તણાવને દૂર કરવા આખું વરસ એપ્રિલ ફૂલ હોવું જોઇએ!!!
પ્રાસંગિક -બી.એચ. વૈષ્ણવ
સમગ્ર વિશ્ર્વમાં લોકો ૧ લીએપ્રિલના રોજ એપ્રિલફૂલ દિવસની ઉજવણી કરે છે. માહિતી અનુસાર આ દિવસ ૧૩૮૧માં પહેલીવાર ઉજવવામાં આવ્યો હતો. એક માન્યતા અનુસાર એવું કહેવાય છે કે ઇંગ્લેન્ડના રાજા રિચાર્ડ દ્વિતીય અને બોહેમિયાની રાણી ‘એની’ એ સગાઈની જાહેરાત કરી હતી. તેમની સગાઈની તારીખ ૩૨ માર્ચ ૧૩૮૧ નક્કી કરવામાં આવી. આ સમાચાર સાંભળીને લોકો ખૂબ જ ખુશ થયા અને બધાએ જશ્ન મનાવવાનું શરૂ કર્યું. પાછળથી તેમને ખબર પડી કે કેલેન્ડરમાં ૩૨ માર્ચની કોઈ તારીખ નથી, એટલે કે બધા મૂર્ખ બની ગયા છે. એક અહેવાલ મુજબ ત્યારથી ૧લી એપ્રિલના રોજ ફૂલ ડે મનાવવાનું શરૂ થયું.
એપ્રિલ ફૂલ ડે સંબંધિત બીજા મત મુજબ તેની શરૂઆત ફ્રાન્સથી થઈ. કહેવાય છે કે વર્ષ ૧૫૮૨માં ચાર્લ્સ પોપે જૂના કેલેન્ડરને બદલીને તેની જગ્યાએ નવું રોમન કેલેન્ડર લાગુ કર્યું હતું. તેમ છતાં ઘણા લોકોએ જૂના કેલેન્ડરને અનુસરવાનું ચાલુ રાખ્યું. એટલે કે જૂના કેલેન્ડરને અનુસરીને, તે મુજબ નવા વર્ષની ઉજવણી કરવાનું ચાલુ રાખ્યું. ત્યારથી એપ્રિલ ફૂલ્સ ડે ઉજવવાનું શરૂ થયું.
એપ્રિલ ફૂલ્સ ડે અથવા ઓલ ફૂલ્સ ડે તરિકે જાણીતો આ દિવસ, રજાનો દિવસ કે કોઈ પ્રખ્યાત તહેવાર ના હોવા છતાં ભારત સહિત ઘણા દેશોમાં પહેલી એપ્રિલનાં દિવસે બહોળા પ્રમાણમાં અલાયદી રીતે ઉજવવામાં આવે છે. આજના દિવસે લોકો પોતાના મિત્રો, કુટુંબીજનો, પડોશીઓ અને ક્યારેક દુશ્મનો સાથે રમૂજભરી ટિખળ કરે છે. સામાન્ય રીતે આ ટિખળમાં સામી વ્યક્તિને મૂર્ખ બનાવવાનો કે છોભી પાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. પારંપરિક રીતે કેટલાક દેશોમાં આવી મજાક-મસ્તીનો દોર ફક્ત બપોર સુધી જ ચાલે છે: જેમકે, યુ.કે., ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને કેનેડા, જો કોઇ બપોર પછી આવી રમૂજ કરે તો તેનેજ “એપ્રિલફૂલ કહેવામાં આવે છે, પરંતુ બીજા દેશોમાં અને આપણા ભારતમાં પણ, આવી મજાક આખો દિવસ ચાલે છે.
એપ્રિલફૂલની કહાણીઓની જેમ તેને મનાવવાના રીત પણ ભારે અલગ છે. ફ્રાન્સ, ઈટલી, બેલ્ઝિયમમાં કાગળની માછલી બનાવી લોકોની પાછળ ચિપકાવી દેવામાં આવે છે અને મજાક કરવામાં આવે છે. ઈરાની ફારસી નવાવર્ષના ૧૩મા દિવસે એક-બીજા પર ઉરાંગઉટાંગ હરકત કરે છે. જે બીજી એપ્રિલના દિવસે આવે છે. ઉતરાયણના તરતના બીજો દિવસ એટલે કે ૧૫મી જાન્યુઆરી પતંગ રસિયાઓવાસી ઉતરાણ ઉજવે છે. તેમ પારસીઓ બીજી એપ્રિલે વાસી એપ્રિલ ફૂલ દિવસની ઉજવણી કરે છે. જેની શરૂઆત ઇ.સ. પૂર્વે પ૬૩ થી ઉજવવામાં આવે છે. પર્શિયન ભાષામાં સીઝદાહ બીડેર (જશુમફવ બયમફિ) કહે છે!
આ ૧-૨ એપ્રિલનો દિવસ હોય છે. ડેનમાર્કમાં પણ આ દિવસ મનાવવામાં આવે છે અને તેને મજ-કટ કહેવાય છે. ઉપરાંત સ્પેનિશ બોલતા દેશોમાં ૨૮ ડિસેમ્બરે એપ્રિલફૂલ મનાવવામાં આવે છે, જેને ડે ઑફ હોલી ઈનોસેંટ્સ કહેવાય છે.
કેટલાય રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે એપ્રિલફૂલની શરૂઆત ૧૩૯૨માં થઈ, પરંતુ તેના કોઈ પુખ્તા સબૂત મળ્યાં નથી. કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે વર્ષ ૧૫૦૮માં ફ્રાંસીસી કવિએ એક પ્વાઈઝન ડી એવરિલ (એપ્રિલફૂલ)નો સંદર્ભ આપ્યો હતો. જ્યારે ૧૫૩૯માં ફ્લેમિશ કવિ ‘ડે ડેને’એ એક અમિર માણસ વિશે લખ્યું, જેણે ૧ એપ્રિલે પોતાના નોકરોને મૂર્ખતાપૂર્ણ કાર્યો માટે મોકલ્યા હતા. આવી જ અન્ય કહાનીઓ પણ પ્રચલિત છે.
કેટલાક અહેવાલો અનુસાર અંગ્રેજોએ ભારતમાં આ દિવસ ૧૯મી સદીમાં ઉજવવાનું શરૂ કર્યું હતું. છેલ્લા કેટલાંક વર્ષોમાં તેને ઉજવવાનો ક્રેઝ વધ્યો છે. સોશિયલ મીડિયા પર તેને લગતા મીમ્સ અને જોક્સ પણ દર વર્ષે વાયરલ થાય છે. જોકે કોઈની સાથે મજાક કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે એ મજાક જીવલેણ સાબિત ન થાય. એપ્રિલફૂલ ડેની આડમાં કોઈએ ધર્મ, જાતિ કે કોઈની બીમારી અને મૃત્યુ અંગેની મજાક ન કરવી જોઈએ.
સ્પેનના દક્ષિણ પશ્ચિમી શહેર ઇબીમાં વર્ષિય લોટ જંગ આયોજિત થઇ, લોટની આ જંગ ‘ઇત્સ ઇન્ફારિનાત્સ’ તહેવારનો હિસ્સો છે. આ લડાઈ દર વર્ષે ૨૮ ડિસેમ્બરે થાય છે. એક બાજુ શાદીશુદા લોકોનું ઝુડ હોય છે, જેને ‘ઇત્સ ઇન્ફારિનાત્સ’ કહેવાય છે, આ ઝુડ એક દિવસ માટે શહેર પર કબ્જો જમાવી લે છે અને હાસ્યસ્પદ કાનૂન બનાવે છે. બીજી તરફ હોય છે ‘લા ઓપ્સીકાનો’ જે કાનૂન વ્યવસ્થાને જાળવી રાખવાની કોશિશ કરે છે.
‘એલ્સ એન્ફારિન્ટાસ’નો અર્થ ‘લોટથી ઢંકાયેલા’ થાય છે. એક દિવસના આ ફેસ્ટિવલમાં ભાગ લેતા લોકો સૈન્યના યુનિફોર્મમાં હોય છે અને તેઓ પ્રતિકાત્મક બળવો કરે છે. ત્યાર બાદ ‘દોષિતો’ને સજારૂપે તેમના પર લોટ, ઇંડાં અને ટામેટાં ફેંકવામાં આવે છે.
આખા ફેસ્ટિવલનો હેતુ માત્ર ને માત્ર ધીંગામસ્તી દ્વારા આનંદ મેળવવાનો હોય છે. ફેસ્ટિવલમાં ગીત-સંગીતના વિવિધ કાર્યક્રમો પણ યોજાય છે. આતશબાજી પણ કરવામાં આવે છે. દર વર્ષે આખું ઇબી ટાઉન આ ફેસ્ટિવલના રંગે રંગાઇ જાય છે. દેશ-વિદેશના સહેલાણીઓ ‘એલ્સ એન્ફારિન્ટાસ’ ફેસ્ટિવલની આતુરતાથી રાહ જોતા હોય છે.
આ લડાઈ ૧૯૮૧માં ફરી શરૂ થઇ, પરંતુ આ ત્યોહારની શરૂઆત ક્યારે થઇ એ વિશે કોઈ સ્પષ્ટ જાણકારી નથી. મસ્તીનો આ તહેવાર માત્ર પુરુષ માટે જ નથી, પરંતુ મહિલાઓ પણ આનો અનહદ આનંદ ઉઠાવે છે. માત્ર લોટ જ નહી આ લડાઈમાં ઈંડા પણ મહત્ત્વનું હથિયાર હોય છે. આ સ્પર્ધામાં ૨૦,૦૦૦ સ્પર્ધક ભાગ લે છે. જેમાં ૧૦,૦૦૦ થી વધુ ઇંડા અને ૬૦૦ કિલો લોટનો ઉપયોગ કરવામાં આવે છે. સ્પેનનો એપ્રિલ ફૂલ તરીકે તેની ઉજવણી થાય છે!!
આ પ્રકારની ઉજવણીથી તનાવ, મોનોટોનસ લાઇફ સ્ટાઇલ, પરેશાની, હરીફાઈ, ટાંટિયાખેંચ, નિંદા,
કૂથલી, ગોસિપ, અફવા , ઉદાસી, હાલાકી, એકલતા, નિરાશા, હતાશાને બદલે આનંદ, મશ્કરી , સ્મિત, હાસ્ય, પ્રફુલ્લિતતા, પ્રસન્નતા, ઉત્સાહ, ઉમંગ, ખુશી, જિજીવિષા મળે છે. જે જીવનને ટોનિક કે સંજીવની પૂરી પાડે છે!!
જય જિંદગી!!
આપણને એમ થાય છે કે વરસનો એક દિવસ એપ્રિલફૂલ દિવસ અને બાકીના દિવસો બોચિયા કે સોગિયા કેમ?? હાસ્ય, મશ્કરી, ઠઠા, ટીખળ, મસ્તી, મજાક કેમ નહીં? રાજુ રદી આખુ એપ્રિલ ફૂલ ફૂલ હોય છે. તો આપણે કેમ નહીં??? આખું વરસ એપ્રિલફૂલ હોવું જોઇએ!!! અલબત, જિંદગી હાસ્યસભર હોય તે આવકાર્ય અને ઇચ્છનીય છ, પરંતુ જીવન હાસ્યાસ્પદ ન બનવું જોઇએ!!
ભરત વૈષ્ણવ