ગવર્નર ફરી એક વાર થયા ટ્રોલ
ચંપલ વિવાદ:શનિવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ દક્ષિણ મુંબઈના પોલીસ કમિશનરની ઓફિસના પ્રાંગણાના સ્મારકમાં શહીદોને પુષ્પાંજલિ અર્પી હતી. જો કે તેમણે આમ કરતી વખતે ચંપલ ન ઉતારતા મોટો વિવાદ સર્જાયો હતો. (અમય ખરાડે)
મુંબઈ: કૉંગ્રેસે શનિવારે મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશ્યારીની ૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપતી વખતે તેમનાં પગરખાં ન ઉતારવા બદલ ટીકા કરી હતી. કોશ્યારી અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સવારે દક્ષિણ મુંબઈમાં પોલીસ કમિશનર ઓફિસના પરિસરમાં શહીદોના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ સમિતિ (એમપીસીસી)ના જનરલ સેક્રેટરી અને પ્રવક્તા સચિન સાવંતે ટ્વીટ કરતાં કહ્યું હતું કે શ્રદ્ધાંજલિ આપતાં સમયે કોઈએ પણ પગરખાં કાઢવાં એ ભારતીય સંસ્કૃતિ છે અને ચોક્કસપણે એ મહારાષ્ટ્રની સંસ્કૃતિ છે. ‘ગવર્નર વારંવાર મહારાષ્ટ્ર તેની સંસ્કૃતિ અને ચિહનોનો અનાદર કરી રહ્યા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમને તેમનાં પગરખાં કાઢી નાખવા અને આતંકવાદી હુમલાના શહીદોને સન્માન આપવાનું યાદ અપાવવું જોઇએ, એવું સાવંતે કહ્યું હતું.
ગવર્નર છેલ્લા ઘણા સમયથી તેમની ટિપ્પણીઓને કારણે ચર્ચામાં રહ્યા છે. હાલમાં જ તેમણે છત્રપતિ શિવાજી મહારાજ માટે કરેલી ટિપ્પણીને કારણે વિવાદ વધ્યો છે. અગાઉ તેમણે મહારાષ્ટ્રમાં ગુજરાતી અને મારવાડીઓનો બહુમૂલ્ય ફાળો રહ્યો હોવાનું બોલીને વિવાદ સર્જ્યો હતો. જોકે શિવાજી મહારાજ અંગેની ટિપ્પણી ગવર્નરને ભારે પડી હતી. તેમની આ ટિપ્પણીને કારણે એનસીપી, કૉંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેના જૂથ દ્વારા તેમની હકાલપટ્ટીની માગણી કરવામાં આવી છે.
જેને ટેકો આપવો હોય એ આપે, પણ ગવર્નર મહારાષ્ટ્રમાંથી જશે જ: ખડસે
જળગાંવ: ગવર્નર ભગતસિંહ કોશ્યારીએ કરેલા વિવાદાસ્પદ વક્તવ્ય પર ફરી એક વાર એનસીપીના નેતા એકનાથ ખડસેએ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને નિશાન પર લીધા હતા. અમૃતા ફડણવીસ દ્વારા ગવર્નરના વક્તવ્યને સમર્થન આપવું એ કમનસીબી છે. જે કોઇને પણ ટેકો આપવો હોય એ ગવર્નરને આપી શકે છે, પણ કોશ્યારીને મહારાષ્ટ્રમાંથી તાબડતોબ હટાવો. એક તરફ દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે ગવર્નરે આવું વક્તવ્ય કરવું નહોતું જોઇતું, અને બીજી બાજુ અમૃતા ફડણવીસ ગવર્નરને ટેકો આપી રહ્યાં છે. આ રાજ્યમાં શું ચાલી રહ્યું છે, એવો સવાલ ખડસેએ કર્યો હતો.