આ વર્ષે સબર્બન રેલવેમાં ૪,૮૦૦થી વધુ એસીપીના કેસ
ક્ષિતિજ નાયક
મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેમાં રોજના વધતા અકસ્માતોની તુલનામાં એલાર્મ ચેઈન પુલિંગ (એસીપી)ને વધતા કિસ્સાને કારણે લોકલ ટ્રેનો ખોટકાવવાનું પ્રમાણ વધ્યું છે, તેથી ટ્રેનોમાં પ્રવાસ કરવામાં પ્રવાસીઓને હાલાકી પડી રહી હોવાનું રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
કોવિડ-૧૯ના સંબંધિત નિયંત્રણો દૂર કરવામાં આવ્યાં પછી મુંબઈ રેલવેમાં એકંદરે પ્રવાસીઓની સંખ્યામાં વધારાની સાથે અકસ્માતો વધ્યા છે, તેનાથી ટ્રેનો ખોટકાવવાનું પ્રમાણ વધ્યું છે. આમ છતાં લોકલ ટ્રેનોની સાથે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં ચેન પુલિંગનું પ્રમાણ વધ્યું છે, જેમાં આ વર્ષે કુલ મળીને ૪,૮૦૬ જેટલા કેસ નોંધાયા છે. મધ્ય રેલવેમાં આ વર્ષે ૩,૨૮૨ તથા પશ્ર્ચિમ રેલવેમાં ૧,૫૨૪ કેસ નોંધાયા છે. સરેરાશ રોજના મુંબઈ રેલવેમાં તેરથી વધુ કેસ નોંધાય છે, જેમાં મધ્ય રેલવેમાં નવ અને પશ્ર્ચિમ રેલવેમાં ચાર કેસ સમાવિષ્ટ છે, જે માથાના દુ:ખાવા સમાન છે, એમ રેલવેના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ સબર્બન રેલવેમાં મધ્ય અને પશ્ર્ચિમ રેલવેમાં કુલ મળીને સરેરાશ ૬,૫૦૦થી વધુ ટ્રેન દોડાવાય છે, જેમાં એક ટ્રેનના ચેઈન પુલિંગને કારણે સામાન્ય સંજોગોમાં દસ મિનિટ અસર થાય છે. ચેઈન પુલિંગને એટેન્ડ કરવાથી લઈને અન્ય સમસ્યાને દૂર કરવામાં પોલીસ, રેલવે અને અન્ય કર્મચારીઓને નાકે દમ આવી જાય છે, જ્યારે રેલવેના કર્મચારીને બ્રેક સેટ કરવામાં પણ ક્યારેક સમય લાગતો હોય છે, તેથી પ્રશાસન વારંવાર પ્રવાસીઓને બિનજરૂરી ચેઈન પુલિંગ નહીં કરવાની અપીલ કરે છે, પરંતુ લોકો તેની અવગણના કરે છે. પરિણામે એક નહીં, પરંતુ અનેક લોકલ ટ્રેનોનું ટાઈમટેબલ ખોટકાય છે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું. મધ્ય રેલવેમાં ચેઈન પુલિંગના આ વર્ષે ૩,૨૮૨ કેસ નોંધાયા હતા, જેમાં ૩,૧૧૬ જણ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે તેમની પાસેથી રેલવે પ્રશાસને ૨૨.૪ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. એ જ પ્રકારે પશ્ર્ચિમ રેલવેમાં ૧,૫૨૪ કેસ પૈકી ૧,૫૨૬ લોકો સામે કાર્યવાહી કરતા આઠ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. ચેઈન પુલિંગના કિસ્સામાં આ વર્ષે બંને લાઈનમાં અનુક્રમે ૧૪ અને બે જણને જેલ પણ કરવામાં આવી હતી, એમ પશ્ર્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
કોરોના મહામારી પૂર્વે મુંબઈ રેલવેમાં ૨૦૧૯માં ચેઈન પુલિંગના ૧,૭૧૦ તથા ૨૦૧૮માં ૧૫૦૮ કેસ નોંધાયા હતા. ૨૦૧૯માં ૧,૭૧૦ એસીપીના કેસને કારણે ૨૫,૧૩૭ મિનિટ ટ્રેનો ખોટકાઈ હતી, જ્યારે ૨૦૧૮માં ૨૨,૧૩૭ મિનિટ ટ્રેનો ખોટકાઈ હતી. વધતા ચેઈન પુલિંગના બનાવોને રોકવા માટે રેલવે પ્રશાસન દ્વારા અભિયાન ચલાવવામાં આવે છે, પરંતુ તેના માટે પ્રવાસીઓએ સહકાર આપવાનું જરૂરી છે, એમ પશ્ર્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું.