બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને જંગી બહુમતી મળ્યા પછી સીએમ (મુખ્ય પ્રધાન) બનાવવા અંગે મનોમંથન જ નહીં, રીતસર વિવાદ ચાલી રહ્યો છે. આજે રાતના આ અંગે નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. કર્ણાટક વિધાનસભ્ય દળના નેતાની પસંદગી કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે પ્રસ્તાવ પાસ પણ કરવામાં આવ્યો છે. અહીંની બેઠકમાં સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર અને રણદીપ સુરજેવાલાની અલગથી બેઠક કરવામાં આવી હતી.
આ અગાઉ કોંગ્રેસે કર્ણાટક માટે છેલ્લી ફોર્મ્યુલા અપનાવી હતી, જેમાં હજુ પણ મુખ્ય પ્રધાન બનાવવા મુદ્દે સસ્પેન્સ અકબંધ રહ્યું છે. સિદ્ધારમૈયા કે પછી ડીકે શિવકુમાર એ બંને નેતામાંથી કોને બનાવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી. એક તબક્કે એમ કહેવાતું હતું કે કર્ણાટકના નવા મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને બનાવવામાં આવશે, જ્યારે ડીકે શિવકુમાર નાયબ મુખ્ય પ્રધાનનું પદ મળશે. ડીકે શિવકુમાર કર્ણાટકમાં વર્ષ 2024 સુધી પાર્ટીના અધ્યક્ષ રહેશે અને તેમને મહત્વપૂર્ણ પોર્ટફોલિયો પણ આપવામાં આવશે, પરંતુ તેમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મલ્લિકાર્જુન ખડગે દ્વારા નિર્ણય લેવામાં આવે તો પણ એકાદ બે દિવસમાં શપથવિધિનો કાર્યક્રમ યોજી શકાય છે.
વાસ્તવમાં કોંગ્રેસે નક્કી કર્યું કે 2024ને ધ્યાનમાં રાખીને ઓબીસીના કુરુબા સમુદાયમાંથી આવતા સિદ્ધારમૈયાને સીએમ બનાવવા જોઈએ. વોક્કાલિગા સમુદાયના ડીકે શિવકુમાર તેમની સાથે ડેપ્યુટી સીએમ બનવા જોઈએ. કોંગ્રેસ કોઈપણ દિગ્ગજ નેતાને નારાજ કરવા માંગતી નથી. સિદ્ધારમૈયા ભલે લોકપ્રિયતામાં વીસ બેઠા હોય પરંતુ ડીકે શિવકુમારને વધુ વિધાનસભ્યનું સમર્થન છે.
કોણ છે સિદ્ધારમૈયા અને શિવકુમાર
કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ જ મુખ્યમંત્રી પદના દાવેદારોમાં સિદ્ધારમૈયાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ગરીબ પરિવારમાં જન્મેલા 75 વર્ષના સિદ્ધારમૈયા કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. સિદ્ધારમૈયાનો જન્મ 12 ઓગસ્ટ 1948ના રોજ મૈસુર જિલ્લાના સિદ્ધારમહુન્ડી ગામમાં થયો હતો. ખેડૂત પરિવારમાં જન્મેલા સિદ્ધારમૈયા 10 વર્ષની ઉંમર સુધી ઔપચારિક અભ્યાસ શરૂ કરી શક્યા ન હતા. પરંતુ બાદમાં તેણે અભ્યાસ શરૂ કર્યો અને મૈસુર યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં સ્નાતક થયા અને પછી અહીંથી કાયદાનું શિક્ષણ પણ મેળવ્યું. 1980 થી 2005 સુધી જનતા પરિવારના સભ્ય રહેલા સિદ્ધારમૈયા કોંગ્રેસના કટ્ટર વિરોધી હતા.
ડીકે શિવકુમાર પણ મોટા ગજાના નેતા છે, જેઓ આ ચૂંટણીમાં જંગી મતોથી જીત્યા છે. કોંગ્રેસને સંકટ સમયે ભંડોળ પણ પૂરું પાડે છે. ભ્રષ્ટાચારના કેસમાં તેઓ જેલમાં પણ જઈ ચૂક્યા છે, જ્યારે હાલમાં જામીન પર છે. ડીકે શિવકુમાર ખૂદ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની નજીકના માણસ હોવાનું કહેવાય છે. 2006માં પોલિટિકલ સાયન્સમાં પીજી કરેલું છે. તેઓ પ્રખર રાજકારણી, શિક્ષણવિદ હોવાની સાથે સામાજિક કાર્યકર છે. તેઓ કનકપુરા સીટ પરથી આઠ વખતથી વધુ વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.