દિબ્રુગઢઃ ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર અતીક અહેમદ અને અશરફ અહેમદનું જાહેરમાં શૂટઆઉટ કર્યાના થોડા દિવસોમાં ફરી પંજાબના ગેંગસ્ટર અને ભાગેડુ અમૃતપાલની પોલીસે ધરપકડ કરી છે. અમૃતપાલની ધરપકડ કર્યા બાદ દિલ્હીની તિહાર જેલના બદલે નોર્થઈસ્ટની સૌથી જૂની જેલ દિબ્રુગઢમાં લઈ જવામાં આવ્યો છે. જોકે, દિલ્હીના બદલે આસામની દિબ્રુગઢ જેલમાં લઈ જવા મુદ્દે અલગ અલગ તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ મુદ્દે અધિકારીએ કહ્યું હતું કે પંજાબ અથવા દિલ્હીની તિહાર જેલમાં અનેક અલગાવવાદી અથવા ખાલિસ્તાની સમર્થકો કેદ રાખવામાં આવ્યા છે, તેથી સુરક્ષાના કારણસર અન્યત્ર ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પૈકી કટ્ટર ખાલિસ્તાની સમર્થક અમૃતપાલને ભંટિડાથી દિબ્રુગઢ લઈ જવામાં આવ્યો હતો. ભંટિડાના એરફોર્સ સ્ટેશનથી પોલીસે એક સ્પેશિયલ હેલિકોપ્ટર મારફત લઈ જવામાં આવ્યો છે. અહીંની હાઈ ટેક જેલમાં અમૃતપાલને રાખવામાં આવશે, જ્યાં અમૃતપાલના સાથીદાર દલજીત સિંહ કલસી, ભગવંત સિંહ ઉર્ફે બજેકા, ગુરમીત સિંહ, બસંત સિંહ દૌલતપુરા, હરજીત સિંહ, વિરેન્દ્ર સિંહ ઉર્ફે ફૌજી અને ગુરેન્દર સિંહ કેદ છે. માર્ચમાં પંજબની પોલીસ 27 જવાનની ટીમ તેમને લઈ દિબ્રુગઢની જેલ પહોંચ્યા હતા.
આસામની દિબ્રુગઢ જેલમાં મેઈન દરવાજાથી લઈને બેરેક સુધી 57 સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે, જ્યાં દરેક કેદીની હરકત પર નજર રાખવામાં આવે છે. જેલની ફરતે 30 ફૂટની ઊંચી દીવાલ છે. દિબ્રૂગઢ જેલ નોર્થઈસ્ટની સૌથી જૂની જેલ પૈકીની એક છે. 1860માં આ જેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યારે આ જેલમાં અલગાવવાદી સંગઠન યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ઉલ્ફા)ના પણ અનેક નેતાઓ કેદ છે.
પંજાબની નહીં, પરંતુ આસામની જેલમાં રાખવા મુદ્દે આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સુરમાએ કહ્યું હતું કે જે બેરેકમાં અમૃતપાલના ટેકેદારોને રાખવામાં આવ્યા છે, ત્યાં કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જ્યાં જેલના અધિકારીઓની મંજૂરી વિના ક્યાંય ફરકવાનું પણ મુશ્કેલ છે. ખાલિસ્તાની સમર્થક અમૃતપાલની આસામની જેલમાં લઈ જવાના અહેવાલને લઈ જેલની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં અમૃતપાલને નેશનલ સિક્યોરિટી એક્ટ અન્વયે દિબ્રુગઢ લઈ જવામાં આવ્યો છે. દિબ્રુગઢની જેલમાં જ્યાં અમૃતપાલને રાખવામાં આવશે એ જેલની ચારે બાજુ બ્લેક કેટ કમાન્ડો, સીઆરપીએફ અને જેલના સુરક્ષા કર્મચારીઓને તહેનાત રાખવામાં આવ્યા છે. જેલથી પંદર કિલોમીટરના વિસ્તારને પણ કોઈ પણ પ્રકારના અવરોધ ઊભો થાય નહીં તેની તકેદારી રાખવામાં આવી છે. રવિવારે સુરક્ષાના ભાગરુપે પંજાબ પોલીસે રવિવારે બપોરે ગામમાં ફ્લેગ માર્ચ કાઢી હતી ત્યારે મોગાના એસએસપી સિવાય મિલિટરી ફોર્સના સિનિયર અધિકારી, તમામ એસપી, ડીએસપી હાજર રહ્યા હતા. અમૃતપાલની ધરપકડ પછી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી, ત્યારબાદ અમૃતપાલને એરલિફ્ટ કરાવીને આસામ લઈ જવામાં આવ્યો હતો.