તાલાલા તાલુકાના આંકોલવાડી ગીર ગામે મંડોરણા રોડ ઉપર આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને કોઈ અજાણ્યા શખસોએ નુકસાન પહોંચાડ્યું હતું. જેની ફરિયાદ તાલાળા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટના સામે આવતા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. આ અંગે પોલીસ સૂત્રોએ આપેલી વિગત મુજબ, તાલાળા તાલુકાના મંડોરણા ગીર ગામના રોડ ઉપર બે માસ પહેલા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યુ હતુ. દરમિયાન ગઈકાલે 31મી ડિસેમ્બરે મોડીરાત્રીથી બીજા દિવસના સવાર સુધીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તેના સ્ટેન્ડ પરથી ઉતારી કોઇ અજાણ્યા શખસો થોડે દુર મુકી આવ્યા હતા અને તેને થોડું નુકસાન પહોંચાડયું હતું. સવારે આ ઘટનાની જાણ થતા દલિત સમાજના અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં બનાવ સ્થળે દોડી ગયા હતા.
આ કથિત ઘટના અંગે અગ્રણીઓએ જાણ કરતાં પોલીસ અધિકારીઓ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. બાદમાં આંકોલવાડી દલિત સમાજના અગ્રણીની ફરિયાદ લઈ અજાણ્યા શખસો સામે આઈ.પી.સી.કલમ 295, 427 મુજબ ગુનો દાખલ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈ લોકોમાં આક્રોશ પ્રવર્તેલો હોવાથી તાલાળા પોલીસે લોકોને શાંત રહેવા અને સહકાર આપવા અપીલ કરી હતી.