Homeએકસ્ટ્રા અફેરઅંગ્રેજોએ ભારતના શિક્ષણની નકલ કરી એ વાત કોણ માને?

અંગ્રેજોએ ભારતના શિક્ષણની નકલ કરી એ વાત કોણ માને?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં જાહેરજીવનમાં પડેલી વ્યક્તિઓ લોકોને ભોટ સમજે છે કે પછી પોતાને વધારે પડતા હોંશિયાર સમજે એ રામ જાણે પણ એ લોકો ક્યારેક એવી વાત કરી નાંખે છે કે જે સાંભળીને ગધેડાને પણ તાવ આવી જાય. ભાજપના પિતૃ સંગઠન મનાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે આવી જ વાત કરતાં કહ્યું કે, બ્રિટિશ શાસન પહેલાં ભારતની ૭૦ ટકા વસ્તી શિક્ષિત હતી અને એ વખતે દેશમાં જરાય બેરોજગારી નહોતી. એ વખતે પોતે મેળવેલા શિક્ષણના આધારે દરેક વ્યક્તિ પોતાની આજીવિકાનો માર્ગ શોધી લેતી હતી તેથી કોઈને કંઈ તકલીફ નહોતી.
ભાગવતના દાવા પ્રમાણે, બ્રિટિશ શાસન પહેલાંની આપણી શિક્ષણ વ્યવસ્થા માત્ર રોજગાર મેળવવા માટે નહોતી પણ જ્ઞાનનું માધ્યમ પણ હતી. આપણી શિક્ષણ વ્યવસ્થા સસ્તી અને સુલભ હતી અને વધારામાં શિક્ષણનો તમામ ખર્ચ સમાજ ઉઠાવતો હતો. એ વખતે વર્ગ કે જ્ઞાતિનો ભેદભાવ નહોતો અને દરેકને શિક્ષણ મળતું હતું.
ભાગવતના કહેવા પ્રમાણે તો એ વખતે શિક્ષકો ગામડાંમાં જઈને ભણાવતા હતા. આ શિક્ષકો શિક્ષણ આપવું એ તેમનું કામ છે, તેમની ફરજ છે એમ માનીને શિક્ષણ આપતા હતા. શિક્ષણ આપવું એ પોતાનો ધર્મ છે એમ માનીને શિક્ષકો ભણાવતા ને ગામ તેમના ગુજરાનની ચિંતા કરતું હતું. આપણું જુનું શિક્ષણ મોડલ આ પ્રકારનું હતું ને આ શિક્ષણ મેળવીને બનેલા વિદ્વાનો, કલાકારો અને કારીગરો સમગ્ર દુનિયામાં પ્રખ્યાત બન્યા હતા.
ભાગવતે બીજું જ્ઞાન એ પિરસ્યું કે, અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતના શિક્ષણ મોડલને પોતાના દેશમાં લઈ ગયા જ્યારે પોતાના દેશના શિક્ષણ મોડલને ભારતમાં લાગુ કરી દીધું. ભારતનું શિક્ષણ મોડલ ઈંગ્લેન્ડમાં લાગુ થયા પછી ત્યાંની ૭૦ ટકા વસ્તી શિક્ષિત થઈ ગઈ જ્યારે અંગ્રેજોનું શિક્ષણ મોડલ ભારતમાં લાગુ કરાયું તેના કારણે આપણા દેશમાં માત્ર ૧૭ ટકા લોકો જ શિક્ષિત રહી ગયા.
ભાગવત સાહેબે બીજું પણ ઘણું જ્ઞાન પિરસ્યું છે ને એ બધી વાતો માંડવાનો અર્થ નથી પણ ટૂંકમાં ભાગવતની વાતનો મતલબ એ છે કે, અંગ્રેજો આવ્યા તેના કારણે આપણી શિક્ષણ પદ્ધતિ બગડી ગઈ, બાકી એ પહેલાં તો આપણી શિક્ષણ પધ્ધતિ દુનિયામાં શ્રેષ્ઠ હતી. બીજું એ કે, અંગ્રેજો આપણી શિક્ષણ પદ્ધતિની નકલ કરીને ભણ્યા તેમાં મહાન બની ગયા ને આપણે તેમની નકલ કરી તેના કારણે અભણ રહી ગયા.
ખેર, વ્યંગ બાજુ પર મૂકીએ ને વાસ્તવિકતાની વાત કરીએ. ભારતનું શિક્ષણ સાવ ખાડે ગયું એ માટે અંગ્રેજોને દોષ દેવાની વાત નવી નથી. લોર્ડ મેકોલેએ ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ દાખલ કરી હતી. મેકોલેએ અંગ્રેજાનું રાજ ચલાવવા માટે કારકુનો પેદા થાય એવી શિક્ષણ પદ્ધતિ ભારત પર લાદી એવો દાવો કરીને મેકોલેને ગાળો અપાય જ છે.
લોર્ડ મેકોલેને ગાળો અપાય તેની સામે આપણને વાંધો નથી પણ આ શિક્ષણ પદ્ધતિ આવી એ પહેલાં આ દેશમાં લોકો ભણેલાં-ગણેલાં હતાં ને બેરોજગાર પણ નહોતાં એ વાત પચાવવી અઘરી છે. એ વખતે કેટલાં લોકો શિક્ષિત હતાં તેના કોઈ આંકડા નથી તેથી ગમે તે ફેંકાફેંક કરી દો એ ચાલે પણ આ દેશમાં અંગ્રેજોએ ભારતીયોના લશ્કરના જોરે રાજ કર્યું ને ભારતમાં બેરોજગારી નહોતી તો હજારો લોકો અંગ્રેજોના લશ્કરમાં શા માટે જોડાતા હતા ? અંગ્રેજો આપણી શિક્ષણ પધ્ધતિ અપનાવીને મોટા થઈ ગયા એ વાત પચાવવી તો વળી વધારે અઘરી છે. બ્રિટનની શિક્ષણ પદ્ધતિમાં મૂળ ભારતીય કહેવાય એવું શું છે? કંઈ જ નથી. એ શિક્ષણ પદ્ધતિ તેમની પોતાની જ છે, આપણી પાસેથી ઉધારમાં લીધેલી નથી.
ભાગવત સહિતના લોકોએ ભૂતકાળની મહાનતાના મિથ્યાભિમાનમાંથી બહાર આવીને અત્યારે દેશને કઈ રીતે મહાન બનાવી શકાય એ વિચારવું જોઈએ. ભૂતકાળને ચગળ્યા કરવાથી કે એ વખતની મોટી મોટી વાતો કર્યા કરવાથી વર્તમાન બદલાઈ જતો નથી, સુધરી જતો નથી. સાથે સાથે બીજાંની લીટી નાની કરવાથી આપણી લીટી મોટી થતી નથી. આપણી લીટી મોટી છે અ સાબિત કરવા નવી મોટી લીટી બનાવવી પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -