ન માનવામાં આવે તેવી વાર્તા ગુજરાતના મહાઠગની છે. જ્યાં પંખી પણ ફરકવા પહેલા વિચાર કરે તેવા જમ્મુ કાશ્મીરના અતિ સંવેદનશીલ વિસ્તારમાં કિરણ પટેલ નામનો આ ઠગ પીએમઓના અધિકારી તરીકે રહ્યો અને વિવિધ સુરક્ષા અને વીઆઈપી ટ્રીટમેન્ટ તેણે મેળવી. આ સમગ્ર કાંડમાં ઘણા ગંભીર પ્રશ્નો ઊભા થાય છે, પણ આ રીતે ચારેક મહિનાથી મજા માણી રહેલા ઠગને પકડાવનારા પણ એક ગુજરાતી છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના પૂર્વ નેતા ડૉ. અતુલ વૈદ્યએ એવો દાવો કર્યો છે કે, PMO ના નામે લોકોને છેતરતા કિરણ પટેલની માહિતી સરકારને તેમણે આપી હતી અને તેના આધારે જમ્મુ-કાશ્મીર પોલીસે સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે.
એક પોર્ટલ સાથે વાત કરતા વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા ડૉક્ટર અતુલ વૈદ્યએ મહાઠગ કિરણ પટેલની પોલ ખોલી નાંખી છે. ડૉ. અતુલના જણાવ્યાનુસાર તેઓ કિરણ પટેલને છેલ્લાં 20 વર્ષથી ઓળખે છે. ડૉ. અતુલ વર્ષ 2002માં કિરણ પટેલને પ્રથમ મુલાકાત થઈ હતી અને પરિચયમાં આવ્યા હતા. સપ્ટેમ્બર-2022માં શ્રીપંચખંડ પીઠાધીશ્વર આચાર્ય સ્વામી ધર્મેન્દ્ર મહારાજ નું નિધન થતા અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્ર્મ રાખવામાં આવ્યો હતો. જયાં અતુલ વૈદ્ય ઘણાં વર્ષો બાદ કિરણ પટેલને ફરી મળ્યા હતા. કિરણ પટેલે ડૉ. અતુલ સાથેની વાતચીતમાં પોતે PMO માં આસિ. ડાયરેક્ટર હોવાની વાત કરી હતી. કિરણ પટેલના કારનામાઓથી અતુલ વૈદ્ય જાણકાર હોવાથી તેમને વાત પર વિશ્વાસ આવ્યો ન હતો.
કિરણ પટેલે અનેક લોકો સાથે ઠગાઈ કરી હોવાની વાત જગ જાહેર હતી અને આ વાતથી ડૉ. અતુલ પણ વાકેફ હતા. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) માં કામ કરતો હોવાનું કિરણ પટેલ કહી અનેક લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. કિરણ જેવા ઠગના કારણે નરેન્દ્ર મોદી (Narendra Modi) નું નામ ખરાબ થતું હોવાથી ડૉ. અતુલ વૈદ્યએ ઠગનો પર્દાફાશ કરવો જરૂરી લાગ્યો અને તેને પકડવા એક પ્લાન ઘડી કાઢ્યો.
ડૉ. અતુલ વૈદ્યને કિરણ પટેલને પૂરાવાઓ સાથે પકડવો હતો એટલે તેમણે દિલ્હીના તેમના મિત્ર વેપારીને એક નાટક રચવા તૈયાર કર્યા. ગત 7 ફેબ્રુઆરીના રોજ કિરણ પટેલ સાથે અમદાવાદની આઈટીસી નર્મદા હોટલમાં મુલાકાત ગોઠવાઈ. મુલાકાત દરમિયાન કામ પેટે કિરણે બે કલાકમાં રૂપિયા 25 લાખ માંગતા તેને ચૂકવી દેવાયા. કિરણ રૂપિયા લઈને ગયો ત્યારબાદ ડૉ અતુલે તેને ફોન કરી ‘તું ખરેખર PMO માં છે ? આ 2-5 હજારની વાત નથી.’ આટલું કહેતા કિરણ પટેલે મારા પર શંકા હોય તો કામ કરવું નથી તેમ કહી વાત બનાવવા લાગ્યો હતો. જેથી અતુલ વૈદ્યએ રૂપિયા પાછા માંગતા તેણે 25 લાખ પૈકી 15 લાખ બીજા દિવસે પરત કરી દીધા. બાકી રકમ 10 લાખનું પૂછતા દિલ્હીવાળી પાર્ટીને ચૂકવી દીધા હોવાનું કહેતા ડૉ અતુલે ફોન કરી ખરાઈ કરી હતી. 2-3 દિવસ બાદ દિલ્હીવાળી પાર્ટીનો ફોન આવતા 10 લાખ મળ્યા નહીં હોવાની માહિતી મળી હતી.
કિરણ પટેલ ઠગ હોવાની ખરાઈ થતાં જ 1 માર્ચના રોજ ડૉ. અતુલ વૈદ્ય દિલ્હી ગયા. દિલ્હી PMO ખાતે તપાસ કરતા કિરણ પટેલ નામનો કોઈ વ્યક્તિ નહીં હોવાની જાણકારી મળતા ડૉ અતુલે ઠગને ફોન લગાવી દીધો. ડૉ. અતુલે કિરણને ફોન કરી ‘તું ક્યાં છે’ તેમ પૂછતા ઠગે કહ્યું ‘હું તો કાશ્મીર જ હોઉંને.’ કિરણ પટેલે થોડાક દિવસો પહેલાં બુલેટપ્રૂફ એસયુવીમાં ઝેડ પ્લસ સુરક્ષા કવચ સાથે જમ્મુ-કાશ્મીરના કેટલાંક સ્થળોની લીધેલી મુલાકાતના વીડિયો અતુલ વૈદ્યને મોકલ્યા હતા. ડૉ અતુલે દાવો કર્યો છે કે, કિરણ કાશ્મીરમાં હોવાની વાત કરતા તુરંત આ ઠગની માહિતી સરકારને આપી દીધી અને જમ્મુ-કાશ્મીર પોલીસે (Jammu Kashmir Police) શ્રીનગરની લલિત ગ્રાન્ડ પેલેસ નામની વૈભવી હોટલમાંથી મી. નટવરલાલને દબોચી લીધો હતો.
કિરણ પટેલના ગુજરાત ભાજપના ઘણા નેતા, અહીંના લેખકો, અભિનેતાઓ સાથે ફોટા છે. સોશિયલ મીડિયામા તેઓ ઘણા એક્ટિવ છે. તેમને ઓળખનારા કહે છે કે તેમનામાં ગજબની આવડત છે કે સામેની વ્યક્તિ તેમની વાતોમાં આસાનીથી આવી જાય. જોકે હવે તેમની બધી પોલ ખુલ્લી પડી ગઈ છે, પરંતુ સાથે સુરક્ષામાં આવડી મોટી ચૂક અને આટલા સમયથી તેમનું ખુલ્લેઆમ પીએમઓ અધિકારી તરીકે ફરવું લોકોના માન્યામાં આવતું નથી. આ પ્રકરણમાં યોગ્ય તપાસ થશે તો ઘણા ચહેરાઓ સામે આવવાની શક્યતા છે.