આફ્રિકાના દેશ ગામ્બિયામાં ભારતીય કંપની મેઇડન ફાર્માની કફ સિરફ પીધા બાદ 69 બાળકોના મોત થયા હોવાનું ડબ્લ્યુએચઓના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. જેને ધ્યાનમાં લઈને ઓક્ટોબર મહિનામાં હરિયાણાના સોનીપતમાં આવેલી મેઇડન ફાર્માની મુખ્ય ફેક્ટરીમાં ઉત્પાદન બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હવે કફ સિરફના સેમ્પલ ટેસ્ટીંગ પાસ થઇ જતા કંપનીએ WHOએ ભૂલથી કંપનીનું ઉમેર્યું હોવાનો દાવો કર્યો છે.
મેઇડન ફાર્માની કફ સિરફના સેમ્પલનું ટેસ્ટીંગ કર્યા બાદ દવા સારી ગુણવત્તાની હોવાનું જાણવા મળ્યું છે. કંપની મેઇડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે જણાવ્યું હતું કે તે હવે ફેક્ટરી ફરીથી શરુ કરવા માટે મંજૂરી માંગશે, કારણ કે સિરપમાંથી લેવામાં આવેલા નમૂનાઓમાં કંઈપણ વાંધાજનક નથી.
મેઇડનના મેનેજિંગ ડિરેક્ટર નરેશ કુમાર ગોયલે કહ્યું કે, ‘મને ભારતીય વહીવટીતંત્ર અને ન્યાયિક પ્રક્રિયાઓમાં પૂરો વિશ્વાસ છે. અમે કંઈ ખોટું કર્યું નથી. અમે હવે ફેક્ટરીને ફરીથી ખોલવા માટે વિનંતી કરીશું, પરંતુ મને ખબર નથી કે તે ક્યારે શરૂ થશે.’
13 ડિસેમ્બરના રોજ ડબ્લ્યુએચઓને લખેલા પત્રમાં ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ વીજી સોમાણીએ જણાવ્યું હતું કે મેઇડન ફાર્માના ઉત્પાદનોના નમૂનાઓના પરીક્ષણમાં બધું યોગ્ય જોવા મળ્યું છે અને તેમાં ઇથિલિન ગ્લાયકોલ અથવા ડાયેથિલિન ગ્લાયકોલ મળ્યું નથી.
WHOએ હજુ સુધી કંપનીના દાવા પર કોઈ ટિપ્પણી કરી નથી.