* કર્મચારીઓનો એક વર્ગ કહે છે કે કાટકરે વિશ્ર્વાસઘાત કર્યો * મુખ્ય પ્રધાન દગો નહીં કરે, ક્યારેક વિશ્ર્વાસ રાખવો જરૂરી: બીજા વર્ગનો દાવો
વિપુલ વૈદ્ય
મુંબઈ: કર્મચારીઓએ જૂની પેન્શન યોજના માટે બેમુદત હડતાળ કરી હતી. આ હડતાળ રાજ્ય સરકારના સકારાત્મક આશ્ર્વાસન બાદ પાછી ખેંચી લેવામાં આવી હતી. આમ છતાં આ નિર્ણયને પગલે કર્મચારી સંગઠનોમાં અણબનાવ થયો હોવાનું સામે આવી રહ્યું છે. આને કારણે હડતાળનો ફાયદો કોને થયો એવો સવાલ કરવામાં આવી રહ્યો છે. સમન્વય સમિતિની હડતાળ માટેની પ્રથમ બેઠકમાં સહભાગી થતી વખતે આ હડતાળ જૂની પેન્શન યોજના માટે હશે તો જ અમે તેમાં સહભાગી થશું એવી સ્પષ્ટ વાત કરવામાં આવી હતી અને રાજ્યના બધા જ સરકારી-અર્ધસરકારી ક્લાર્ક શ્રેણીના કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા અને તેમને કારણે જ હડતાળ સફળ થઈ હતી.
મુખ્ય પ્રધાન સાથેની બેઠકમાં જૂની પેન્શન યોજનાની જાહેરાત કરવાને બદલે જૂની પેન્શન યોજના જેવી જ યોજના તૈયાર કરવા માટે સમિતિનું ગઠન કરવાની અને આ સમિતિને એવી સૂચના આપવામાં આવશે એવી ખાતરી મુખ્ય પ્રધાને આપી હતી. આ પછી સમન્વય સમિતિના નિમંત્રક વિશ્ર્વાસ કાટકર સહિત સુકાન સમિતિના બધા જ સભ્યોએ હડતાળ પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. તેમણે કર્મચારીઓનો વિશ્ર્વાસઘાત કર્યો હતો, એવો આરોપ ક્લાર્કના યુનિયન મહારાષ્ટ્ર રાજ્ય જિલ્લા પરિષદ ક્લાર્ક વર્ગ કર્મચારી સંગઠનના કાર્યાધ્યક્ષ સંજય ધોટેએ બુધવારે કહ્યું હતું.
મહારાષ્ટ્ર સરકાર સુકાન સમિતિ ગઠિત કરવાની છે અને તે સમિતિનો નિર્ણય ત્રણ મહિના પછી આવવાનો છે. સરકાર કર્મચારીઓને કશું નક્કર આપ્યા વગર હડતાળ પાછી ખેંચાવવામાં સફળ થઈ હતી અને આનો અર્થ સ્પષ્ટ રીતે એવો કરી શકાય કે મધ્યવર્તી સંગઠનનું નેતૃત્વ કમજોર અને અપયશી છે, એવા શબ્દોમાં સરકારી કર્મચારીઓ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
રાજ્ય સરકારના કર્મચારીઓ સમન્વય સમિતિના સંગઠનના નેતાઓને ક્યારેય માફ કરી શકશે નહીં. પહેલી વખત સરકારી કર્મચારીઓના સરકારી, અર્ધસરકારી કર્મચારીઓનો ‘ન ભૂતો, ન ભવિષ્યતિ’ સમર્થન મળ્યું હતું. બધા કર્મચારીઓ સરકાર પાસેથી મોટી આશા રાખી રહ્યા હતા અને સાત દિવસ ભારે દબાણ લાવવાનું કામ કર્યા છતાં સરકારે કર્મચારીઓની એકેય માગણી સ્વીકારી નહોતી. ફક્ત આશ્ર્વાસન આપ્યું હતું.
બીજી તરફ કર્મચારીઓના એક વર્ગે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન સાથે સકારાત્મક ચર્ચા થયા પછી હડતાળ પાછી ખેંચવામાં આવી હતી. મુખ્ય પ્રધાને ખાતરી આપી છે. આ બધી પ્રક્રિયા પર વિશ્ર્વાસ રાખવો આવશ્યક છે. મૂળે નિર્ણય સુકાન સમિતિનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકાર તરફથી દગો નહીં થાય. દેશનું ભાજપ શાસિત પહેલું રાજ્ય છે, જેમણે જૂની પેન્શન યોજના પ્રમાણે આર્થિક લાભ આપવાનું સૈદ્ધાંતિક રીતે માન્ય કર્યું છે તે મોટી બાબાત છે. મુખ્ય પ્રધાન પર ભરોસો રાખવો જોઈએ.