ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ
આજે વિશ્ર્વભરના વિવિધ ઓટીટી પ્લેટફોર્મ પર હજારો કાર્યક્રમો લોકપ્રિય છે. ફિક્શન ઉપરાંત ડોક્યુમેટ્રી ફિલ્મો જોનારો પણ એક વર્ગ છે. ખાસ કરીને નેશનલ જ્યોગ્રાફિક અને ડિસકવરી જેવી ચેનલો પર બનતી વાસ્તવિક સિરિયલો પણ ધૂમ મચાવે છે. આવા કાર્યક્રમોમાં ‘મેન વર્સિસ વાઇલ્ડ’ કાર્યક્રમની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. સામાન્ય રીતે મીડિયાથી દૂર રહેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ‘મેન વર્સિસ વાઇલ્ડ’ કાર્યક્રમમાં સામેલ થયા, ત્યાર પછી આપણા દેશના લોકો પણ આ કાર્યક્રમના સર્વેસર્વા બેયર ગ્રિલ્સને ઓળખતા થયા છે. હોસ્ટ બેયર ગ્રિલ્સની લોકપ્રિયતા અને ક્રેડિબિલિટીને સલામ કરવી પડે. આપણા દેશમાં ભલે નરેન્દ્ર મોદીને કારણે બેયર ગ્રિલ્સનું નામ ચમક્યું, પરંતુ પશ્ર્ચિમના દેશોમાં એના સાહસિક કારનામાઓને કારણે બેયર ગ્રિલ્સ ઘણાં વર્ષોથી ઘેરઘેર જાણીતા છે.
૫૦ વર્ષના બ્રિટિશ નાગરિક બેયર ગ્રિલ્સનું આખું નામ માઇકલ એડવર્ડ ગ્રિલ્સ છે. ભારતના જે દર્શકો ડિસ્કવરી ચેનલ પર ‘મેન વર્સીસ વાઇલ્ડ’ જેવા શો નિહાળે છે તેઓ કદાચ જાણતા જ હશે કે વિશ્ર્વના સૌથી ખતરનાક અને ગાઢ જંગલોમાં જીવતા સાપ, મરેલા ઉંદરો કે રણ પ્રદેશમાં મરેલા ઊંટના આંતરડામાં રહેલા મળમાંથી પાણી નીચોવીને સર્વાઇવ થતાં બેયર ગ્રિલ્સને જોયો હશે. હિમાલય જેવા પહાડોની ટોચ પર ચઢવાથી માંડીને સૌથી ઊંચાઇએ ડિનર પાર્ટી કરવી કે માઇનસ ૪૦ ડિગ્રી ઠંડીમાં થીજી ગયેલા બરફમાં ગાબડું પાડી ખોરાક માટે માછલી શોધવા ફક્ત ચડ્ડીભેર જવા જેવા કામ બેયર ગ્રિલ્સે કર્યા છે. બેયર ગ્રિલ્સે ફક્ત ડિસ્કવરી ચેનલ માટે જ કામ નથી કર્યુ, પરંતુ ચેનલ ૪ માટે ‘ધ આઇલેન્ડ વિથ બેયર ગ્રિલ્સ’, ‘ગેટઆઉટ અલાઈવ’ તેમ જ એનબીસી જેવી ચેનલ માટે ‘ધ આઇલેન્ડ એન્ડ રનિંગ વાઇલ્ડ વિથ બેયર ગ્રિલ્સ’ જેવા અતિ લોકપ્રિય શો પણ કર્યા છે. જીવના જોખમે અને કદાચ આત્મઘાતી કહી શકાય એ હદે જઈને બેયર ગ્રિલ્સે એટલા બધા સાહસિક શો કર્યા છે કે એ અતિ વૈભવી લાઇફ સ્ટાઇલથી એક ખાનગી ટાપુ પર રહી શકે છે. બેયર ગ્રિલ્સની માર્કેટ વેલ્યૂ ૨૦ મિલિયન અમેરિકન ડૉલર જેટલી છે. ટાપુ પર જે ઘરમાં બેયર રહે છે એ ૧૦૦ વર્ષ જૂની દીવાદાંડીમાંથી બનાવવામાં આવ્યું છે. લગભગ ૮૦ કરોડ રૂપિયામાં બેયરે જૂની દીવાદાંડી ખરીદી હતી. બેયર ગ્રિલ્સનો જન્મ લંડનમાં થયો હતો. ગ્રિલ્સના પિતા અને દાદા બંને ઉચ્ચ કક્ષાનું ક્રિકેટ રમ્યા હતા. બાળપણથી જ ગ્રિલ્સને ડુંગરો ચઢવાનો અને પિતા સાથે દરિયામાં હોડી લઇને નીકળી પડવાનો શોખ હતો. યુવાવસ્થામાં જ એણે દરિયાની ઊંડાઈમાં ડૂબકી મારવાનું પણ શીખ્યું હતું. કોલેજ કાળ દરમિયાન ગ્રિલ્સે ઊંચા પહાડો ચઢવાનો અભ્યાસ કર્યો હતો. તેમજ સ્પેનિશ, જર્મન અને ફ્રેન્ચ ભાષા પણ શીખી લીધી હતી.
અભ્યાસ પૂરો કર્યા પછી બેયર ગ્રિલ્સ ભારત આવીને સિક્કીમ અને પશ્ર્ચિમ બંગાળ તરફથી હિમાલયના પર્વતો ચઢ્યો હતો. ત્યાર પછી એણે બ્રિટિશ લશ્કરમાં પણ કામ કર્યું. કઠીન પરિસ્થિતિમાં કંઈ રીતે બચવું એ વિશે વિદ્યાર્થીઓને શીખવવા માટે બ્રિટિશ લશ્કરે એને ઉત્તર આફ્રિકામા પોસ્ટિંગ આપ્યું હતું. કેન્યા ખાતે પેરેશૂટ દ્વારા કૂદકો મારતા એને ગંભીર ઇજાઓ થઈ અને એણે લશ્કર છોડવું પડ્યું. બેયરે આપેલી સેવાઓ બદલ બ્રિટિશ આર્મીએ એને ‘લેફટનેન્ટ કમાન્ડર’નો હોદ્દો આપ્યો હતો.
ફક્ત ૨૩ વર્ષની ઉંમરે બેયર ગ્રિલ્સે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું. માઉન્ટ એવરેસ્ટ ચઢ્યાના થોડાં વર્ષો પછી બેયર અને એમના કેટલાક મિત્રોએ એક સામાન્ય બોટ પર સવાર થઈને ઉત્તર એટ્લાન્ટિક દરિયો પસાર કર્યો હતો. ૨૦૦૫માં બલૂન ચઢાવવાના નિષ્ણાત ડેવિડ હેમ્પલીમેન સાથે એણે એક વિશ્ર્વ વિક્રમ કરવાનું નક્કી કર્યું. આકાશમાં સૌથી ઊંચાઈ પર ડિનર લેવાનો રેકોર્ડ બન્નેએ મળીને સ્થાપ્યો હતો. લગભગ ૨૫,૦૦૦ ફૂટ ઉપર બલૂન ચઢાવીને ઓક્સિજન માસ્ક સહિતના કપડા પહેરીને એમણે ડિનર લીધું હતું. આ સિદ્ધિ મેળવવા માટે ગ્રિલ્સે ૨૦૦ વખત પેરેશૂટ્સ દ્વારા કૂદવાની તાલીમ પણ લીધી હતી.
૨૦૦૭ના વર્ષમાં બેયર ગ્રિલ્સે માઉન્ટ એવરેસ્ટ પરથી પેરાગ્લાઇડિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતા. ૧૪,૫૦૦ ફૂટની ઊંચાઇથી ચાલુ કરીને ૨૯,૫૦૦ ફૂટની ઊંચાઇ સુધી એ પહોંચ્યો ત્યારે માઇનસ ૬૦ ડિગ્રી ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. આ આખા સાહસનો શો ડિસ્કવરી ચેનલ તેમજ ચેનલ ૪ પરથી રિલિઝ થયો હતો.
જરૂરિયાતમંદ બાળકો માટે ફંડફાળો ઉઘરાવવાના હેતુથી બેયર ગ્રિલ્સે ૨૦૦૮ના વર્ષમાં એન્ટારર્ટીકાના એવાં શિખરો સર કર્યાં હતાં કે એ પહેલા ત્યાં કોઈ ગયું નહીં હોય. એ જ વખતે કાઇટ સ્કી કરીને બેયરે બરફનું રણ પસાર કર્યું હતું. આ સાહસ કરતી વખતે એના શરીર પર એટલી ઈજાઓ થઈ હતી કે પરત ફર્યા પછી ઘણા મહિનાઓ સુધી એણે હૉસ્પિટલમાં રહેવું પડ્યું હતું.
બેયર ગ્રિલ્સ ફક્ત શારીરિક કષ્ટ પડે એવા શો માટે પ્રખ્યાત નથી. લેખન કળામાં પણ એ એટલો જ પાવરધો છે. એણે લખેલાં પુસ્તકોની યાદી જોશો તો આ વાતનો ખ્યાલ આવશે. ફેસિંગ ઓફ ધ કીડ હુ ક્લાઇમ્બ્ડ એવરેસ્ટ, ‘ફેસિંગ ધ ક્રોઝન ઓશિયન’, ‘બોર્ન સરવાઇવર : બેયર ગ્રિલ્સ’, ‘બેયર ગ્રિલ્સ આઉટ ડોર એડવેન્ચર્સ’, ‘મડ, સ્વીટ એન્ડ ટિયર્સ : ધ ઓટોબાયોગ્રાફી’, ‘અ સરવાઇવલ ગાઇડ ફોર લાઇફ ’, ‘ટ્રુ ગ્રીટ’, ’મિશન સરવાઇવલ’ … જેવાં પુસ્તકો લખીને પણ બેયર ગ્રિલ્સ ધૂમ કમાયો છે.
‘મેન વર્સિસ વાઇલ્ડ’ સિવાયના પણ ઘણા ટીવી શોમાં બેયર ગ્રિલ્સ ચમકતો રહે છે. અમેરિકા અને બ્રિટનના ટીવી પર આવતા મોટા ભાગના લોકપ્રિય શોમાં બેયર ગ્રિલ્સ ચમકી ચૂક્યો છે. બેયરના શોમાં જેમ હવે નરેન્દ્ર મોદી આવ્યા હતા એ જ રીતે ભૂતકાળમાં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા પણ એક વખત ચમક્યા હતા. કેટલાકને કદાચ લાગતું હશે કે બેયર ગ્રિલ્સના સાહસિક શો મેનેજ તો થયા નહીં હોય ને ? જોકે અમેરિકા અને બ્રિટનના મોટા ભાગના પ્રોડ્યુસર્સ માને છે કે બેયર ગ્રિલ્સે જંગલથી માંડીને રણ અને આકાશથી માંડીને પેટાળમાં જઇને જે કારનામાઓ કર્યા છે એ શંકાથી પર છે અને બેયર ગ્રિલ્સે એનો જીવ જોખમમાં નાખવા આ હદે જવું જોઇએ નહીં. જાતભાતનાં પ્રાણીઓ, પ્રાણીઓનાં અંગો, ચિત્રવિચિત્ર જીવજંતુઓ જે રીતે બેયર ગ્રિલ્સે ઓહિયા કર્યા છે એ જોઇને આપણને ચિતરી ચઢે તો બેયર ગ્રિલ્સના પેટની શું હાલત થતી હશે ? જોકે બેયર ગ્રિલ્સ કહે છે કે : ‘તમારી પાસે સર્વાઇવ થવા માટે કોઈ બીજો રસ્તો ન હોય ત્યારે કઈ રીતે જીવ બચાવી શકાય એ માટે જે કરવું પડે એ બધું હું કરું છું.’ બેયર ગ્રિલ્સની વાત સાચી છે કારણ કે આશરે ૪૦ વર્ષ પહેલા ફૂટબોલના ખેલાડીઓને લઈ જતું વિમાન બરફના રણમાં તૂટી પડ્યું હતું ત્યારે પોતાના સાથી મિત્રોનું માસ ખાઇને કઈ રીતે બાકીના ખેલાડીઓ સર્વાઇવ થયા હતા એ વિશે તો ઘણાં પુસ્તકો પણ લખાઈ ચૂક્યાં છે.