સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા
શું તમને ક્યારેય એવું લાગ્યું કે તમારી આસપાસ લોકોના ટોળાં છે પણ એમાંથી ખરેખર પોતાના કહી શકાય એવા કેટલાં? કેટલી વ્યક્તિને તમારી ફિકર હોય છે? કેટલી વ્યક્તિઓ તમારી ગેરહાજરીની નોંધ લે છે? ઢગલો માણસોની વચ્ચે ઘેરાયેલી આપણી જાતની એબસન્સની અસર કેટલા લોકો પર થાય છે?
ઘણીવાર આપણે એવા ભ્રમમાં જીવતા હોઈએ છીએ કે આપણા એક સાદથી હાજર થવાવાળા પાર વગરના છે. મોબાઈલમાં સેવ્ડ ૨૦૦૦ ના કોન્ટેકટ લિસ્ટ કે પછી સોશયલ મીડિયાનું ૨૦સ ફોલોઅર્સ ધરાવતા એકાઉન્ટથી ઉપર ઊઠીને આપણી જાતને પૂછવું જોઈએ કે આ તમામ લોકોમાંથી જેને ખરેખર આપણા કહી શકાય એવા કેટલાં? વ્યક્તિની આસપાસ બે વર્તુળ હોય છે. એમાં બીજા વર્તુળની બહાર આપણી પબ્લિક અને પ્રોફેશનલ લાઈફ હોય છે જ્યાં આપણને સમજી શકનાર લોકો કરતાં જાણનારા લોકો વધુ હોય. પહેલાં અને બીજા વર્તુળની વચ્ચે એવા લોકો હોય જે આપણા ઘર સુધી આવવા જવાના સંબંધ રાખતા હોય અથવા તો ઘરના લોકો જ હોય કે જેઓ આપણને સમજી શકતા હોય. જ્યારે પહેલાં વર્તુળની અંદર જ્યાં આપણે ઊભા છીએ ત્યાં એકાદ આંગળીના વેઢે ગણી શકાય એટલી વ્યક્તિઓ હોય જે આપણને ખરા અર્થમાં ઓળખતા હોય. કદાચ એકપણ ન હોય એવુંય બને. પણ જો છે તો આપણે જેવા છીએ એઝ ઇટ ઈઝ સ્વીકારતાં પણ હોય. કોઈપણ પ્રકારના ખચકાટ વગર આપણને અપનાવતા હોય. અહીં દંભને કોઈ સ્થાન નથી. આવા સંબંધને કાટ નથી લાગતો, કારણ કે એ સંબંધ સોનાની જેમ શુદ્ધ છે. જો આપણી આસપાસ આવી વ્યક્તિ છે તો આપણા પર ગર્વ થવો જોઈએ. અને જો આપણી આસપાસ આવી વ્યક્તિ નથી તો આપણી જાતને પ્રશ્ર્નો કરવા જોઈએ.
અહીં આપણે એ વહેમમાંથી બહાર નીકળી જઈશું કે આપણા શુભચિંતક ઘણાંબધા છે. પબ્લિક લાઈફ અને પ્રાઇવેટ લાઈફથી પર આપણી પોતાની એક સ્પેસ છે જ્યાં આવવાની પરમિશન દરેક માટે નથી હોતી. બહુ ખાસ વ્યક્તિઓ જ એ સ્પેસને આંબી શકે છે. ત્યાં આવનારા લોકો આપણી ઈચ્છાથી ત્યાં સુધી પહોંચે છે જેની સંખ્યા લિમિટેડ હોય છે. આપણે જ્યાં સુધી ઇચ્છીએ ત્યાં સુધી એ સ્પેસમાં રહે છે. આપણી ઈચ્છાથી બહાર નીકળી જાય છે. ખુલ્લી કિતાબ જેવી આપણી જાત અહીં કોઈપણ પ્રકારનું મ્હોરું લઈને ફરતી નથી.ગળગળા થવાથી લઈને ગાળો સુધીની અભિવ્યક્તિની આઝાદી આ સ્પેસમાં રહેલ વ્યક્તિ પાસે હોય છે.
બીજા વર્તુળની અંદર રહેલા એવા લોકો કે જે આપણી નાની નાની વાતો જાણતા હોય છે, જે આપણા એક્સપ્રેશન્સથી આપણી વ્યથા જાણી લે છે, જે આપણા મૌનથી આપણા શબ્દો કળી જાય છે. જે આપણી ‘ના’ નો મતલબ સારી પેઠે ‘હા’માં સમજી જાય છે, જે આપણા ગુસ્સા પાછળનો ઈરાદો જાણી લે છે, જે આપણા ચૂપકીદીને વાચા આપી જાણે છે, જે આપણા ગળે ભરાયેલા ડૂમાને આંસુના સ્વરૂપમાં પરિવર્તિત કરી દે છે, જે આપણી વણજોતી બકબક પાછળની આપણી બેચેની પારખી લે છે, જે આપણા હલનચલન ઉપરથી આપણો હવે પછીનો નિર્ણય જાણી લે છે, જે આપણા ડર પાછળનું કારણ જાણી લે છે, જે આપણા હાસ્ય પાછળની પીડા કળી જાય છે. આ એવી વ્યક્તિ કે વ્યક્તિઓ છે જે આપણું જમા પાસું છે, આપણી સાચી મૂડી છે. એ છે તો જીવન જીવવાની મજા છે. એ છે તો આપણી ઊતરતી જતી ગાડી પાટે ચડી જાય છે.
જ્યારે મન ઉદ્વેગ અનુભવે ત્યારે આંખ બંધ કરતાંની સાથે જેનો ચહેરો દેખાય, જેની સાથે બે ઘડી વાત કરવાનું મન થાય એ હકીકતમાં આપણા છે. જેની સામે હૈયું વલોવી શકાય, આંસુઓ ઓગાળી શકાય, સંતાપ ભૂલી શકાય એ આપણા છે. જેની સામે આપણી લાઈફની અજીબોગરીબ ઘટનાઓ શૅર ન કરીએ ત્યાં સુધી ચેન ન પડે એ આપણા છે. જેને મળીને મન હળવું ફૂલ થઈ જાય એ આપણા છે. જે આપણી ભૂલો બતાવી જાણે અને આપણી ભૂલોને સ્વીકારી પણ જાણે એ આપણા છે. આપણને તૂટતાં અટકાવે, આપણી હિંમત અને પ્રેરણા બને એ આપણા છે. આપણા ખોટા વખાણ કરીને નહિ, પરંતુ જરૂર જણાય ત્યાં વખોડીને આપણું વ્યક્તિત્વ નિખારે એ આપણા છે. જેને આપણી સાથેની હયાતી કરતાં આપણી ખુશીઓની ફિકર હોય એ આપણા છે. આપણા પાસે હોવા કરતાં આપણા સાથને મહત્તા આપે એ આપણા છે. મોઢે મીઠું બોલીને બીજા પાસે વગોવતાં હોય એ નહીં પણ મોઢે કડવા વેણ કહીને અન્યો પાસે આપણી તારીફ
કરી જાણનારા હકીકતમાં આપણા છે. એને જે કહેવું છે એ સીધું ને સ્પષ્ટ જ કહેશે, ખોટું વધારી ચડાવીને નહીં કહે.
હવે પ્રશ્ર્ન એ થાય કે આવી વ્યક્તિને ઓળખવી કેવી રીતે? ખાસ કરીને આપણા લોકોને ઓળખવાની બેસ્ટ ટ્રીક એ છે કે કેટલાક સમય માટે અલિપ્ત થઈ જવાનું. કોઈપણ વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારનો કોન્ટેકટ નહીં રાખવાનો. કેટલાક દિવસો કે મહિનાઓ સુધી જાહેર જીવનમાંથી સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ જવાનું. ફોન કોલ્સ હોય કે પછી ચેટ, સ્ટેટસ હોય કે સ્ટોરી કે પછી સોશ્યલ મીડિયા, અરે રૂબરૂ મુલાકાત પણ કેમ ન હોય, આ બધું જ બંધ કરી દેવાનું. પોતાની જાતને એક અલગ દુનિયામાં ટેમ્પરરી કેદ કરી દેવાની. શક્ય હોય તો મોબાઈલ ફોન જ સ્વિચ ઓફ કરી દેવાનો. સોશ્યલ મીડિયાના તમામ એકાઉન્ટ્સ ડીએક્ટિવેટ કરી દેવાના. અમુક દિવસો બાદ ફરી નોર્મલ સ્થિતિમાં આવી જવાનું. હવે જોવાનું એ છે કે આપણા અજ્ઞાતવાસ દરમ્યાન કેટલી વ્યક્તિ હતી જેણે આપણને મળવાનો પ્રયાસ કર્યો હતો? કેટલા લોકો એવા હતા જેણે વાયા વાયા પણ આપણા ખબર અંતર પૂછ્યા હતા? કેટલા ટેક્સ્ટ મેસેજીસ અને કેટલા વોટ્સએપ મેસેજીસ આપણા ફોનમાં પડ્યા છે જેમાં આપણી ગેરહાજરીની નોંધ લેવાઈ હોય? અચાનક ફોન બંધ કરી દેવાથી કેટલી ગાળોનો સામનો કરવો પડ્યો? કોલ રિસીવ ન કરવાથી કેટલી વ્યક્તિ ઘર કે ઓફિસ સુધી પહોંચી? ખરેખર કેટલી વ્યક્તિઓને આપણી હયાતીની અસર છે એ આના પરથી સાબિત થઈ જશે.
બાકી ટોળામાં જીવતા ટેવાયેલા સ્વને બહુ પ્રેમથી સમજાવી દેવાનું કે, ‘અહીં દેખાતાં દરેક માણસ પર ભરોસો મૂકતા પહેલાં એટલિસ્ટ એકવાર વિચારી લેજે. આ જાકમજોળ તારા પૈસા, પાવર અને પોઝિશનના લીધે છે. તારા ખરાબ સમયમાં, તારી જરૂરિયાત વખતે તારી પડખે ઊભા રહેનારને બરાબર પિછાણી લેજે. તારી આસપાસ આંટાફેરા કરતા, તારા દરેક સ્ટેન્ડ વખતે તારા વખાણ કરતા હંમેશાં તારી કેર કરનાર અને તને ધરપત દેનાર નથી જ હોવાના. તારા એકાદ ખોટા નિર્ણય પછી પણ તને છોડીને ન જનાર એ ખરા અર્થમાં ‘તારા’ છે. આ વાતને મગજના છેલ્લાં કોષ સુધી ફિટ કરીને રાખજે.’
ક્લાઈમેક્સ
હું તો હજીએ તારી આસપાસ જ છું જો મને મહેસૂસ કરે તો… તારા વર્તુળમાંથી બહાર નીકળવાની શિક્ષા મેં પ્રાપ્ત કરેલ નથી.