ઈલોન મસ્કે ટ્વિટરના સીઈઓ પદ છોડવાનો નિર્ણય લીધો છે. હવે સવાલ એ થાય છે કે ટ્વિટરના નવા CEO કોણ હશે? મસ્કે નવા સીઈઓનું નામ જાહેર કર્યું નથી, પરંતુ એક નામની ખૂબ ચર્ચા થઈ રહી છે, જે મુજબ ટ્વિટરની કમાન Linda Yaccarinoને આપવામાં આવી શકે છે.
લિન્ડા યાકેરિનો હાલમાં NBC યુનિવર્સલ માટે વૈશ્વિક જાહેરાત અને ભાગીદારીના અધ્યક્ષ છે. મસ્કએ ગુરુવારે ટ્વિટરના નવા સીઈઓ વિશે જાહેરાત કરી હતી. ત્યારબાદ Linda Yaccarinoના નામની ચર્ચા થઈ રહી છે.
મસ્કે ટ્વિટર પર નવા સીઇઓ વિશે જાહેરાત કરતા લખ્યું હતું કે, ‘ આ જાહેરાત કરતાં હું ઉત્સાહિત છું કે મેં Twitterના નવા CEOની નિમણૂક કરી છે. તે આગામી 6 અઠવાડિયામાં પોતાનું કામ શરૂ કરશે. મારી ભૂમિકા એક્ઝિક્યુટિવ ચેરમેન અને સીટીઓની રહેશે. હું પ્રોડક્ટ, સોફ્ટવેર અને અન્ય કામ સંભાળીશ.’ જોકે, મસ્કે પોતાના ટ્વીટમાં એ નથી કહ્યું કે ટ્વિટરના નવા સીઈઓ કોણ હશે. તેથી જ ટ્વિટરના સીઈઓ વિશે ઘણી અટકળો ચાલી રહી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો Linda Yaccarinoને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે.
કોણ છે Linda Yaccarino?:-
Linda Yaccarino મીડિયા ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. તે છેલ્લા 20 વર્ષથી NBC યુનિવર્સલ સાથે સંકળાયેલી છે અને તેણે અનેક નેતૃત્વ ભૂમિકાઓ નિભાવી છે. હાલમાં લિન્ડા એનબીસી યુનિવર્સલના વૈશ્વિક જાહેરાત અને ભાગીદારી વ્યવસાયોનો ચાર્જ સંભાળી રહી છે. આ પહેલા લિન્ડા અન્ય ઘણા મોટા હોદ્દા પર પણ કામ કરી ચુકી છે.
લિન્ડાની LinkedIn પ્રોફાઇલ અનુસાર તેણે પેન સ્ટેટ યુનિવર્સિટીમાંથી લિબરલ આર્ટસ અને ટેલિકોમ્યુનિકેશન્સમાં અભ્યાસ કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર લિન્ડાએ અગાઉ ટ્વિટર સીઈઓ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, ટ્વિટર સીઈઓની યાદીમાં એલા ઈરવિનનું નામ પણ આવી રહ્યું છે. એલા હાલમાં ટ્વિટરના ટ્રસ્ટ અને સેફ્ટી વિભાગ માટે કામ કરે છે.
મસ્ક પાસે જ છે ટ્વિટરનો ચાર્જઃ-
ગયા વર્ષે ટ્વિટર ડીલ પૂર્ણ થયા બાદ મસ્કે તત્કાલીન સીઈઓ પરાગ અગ્રવાલને કંપનીમાંથી કાઢી મૂક્યા હતા. ત્યારથી તેઓ પોતે ટ્વિટરના સીઈઓની જવાબદારી સંભાળી રહ્યા હતા. જોકે, આ વર્ષની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે ટ્વિટરના સીઈઓ માટે યોગ્ય વ્યક્તિ મળતાં જ તેઓ આ પદ છોડી દેશે.
મસ્કે ગયા વર્ષે ઓક્ટોબરના અંતમાં ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદ્યું હતું. તેમણે આ ડીલ એપ્રિલ 2022માં શરૂ કરી હતી. જોકે, આ સમગ્ર ડીલ એક નાટકીય ઘટનાની જેમ બની હતી. પહેલા મસ્કે કંપનીના શેર ખરીદ્યા, પછી તેમણે કંપની ખરીદવાની ઓફર કરી. થોડા દિવસો પછી તેમણે ડીલ તોડવાની જાહેરાત કરી. જોકે, જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે તેમણે ટ્રાયલ પહેલા જ સોદો પૂરો કરી દીધો હતો.