કર્ણાટકમાં કોંગ્રેસે ભલે મોટી જીત મેળવી હોય પણ સોમવારે મુખ્ય પ્રધાનનો ફેંસલો ગંભીર બન્યો હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. નવનિયુક્ત વિધાનસભ્યોના અભિપ્રાય જાણી લીધા બાદ નિરિક્ષકોએ પોતાનો અહેવાલ પક્ષાધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેને સોંપ્યો છે. આ નિર્ણય અંગે ખરગેના ઘરે મોડી રાત સુધી ચર્ચા ચાલી રહી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર કોંગ્રેસના મુખ્ય પ્રધાન પદના દાવેદાર સિદ્ધરામૈયાનો અડધી ટર્મનો પ્રસ્તાવ ડી.કે. શિવકુમારે ફગાવી દેતા સિદ્ધરામૈયાએ સિધો દિલ્હીનો રસ્તો પકડ્યો અને ખરગે સાથે ચર્ચા કરી. તો બીજી બાજુ શિવકુમારનો જન્મ દિવસ હોવાથી તેમણે પોતાના રાજ્યમાં રહેવાનો નિર્ણય લીધો. સિદ્ધરામૈયાએ ભલે દિલ્હી તરફ દોટ મૂકી હોય પણ જ્યાં સુધી પક્ષનું તેડું નહીં આવે ત્યાં સુધી પોતે દિલ્હી નહીં જાય તેવો નિર્ણય શિવકુમારે લીધો હોવાનું જણાવ્યું હતું.
આ અંગે મળતી વધુ વિગતો મુજબ શિવકુમારે પોતે દિલ્હી નહીં જાય તેવી જાણકારી સોમવારે રાત્રે આપી હતી. હું પ્રદેશાધ્યક્ષ છું, મારી કારકિર્દીમાં કોંગ્રેસે 135 બેઠકો જીતી છે. હું એકલો લઢ્યો અને એકલો વ્યક્તિ પણ બહૂમત મેળવી શકે છે એવું વિધાન કરી શિવકુમારે પોતે જ મુખ્ય પ્રધાનના દાવેદાર હોવાનું સ્પષ્ટ કર્યું હતું. શિવકુમાર આજે એટલે કે મંગળવારે દિલ્હી જાય તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. બેંગલુરુમાં 18મી મેના રોજ મુખ્ય પ્રધાનની શપથ વિધી થશે એમ ચર્ચાઇ રહ્યું છે.
કોંગ્રેસના કેન્દ્રિય નેતૃત્વએ કર્ણાટકમાં મોકલેલા નિરિક્ષકોએ રવિવારે મોડી રાત સુધી વિધાનસભ્યો સાથે સ્વતંત્ર રીતે ચર્ચા કરી હતી. વિધાનસભ્યો સાથે ચર્ચા કરી તેમના અભિપ્રાય જાણી લેવામાં આવ્યા હતાં. વિધાનસભ્યોના અભિપ્રાય જાણી લીધા બાદ નિરિક્ષક સુશીલકુમાર શિંદે, દિપક બાવરિયા અને સંયજ સિંહે સોમવારે સાંજે ખરગે સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. એ વખતે પ્રભારી રણદીપ સુરજેવાલ અને સંઘટન મહાસચિવ કે.સી. વેણુગોપાલ પણ હાજર હતાં. મુખ્ય પ્રધાન તરીકે મોટાભાગના વિધાનસભ્યોએ સિદ્ધરામૈયાને પસંદ કર્યા હોવાનું કહેવાઇ રહ્યું છે.
આ તમામ ચઢાવ-ઉતાર બાદ જો સિદ્ધરામૈયાને મુખ્ય પ્રધાનનું પદ આપવાનું હશે તો સોનિયા ગાંધી શિવકુમારને સમજાવશે એવી શક્યતાઓ વર્તાઇ રહી છે. શિવકુમારને સોનિયા અને રાહુલ ગાંધીના નજીકના માણસોમાં ગણવામાં આવે છે. જોકે શિવકુમાર અને સિદ્ધરામૈયાએ દિલ્હીની મુલાકાત લિધા બાદ જ મુખ્ય પ્રધાન અંગે ફેંસલો લેવાશે તેમ ચર્ચાઇ રહ્યું છે.
દરમીયાન કર્ણાટકની રાજસ્થાનવાળી થવા નહીં દઇએ અને વહેલી તકે મુખ્ય પ્રધાન બાબતે નિર્ણય લેવાશે તેમ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું.