દારુના શોખીનો માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા આપવામાં આવેલી ચેતવણી કદાચ મોકાણના સમાચાર સાબિત થાય એમ છે, કારણ કે WHOએ પોતાના અભ્યાસમાં એવો દાવો કર્યો છે કે દારુના પહેલાં ટીપાના સેવનથી જ કેન્સર થવાનું જોખમ વધી જાય છે. એટલું જ નહીં દારુ પીવા માટેના એવા કોઈ ચોક્કસ માપદંડ નથી કે જેને કારણે એવું કહી શકાય કે આટલા પ્રમાણમાં દારુ પીવું એ સુરક્ષિત છે કે આટલા પ્રમાણમાં દારુ પીવાથી કોઈ નુકસાન નથી થતું.
અત્યાર સુધી મદ્યપાનને લઈને અનેક ખુલાસો અને અભ્યાસ થઈ ચૂક્યા છે. પણ WHO દ્વારા કરવામાં આવેલા આ દાવાએ બધાને જ ચોંકાવી દીધા છે. હાલમાં જ WHOના પ્રકાશિત કરવામાં આવેલા એક નિવેદનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે વાત દારુના ખપતની આવે છે તો કોઈ એવા ચોક્કસ માપદંડ નથી કે જે તમારા આરોગ્યને પ્રભાવિત નથી કરતાં.
સ્ટડીમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે દારુના સેવનને કારણે સાત પ્રકારના કેન્સર થવાનું જોખમ વધી જાય છે, જેમાં મોઢાનું કેન્સર, ગળાનું કેન્સર, લિવરનું કેન્સર, એસોફેગસ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, કોલન કેન્સરનો સમાવેશ થાય છે. દારુ એ કોઈ સામાન્ય પીણું નથી, તે શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે, તેમાં એસ્બેસ્ટોસ અને તંબાકુનો સમાવેશ પણ થાય છે.
નવા આંકડાઓ જોઈએ તો યુરોપીય ક્ષેત્રમાં કેન્સર થવાનું કારણ દારુ જ છે. આમાં એવો લોકોનો સમાવેશ પણ થઈ જાય છે કે જેઓ ખૂબ જ ઓછી માત્રામાં દારુનું સેવન કરતાં હતા. એટલું જ નહીં પણ દારુની શોખીન મહિલાઓમાં પણ બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ ઊભું થાય છે. આ બધા માટે માત્ર દારુ જ જવાબદાર છે. સાથે જ યુરોપિયન યુનિયન દ્વારા કરવામાં આવેલા અધ્યયનમાં એવું પણ જાણવા મળ્યું હતું કે અહીં થનારા મૃત્યુમાં સૌથી મોટું કારણ કેન્સર છે.