નવી દિલ્હી: જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાના દરમાં એપ્રિલમાં નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો હતો. સરકાર તરફથી જારી કરવામાં આવેલા આંકડા અનુસાર એપ્રિલમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો દર ૦.૯૨ ટકા નેગેટીવ ગ્રોથ નોંધાયો હતો, જે માર્ચમાં ૧.૩૪ ટકા પર રહ્યો હતો. આ રીતે સતત ૧૧મા મહીને ફુગાવો ઘટ્યો હતો.
સત્તાવાર સાધનો અનુસાર ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડા, ઉર્જાની કિંમતમાં ઘટાડા, નોન-ફૂડ તેમજ ફૂડ આર્ટિકલના ભાવમાં ઘટાડાને કારણે મોંઘવારીનો દર મંદ પડ્યો હતો. ફ્યુઅલ અને પાવર ઈન્ફ્લેશન એપ્રિલમાં ઘટીને ૦.૯૩ ટકાના સ્તરે પહોંચ્યું હતું, જે માર્ચમાં તે ૮.૯૬ ટકાના સ્તરે હતું.
નેગેટીવ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ફ્લેશનને ટેક્નિકલ ભાષામાં ડિફ્લેશન કહેવામાં આવે છે, જેનો અર્થ એ થાય છે કે, એકંદરે જથ્થાબંધ ભાવમાં વર્ષાનું વર્ષ ઘટાડો થતો રહ્યો છે. એઇપ્રલ ૨૦૨૨માં નક્કી થયેલા ઊંચા બેઝ આંકડાને કારણે પણ એપ્રિલમાં આ વર્ષે આટલો ઘટાડો દેખાઇ રહ્યો છે.
માર્ચમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ઘટીને ૨૯ મહીનાની નીચે સપાટીએ પહોંચ્યોે હતો. મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટસ સસ્તી થતા જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો દર ઘટ્યો હતો જોકે, માર્ચ મહીનામાં ખાદ્યપદાર્થોને લગતા સામાનના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. ભારતમાં રિટેલ મોંઘવારીનો દર ઘટીને ૪.૭ ટકા પર આવી ગયો હતો, જે ૧૮ મહીનાના નીચલા સ્તરે છે. આ અગાઉના મહીને રિટેલ મોંઘવારીનો દર ૫.૭ ટકા પર રહ્યો હતો.