલિબાનોના આતંકવાદીઓ પર હુમલા કર્યા એટલે તાલિબાનોએ પણ વળતો પ્રહાર કર્યો. થોડા સમય માટે તો યુદ્ધ ચાલતું હોય એવા દૃશ્યો સર્જાયા. આ સંઘર્ષમાં પાકિસ્તાનના સાત નિર્દોષ નાગરિકો અને ૧૭ સૈનિકોના મોત થયા હતા. સામાપક્ષે અફઘાનિસ્તાનનો વાળ પણ વાંકો ન થયો. આ ઘટના બાદ તાલિબાનને કોઈ પણ ભોગે પાકિસ્તાનની ભૂમિ પર પોતાની રાજગાદી સ્થાપવી છે.
જ્યારે અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબજો કર્યો હતો એ સમયે કતાર, દુબઇ, ઇન્ડોનેશિયા, તૂર્કી, ઈરાન, યુએઈ, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, બેહરિન, મોરોક્કો અને સુદાન સહિતના મુસ્લિમ રાષ્ટ્રોએ તેની પ્રશંસા કરી હતી અને પાકિસ્તાન-તાલિબાનની જેમ મિત્રતા રાખવાની સૂફિયાણી સલાહ વૈશ્ર્વિક મંચ પર આપી હતી. હવે પાકિસ્તાન અને તાલિબાન આમને સામને તથા મુસ્લિમ રાષ્ટ્રોની એકતાનો ફુગ્ગો ફૂટ્યો હોય તેવું લાગી રહ્યું છે. મુસ્લિમ રાષ્ટ્રોના આવા માટીપગા વલણથી વિશ્ર્વભરના સામાન્ય મુસ્લિમો આઘાતમાં છે. પૂર્વ તૂર્કીસ્તાન નેશનલ અવેકનિંગ મૂવમેન્ટના સ્થાપક સોલેહ હૂદિયારે બન્ને રાષ્ટ્રોના વલણથી નારાજ છે. હૂદિયારીનો આક્રોશ વાજબી છે. ધર્મના નામે ઇસ્લામિક એકતાનો મુસ્લિમ રાષ્ટ્રોનો દાવો એક દંભથી વધુ કંઇ નથી
કાશ્મીરમાં મુસ્લિમો પરના કથિત અત્યાચારો અને ભારતમાં થતા મુસ્લિમોના કથિત દમન અંગે રાત-દિવસ હોબાળો મચાવતા પાકિસ્તાનની અસલી ચહેરો ઉઘાડો પડ્યો ત્યારે બે પગ વચ્ચે પૂંછડી દબાવીને મૂંગું થઈ ગયું! ખાસ તો પાકિસ્તાનની સેના અને આઈએસઆઈના નવા પ્રમુખ જનરલ અસીમ મુનીર ક્યાં ગયા? તેના આગમનથી ચર્ચા બજાર ગરમ થયું હતું કે, મુનીર ભારત વિરોધી છે અને તાલિબાનો સાથે મળીને આતંકનો મેળો ઉત્પન્ન કરશે. મુનીર તો જાણે આતંકનો માતમ મનાવી રહ્યા હોય તેમ ખોવાઈ ગયા છે. પાકિસ્તાની મીડિયાના સવાલોથી બચવા તેઓ પોતાના મૂખ ‘નો કમેન્ટ’નું માસ્ક પહેરીને ફરી રહ્યા છે. પોતે શું બોલે છે? ઈમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબી ઉર્ફે પિંકી પીરનીનો ઓડિયો લીક થયા બાદ પાકિસ્તાની સેનાના પૂર્વ અધિકારી મેજર આદિલ રઝાએ આરોપ લગાવ્યો છે કે દેશની સેનાના જનરલ કવર જાવેદ બાજવા અને મુનીર પાકિસ્તાની અભિનેત્રીઓનો ઉપયોગ કરીને હનીટ્રેપ કૌભાંડ ચલાવે છે. પાકિસ્તાનની નામાંકિત અભિનેત્રી તો દેહવિક્રયના વ્યવસાયમાં પણ જોડાઈ ગઈ છે અને તેમાં મુનીરનો જ હાથ છે. સામે પક્ષે તાલિબાનો ત્રાટક કરી રહ્યા છે. પાકિસ્તાનમાં જો જાણે એક સાંધે અને ૧૩ તૂટે તેવી સ્થિતિ છે.
આ વિષમ કાળમાં પાકિસ્તાન પ્રમુખને ચૂંટણીનો પણ સામનો કરવાનો છે. શહેબાઝ શરીફ પ્રત્યે પાકિસ્તાની પ્રજાનું વલણ કેવું અને કેટલું જલદ છે તેની પ્રતિતિ સોશિયલ મીડિયા પર થતી રહે છે ત્યારે પાકિસ્તાનની શાખ બચાવવા અને તાલિબાન સહિત ત્રણેય મોરચે લડવા શહેબાઝ શરીફ બદમાશ બનશે! કે પાકિસ્તાન પર તાલિબાનનું શાસન સ્થપાશે! એ તો આવનારો સમય જ બતાવશે.