પાલિકાના કમિશનરનું ભેદી મૌન: અધિકારીઓ કહે છે ન બોલવાનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રના અનેક ડેવલપરો લોકો પાસેથી ફ્લેટના પૈસા અને બુકિંગ લઈને બેસી ગયા છે અને પ્રોજેક્ટના કામ જ શરૂ કર્યા નથી. હવે મહારેરાએ ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારા ડેવલપરો સામે આકરાં પગલાં લેવાનું ચાલુ કર્યા બાદ એવી જાણ થઈ છે કે રાજ્યના ૩૦૮ અને મુંબઈના ૨૩૩ ડેવલપરોએ નાદારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ વસ્તુ બહાર આવ્યા બાદ ગુરુવારે મુલુંડમાં પ્રોજેક્ટ રખડાવનારા નિર્મલ લાઈફસ્ટાઈલના ડિરેક્ટરોની ધરપકડ થયા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રોજેક્ટ રખડાવીને નાદારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરનારા બાકીના ડેવલપરો સામે કોણ અને કેવી કાર્યવાહી કરવામાં આવશે એવા સવાલ થઈ રહ્યા છે. એટલું જ નહીં, એક પ્રોજેક્ટ રખડાવીને નાદારી નોંધાવનારા આવા ડેવલપરો બીજા પ્રોજેક્ટમાં નાગરિકો પાસેથી બુકિંગ લઈને કમાણી કરી રહ્યા હોય તો તેમને કોણ રોકશે એવો પણ સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. આ બાબતે મુંબઈ મનપાના કમિશનર ઈકબાલસિંહ ચહલે ભેદી મૌન સેવ્યું છે, તેવી જ રીતે રાજ્ય સરકારના નગરવિકાસ ખાતાના અધિકારીઓ પણ કશું જ બોલવા તૈયાર નથી.
મુંબઈ શહેરમાં અનેક અગ્રણી ડેવલપરોના પ્રોજેક્ટ અધૂરા પડ્યા છે, જેમાં સેંકડો લોકોએ પોતાના લોહી-પસીનાની કમાણીથી ઘર બુક કર્યા હતા. પરંતુ વર્ષો બાદ પણ તેમને તેમના ઘરનો કબજો મળ્યો નથી. બિલ્િંડગના કામ અટકેલા હોવાનું કહીને તેમને પૈસા પણ પાછા કરવામાં આવ્યા નથી. મુંબઈમાં આવા અનેક પ્રોજેક્ટ અટકેલા છે અને મુંબઈગરાના લાખો નહીં પણ કરોડો રૂપિયા આ અધૂરા પ્રોજેક્ટમાં અટવાઈ ગયા છે. લોકોને તેમના ઘર પણ નથી મળી રહ્યા અને તેમને પૈસા પણ પાછા મળી રહ્યા નથી. આપેલી મુદતમાં ઘરનો કબજો નહીં આપનારા અનેક બિલ્ડરો સામે લોકોએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હોવાનું કહેવાય છે. જોકે બહુ ઓછા કેસમાં કાર્યવાહી આગળ વધે છે. બિલ્ડરો પણ તેમના અમુક પ્રોજેક્ટ અધવચ્ચે અટકી જાય તો બીજા નામે બીજી જગ્યાએ પ્રોજેક્ટ ચાલુ કરીને બુકિંગ ચાલુ કરીને લોકો પાસેથી પૈસા લઈ ફરી બેસી જતા હોવાના પણ અનેક બનાવ બન્યા છે.
મુંબઈના ૨૩૩ ગૃહનિર્માણ પ્રોજેક્ટ અટવાઈ ગયા છે. લોકો પાસેથી બુકિંગને નામે પૈસા વસૂલનારા આવા બિલ્ડરો સામે પગલાં કોણ લેશે એવા સવાલો થઈ રહ્યા છે ત્યારે મુંબઈમાં બિલ્ડરોના પ્રોજેક્ટને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવતી હોય છે. મુંબઈમાં નાદારીએ ગયેલા પ્રોજેક્ટ અને બિલ્ડર માટે જવાબદાર કોણ? અને લોકોના પૈસા લઈને તેમને ઘરનો કબજો નહીં આપનારા ડેવલપરો સામે મુંબઈ મહાનગરપાલિકા શું પગલાં લેશે એવો સવાલ જ્યારે પાલિકાના કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલને કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે આ મુદ્દે ભૈદી મૌન રાખ્યું હતું. અનેક વખત ફોન અને મેસેજ કર્યા બાદ પણ તેમણે ‘મુંબઈ સમાચાર’ને કોઈ જવાબ આપ્યો નહોતો. પાલિકાના અધિકારીઓને પણ આ મુદ્દે કંઈ પણ નહીં બોલવાનો તેમણે આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
આ દરમિયાન જોકે પાલિકાના ડેવલપમેન્ટ ઍન્ડ પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના ટોચના અધિકારીએ સત્તાવાર રીતે બોલવાની પરવાનગી ન હોવાથી નામ નહીં આપવાની શરતે ‘મુંબઈ સમાચાર’ને કહ્યું હતું કે મુંબઈના અનેક ગૃહનિર્માણના પ્રોજેક્ટ અટકેલા છે એ વાત સો ટકા સાચ્ચી છે. પરંતુ પાલિકા નાદારી તરફ ગયેલા હાઉસિંગ પ્રોજેક્ટના બિલ્ડરો સામે કાયદેસર રીતે કોઈ પગલાં લેવાનો અધિકાર ધરાવતી નથી. ઘર ખરીદદારો આવા બિલ્ડરો વિરુદ્ધ પોલીસમાં કે પછી ઈકોનોમિક ઑફેન્સ વિંગમાં ફરિયાદ કરે તો તેઓ તેમની સામે કાયદેસર પગલાં લેવાનો અધિકાર ધરાવે છે.
બિલ્ડરોને બાંધકામની મંજૂરી પાલિકા તરફથી જ આપવામાં આવે છે તો પછી કામ અડધા છોડીને ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડી કરનારા ડેવલપરોના બીજા પ્રોજેક્ટ રોકવાનો કાયદેસર અધિકાર કેમ નથી? એવો સવાલ ‘મુંબઈ સમાચાર’ દ્વારા કરવામાં આવતાં આ અધિકારીએ કહ્યું હતું કે કોઈ પણ બિલ્ડર કે પ્રોપરાયટર તેના પેપર રજૂ કરે, પ્લાન સબમિટ કરે અને તેમના પ્લાન પાલિકાના નિયમ મુજબ બરોબર છે કે નહીં તે જોવાનું અને પ્લાન બરોબર હોય ત્યારબાદ તેમને મંજૂરી આપવાનું કામ પાલિકાનું છે. કામમાં ગેરરીતિ આચરવામાં આવી હોય કે પ્લાન મુજબ બાંધકામ કરવામાં આવ્યું ન હોય કે પછી ગેરકાયદે બાંધકામ કર્યું હોય તો એવા બિલ્ડરને પાલિકા સ્ટોપ વર્કની નોટિસ ફટકારીને તેમને કામ કરતા રોકવાની જવાબદારી પાલિકાની છે, પરંતુ ડેવલપરની આર્થિક ક્ષમતા કે તેણે અન્ય પ્રોજેક્ટ પૂરા કર્યા છે કે નહીં તેનું ધ્યાન રાખવાનું પાલિકાના હાથમાં નથી. આનો લાભ લઈને અનેક બિલ્ડરો એકસાથે અનેક પ્રોજેક્ટની મંજૂરી લઈને બેસી જાય છે. કાયદેસર રીતે અમે તેમને રોકી શકતા નથી. આને માટે હવે રાજ્ય સરકારે પગલાં લેવા જોઈએ.
આ બાબતે રાજ્યના નગરવિકાસ ખાતાના અધિકારીઓને સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમણે સત્તાવાર રીતે કશું કહેવાનો ઈનકાર કરી દીધો હતો. અનૌપચારિક વાતમાં તેમણે કબૂલ કર્યું હતું કે આવી રીતે ગ્રાહકોની સાથે છડેચોક છેતરપિંડી કરનારા ડેવલપર સામે કાર્યવાહી કરવા માટે નગરવિકાસ ખાતાની પાસે કોઈ જોગવાઈ નથી. ડેવલપરોને બ્લેકલિસ્ટ કરવાની નિયમાવલી છે, પરંતુ તેમાં ફક્ત સરકારી એજન્સીઓ સાથે થયેલી છેતરપિંડીને ધ્યાનમાં રાખીને બ્લેક લિસ્ટ કરવાની જોગવાઈ છે. સામાન્ય ગ્રાહક સાથે છેતરપિંડી કરી હોય એવા ડેવલપરોને રોકવા માટેની કોઈ સત્તા નગરવિકાસ ખાતા પાસે નથી, પરંતુ ગૃહ વિભાગ આવા ડેવલપરો સામે કાર્યવાહી કરી શકે છે અને તેને આધારે જ ગુરુવારે બે ડેવલપરની અરેસ્ટ કરાઈ છે.