સંઘર્ષના દિવસોમાં જે મળે તે સોનાનું માની ને ઘણા કલાકારોએ પોતાના નસીબ અલગ અલગ કલામાં અજમાવ્યા હોય છે, પરંતુ પોતે માત્ર ને માત્ર સંગીતજગતમાં જ રૂચિ રાખે છે અને આથી ગાયકી પર જ ધ્યાન આપશે, તેવો નિણર્ય કરવાની હિંમત આજથી ચાલીસેક વર્ષ પહેલા કરી હતી ગઝલ કિંગ જગજીત સિંહે. રૂહાની અવાજના માલિકના નામ આગળ વિશેષણ લગાડવાની જરૂર જ નથી કારણ કે તેમનું નામ લેવાતા જ હૃદયને ટાઢક મળે ને મન પવિત્રતાનો અનુભવ કરે છે. ગઝલ કિંગ તરીકે જાણીતા જગજીત સિંહે શરૂઆતમાં દિવસોમાં ભારે સંઘર્ષ કર્યો હતો. તેમને કામ મળતું ન હતું ત્યારે આ હેન્ડસમ પંજાબી મુંડાને જોઈ એક નિર્માતાએ ગુજરાતી ફિલ્મ ઓફર કરી હતી, પણ તેમણે તે નમ્રતાપૂર્વક નકારી. પછીથી તેમાં ભજનો ગાયા.
શ્રી ગંગાનગરમાં આજના દિવસે જન્મેલા જગમોહન સિંહ એટલે કે જગજીત સિંહ રાજસ્થાનથી મુંબઈ પરિવારને જણાવ્યા વિના આવી ગયા હતા. વરલીમાં એક નાનકડી ઓરડીમાં ચાર જણ સાથે રહેતા હતા અને વરલીથી છેક દાદર જમવા જતા હતા કારણ કે અહીંની નાનકડી હોટેલનો માલિક તેમને મફતમાં જમવા આપતો. શરૂઆતમા રેડિયો સ્ટેશન પર કામ કર્યું, જિંગ્લ્સ ગાયાને ધીમે ધીમે પોતાના આવજના જાદુથી સૌને મંત્રમુગ્ધ કરતા ગયા. પ્રસિદ્ધ ગાયક મોહંમદ રફીના જબરા ચાહક હતા જગજીત સિંહ. સાદી સરળ હિન્દીમાં ગઝલને સામાન્ય શ્રોતા સુધી પહોંચાડવાનો શ્રેય જગજીત સિંહને જાય છે. રેકોર્ડિગ સ્ટૂડિયોમાં જ મળેલા ચિત્રા દત્તા સાથે તેમણે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ખૂબ જ સાદાઈથી બે મિનિટમાં થયા હતા અને તે માટે માત્ર રૂ. 30 તેમણે ખર્ચ્યા હોવાનું જાણવા મળ્યું છે. બન્નેએ ઘણા ગીતો-ગઝલો સાથે ગાયા. તેમને એક પુત્ર થયો, પરંતુ 90ની સાલમાં તે માત્ર 20 વર્ષની ઉંમરે અકસ્માતમાં મૃત્યુ પામ્યો. બન્ને મૌન થઈ ગયા. વીણાના તાર જાણે તૂટી ગયા. એકાદ વર્ષ બાદ જગજીત સિંહે ફરી ગાવાનું ચાલુ કર્યું જ્યારે ચિત્રા સિંહે હંમેશાની માટે સંગીતને છોડી દીધું.
ઘણી ફિલ્મો અને આલ્બમમાં તેમણે પોતાની મખમલી અવાજમાં હૃદયને ઝણઝણાવતી ગઝલો ગાઈ છે. ખાસ કરીને નિદા ફાઝલી સાથેની તેમની ગઝલોએ ખૂબ જ લોકચાહના મેળવી હતી. ઓક્ટોબર-2011માં તેમણે ફાની દુનિયા છોડી દીધી પણ તેમણે રેલાવેલા સૂરોના સમુદ્રમાં આજે પણ હજારો-લાખો ચાહકો રોજ ડૂબકી મારી તરબતર થાય છે. તેમાંની થોડી અહીં પ્રસ્તુત છે…
કોઈ દોસ્ત હૈ ના રકીબ હૈ…
જિંદગી તુને લહુ લેકે દીયા કુઝ ભી નહીં
ગરજ બરસ પ્યાસી ધરતી પર…
પ્યાર કા પહેલા ખત લિખને મે વક્ત તો લગતા હૈ
હમ તો હૈ પરદેશ દેશમે નિકલા હોગા ચાંદ
વહ કાગઝ કી કશ્તી વહ બારિશ કા પાની
તેરી ખુશ્બુમે બસે ખત મૈં..
હોઠો સે છુ લો તુમ..
તુમ ઈતના જો મુસ્કુરા રહે હો
ચીઠ્ઠી ના કોઈ સંદેશ …