સોનિયા ગાંધી મારા આદર્શ: ડીકે શિવકુમાર
નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની શાનદાર જીત પછી મુખ્ય પ્રધાન બનાવવાની કામગીરી પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પાર પાડવાની છે, પણ હજુ સુધી એમાં કોઈ ઉકેલ આવ્યો નથી. ગઈકાલે દિલ્હી જવા અંગે યુ ટર્ન લેનારા ડીકે શિવકુમાર આજે દિલ્હીમાં ખડગેના નિવાસસ્થાને પહોંચ્યા છે અને આ અંગે કદાચ નિરાકરણ આવી જાય તો નવાઈ નહી, એમ વર્તુળોએ જણાવ્યું હતું. કર્ણાટક ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર આજે દિલ્હી જતા પહેલા તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે તેમની તબિયત હવે ઠીક થઈ ગઈ છે, તેમનું બીપી પણ કંટ્રોલમાં છે, તેથી આજે તેઓ દિલ્હી જઈ રહ્યા છે અને હાઈકમાન્ડને મળવાનો તેમનો પ્લાન છે.
મીડિયા સાથે વાત કરતા તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ કોઈપણ પદ માટે બળવો કે પછી કોઈને બ્લેકમેલ નહીં કરે. સોનિયા ગાંધી મારા આદર્શ છે. કોંગ્રેસ સૌનો પરિવાર છે. આપણું બંધારણ ખૂબ મહત્વનું છે, તેથી આપણે પક્ષમાં દરેકના હિતોનું રક્ષણ કરવું પડશે.
ડીકે શિવકુમારે કહ્યું હતું કે જો પાર્ટી ઈચ્છે તો મને જવાબદારી આપી શકે છે. આ અમારું સંયુક્ત ઘર છે, અહીં અમારી સંખ્યા ૧૩૫ છે. હું અહીં કોઈને વિભાજિત કરવા માંગતો નથી. તેઓ મને પસંદ કરે કે ન કરે, હું જવાબદાર છું. હું કોઈની પીઠમાં છરો મારીશ નહીં અને કોઈને બ્લેકમેલ કરીશ નહીં.
પક્ષ મારો ભગવાન છે, અમે આ પાર્ટી બનાવી છે અને હું તેનો એક ભાગ છું અને આમાં હું એકલો નથી, એમ તેમણે કહ્યું હતું. અમે આ પાર્ટી (કોંગ્રેસ) બનાવી છે, અમે આ ઘર બનાવ્યું છે અને હું તેનો ભાગ છું.માતા તેના બાળકને બધું આપે છે.