ઉઝબેકિસ્તાનમાં બાળકોના મૃત્યુ બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ બે ભારતીય કફ સિરપના ઉપયોગ સામે ચેતવણી આપી છે. WHO એ ભલામણ કરી છે કે નોઈડા સ્થિત કંપની મેરિયન બાયોટેક દ્વારા બનાવેલ બે કફ સિરપનો ઉપયોગ ઉઝબેકિસ્તાનના બાળકો માટે ન કરવો જોઈએ.
આ બંને બે કફ સિરપનો ઉપયોગ તેમની “સબસ્ટાન્ડર્ડ” ગુણવત્તાને કારણે નહીં કરવા ભલામણ કરી છે અને જણાવ્યું છે કે આ બંને કફ સિરપનો ઉપયોગ, બાળકોમાં, ગંભીર નુકસાન અથવા મૃત્યુનું કારણ બની શકે છે. આ બે પ્રોડક્ટ્સ એમ્બ્રોનોલ સિરપ અને DOK-1 મેક્સ સિરપ છે.
WHOના જણાવ્યાનુસાર ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાકના આરોગ્ય મંત્રાલયની રાષ્ટ્રીય ગુણવત્તા નિયંત્રણ પ્રયોગશાળાઓ દ્વારા હાથ ધરવામાં આવેલા કફ સિરપના નમૂનાઓના પ્રયોગશાળા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે બંને ઉત્પાદનોમાં અસ્વીકાર્ય માત્રામાં ડાયથિલિન ગ્લાયકોલ/ઇથિલિન ગ્લાયકોલ છે. આ દવાનો ઉપયોગ બાળકોમાં, ગંભીર નુકસાન અથવા મૃત્યુનું કારણ બની શકે છે.”
નોંધપાત્ર રીતે, 22 ડિસેમ્બરે, ઉઝબેક આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે નોઇડા સ્થિત ફર્મ મેરિયન બાયોટેક દ્વારા ઉત્પાદિત કફ સિરપ, ‘Doc-1 Max’ ના ઉચ્ચ ડોઝનું કથિત રીતે સેવન કર્યા પછી 18 બાળકોના મોત થયા હતા. આના પગલે, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ તેની તપાસ શરૂ કરી હતી. ભારતે ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલય પાસે જાનહાનિ અંગે વિગતવાર અહેવાલ માંગ્યો હતો. ત્યાર બાદ ઉત્તર પ્રદેશના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગે ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના મૃત્યુ સાથે જોડાયેલ મેરિયન બાયોટેક કંપનીનું ઉત્પાદન લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું હતું. આ મહિનાની શરૂઆતમાં, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે કફ સિરપમાં ભેળસેળના અહેવાલોને પગલે, નોઇડા સ્થિત ફાર્મા કંપનીની તમામ ઉત્પાદન પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી છે અને તપાસ ચાલુ છે.