પ્રાસંગિક -સોનલ કારિયા
ગયા વખતે ૨૦૨૩ના પહેલાં છ મહિનામાં રિલીઝ થનારી ફિલ્મોની યાદી આપી હતી. ૨૦૨૩ના વર્ષના બીજા ભાગમાં પણ કેટલીક મોટા બજેટની ફિલ્મો રિલીઝ થવાની છે. વર્ષના પહેલા ભાગમાં શાહરૂખ ખાનની પઠાણ રિલીઝ થવાની છે તો બીજા ભાગની શરૂઆતમાં એટલે કે બીજી જૂને શાહરૂખ ખાન અભિનિત જવાન નામની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. તામિળ ફિલ્મોના જાણીતા દિગ્દર્શક એટલી આ ફિલ્મ દ્વારા પહેલી વાર બોલીવૂડમાં પદાર્પણ કરી રહ્યા છે. આ ફિલ્મની ખાસિયત એ છે કે આ એક્શન થ્રીલર ફિલ્મમાં શાહરૂખ ખાન ડબલ રોલમાં જોવા મળવાનો છે. શાહરૂખ ખાનના ટીકાકારો કહે છે કે હવે તે એકલો પણ ફિલ્મમાં સહન નથી થતો તો ડબલ રોલમાં તો કઈ રીતે સહન થશે? જ્યારે શાહરૂખ ખાનના ચાહકો તેને ડબલ રોલમાં જોવા માટે અત્યારથી જ ઉત્સુક છે.
ઓમ રાઉતની આદિપુરુષ ફિલ્મના ટીઝરે જ વિવાદનો મધપૂડો છંછેડી દીધો છે અને આ જ કારણસર ફિલ્મની રિલીઝને પાંચ મહિના પાછી ઠેલવામાં આવી છે. હવે ૧૬મી જૂને રિલીઝ થનારી આ ફિલ્મમાં સૈફ અલી ખાન અભિનિત રાવણ પાત્ર માટે વિવાદ થયો હતો. આશા છે કે લોકલાગણીને દુભવતી આ બાબતો અંગે ફિલ્મ સર્જકો કંઈક નિર્ણય લેશે.
ફૂકરે અને ફૂકરે રિટર્ન્સ હિટ્ થયા બાદ હવે ફૂકરે ૩ આ વર્ષના મધ્ય ભાગમાં રિલીઝ થવાની છે. અગાઉની બે ફૂકરે કરતા આ વધુ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠીના પાત્રને આ ફિલ્મમાં વધુ મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે તે હવે પોતે જ એક સ્ટાર બની ગયો છે.
સત્યપ્રેમ કી કથામાં ભુલભુલૈયા ૨ની જોડી કાર્તિક આર્યન અને કિયારા અડવાની છે. આ ફિલ્મનું પહેલાં નામકરણ સત્યનારાયણની કથા એવું પાડવામાં આવ્યું હતું પણ એને કારણે વિવાદ થઈ શકે એવું લાગતા કદાચ ફિલ્મનું નામ બદલી નાખવામાં આવ્યું છે.
જો કોવિડ-૧૯ ન આવ્યું હોત તો ડ્રીમ ગર્લની સિક્વલ ડ્રીમ ગર્લ -૨ ક્યારનીય રિલીઝ થઈ ગઈ હોત પણ હવે એ સાતમી જુલાઈએ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અનન્યા પાંડે અને આયુષ્યમાન જોવા મળશે.
કરણ જોહરની યોદ્ધા જુલાઈ મહિનામાં થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. સાગર અંબરે પુષ્કર ઓજા દ્વારા દિગ્દર્શિત આ એક્શન થ્રીલરમાં સિદ્ધાર્થ મલહોત્રા સિવાય કોઈ બહુ જાણીતા નામ નથી.
ગેન્ગસ્ટર ડ્રામા એનિમલ નામની ફિલ્મમાં રણબીર કપૂર, રશ્મિકા મંદાના, પરિણીતી ચોપરા અને અનિલ કપૂર જોવાં મળવાનાં છે. ઓગસ્ટના ત્રીજા અઠવાડિયામાં રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ પણ તેલુગુની રીમેક છે
કેજીએફ ચેપ્ટર ૨ અને કંતારા જેવી બે બ્લોકબસ્ટર આપ્યા પછી હિન્દીમાં ડબ કરેલી સલાર આવી રહી છે ત્યારે બોલીવૂડ ફફડી ઊઠ્યું છે. સાઉથની ફિલ્મો સુપરહીટ બની રહી છે અને બોલીવૂડના સ્ટાર્સની ફિલ્મોનો ધબડકો થઈ રહ્યો છે ત્યારે સલાર પણ એવી જ સુપરડુપર હીટ બનશે કે કેમ એ જોવું રહ્યું. સલારમાં પ્રભાસ, પૃથ્વીરાજ સુકુમારન, શ્રુતિ હસન અને મીનાક્ષી ચૌધરી છે. આ ફિલ્મ પ્રશાંથ નીલે લખી અને ડાયરેક્ટ કરી છે.
ટાઈગર સિરીઝની ટાઇગર ૩ પણ આ વર્ષમાં દિવાળીએ રિલીઝ થવાની છે. એક થા ટાઇગર અને ટાઈગર જિંદા હૈ પછીની આ ત્રીજી ટાઈગર ફિલ્મમાં આ વખતે સલમાન ખાન અને કટરિના કૈફ સાથે ઈમરાન હાશ્મી પણ છે. પહેલી ફિલ્મ કબીર ખાન, બીજી અલી અબ્બાસ ઝફર અને હવે આ ટાઇગર ૩ મનીષ શર્મા ડાયરેક્ટ કરશે.
શાહીદ અને કીર્તિ સનોનની ફિલ્મ પણ ૨૦૨૩માં રીલિઝ થવા જનાર છે. જો કે ફિલ્મની ફોઈએ હજુ એનું નામકરણ કર્યું નથી. ૨૦૨૩માં શાહીદ કપૂરની આ એક માત્ર ફિલ્મ હશે જેનું નિર્માણ મેડડોક ફિલ્મસ દ્વારા કરવામાં આવ્યું છે. આ રોમેન્ટિક કોમેડીના દિગ્દર્શક અમિત જોશી છે.
પુષ્પા ફિલ્મે અલ્લુ અર્જુનને હિન્દી બોલતા રાજ્યોમાં પણ સ્ટાર બનાવી દીધો છે. હવે એની સિક્વલ આવી રહી છે – પુષ્પા- ધ રૂલ પાર્ટ ટુ. આ ફિલ્મ પણ ડબ કરવામાં આવેલી છે. ૧૭ ડિસેમ્બરે રીલિઝ થવા જનારી આ મૂળ તેલુગુ અને હિન્દીમાં ડબ થયેલી ફિલ્મ પણ સુપરહીટ જશે એવું બોલીવૂડના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
ડુંકી નામની ફિલ્મમાં રાજકુમાર હિરાણી પહેલી વાર શાહરૂખ ખાનને ડાયરેક્ટ કરી રહ્યા છે. આ વર્ષના અંતમાં રિલીઝ થનારી આ ફિલ્મનું નામ વિચિત્ર લાગે એવું છે પણ આનો અર્થ ડોન્કી એટલે કે ગધેડો છે. કેટલાક લોકો ડોન્કીને બદલે ડુંકી બોલે છે એટલે આ ફિલ્મનું નામ આવું રાખવામાં આવ્યું છે એવી સ્પષ્ટતા શાહરૂખ ખાને કરી હતી. લાંબા સમય પછી રાજકુમાર હિરાણીની ફિલ્મ આવી રહી છે પણ આ વર્ષમાં રિલીઝ થનારી શાહરૂખ ખાનની આ ત્રીજી ફિલ્મ હશે.
બડે મિયાં છોટે મિંયા અલી અબ્બાસ ઝફરની અમિતાભ-ગોવિંદા અભિનિત ફિલ્મની રીમેઇક છે. ઓક્ટોબર ૧૯૯૮માં રીલિઝ થયેલી એ ફિલ્મ ડેવિડ ધવને ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મની રીમેકમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ છે. આ ફિલ્મ આમ તો ડુંકી રિલીઝ થવાના અઠવાડિયામાં જ આવવાની હતી પણ હવે કદાચ એની રિલીઝની તારીખ
બદલાઈ એવી સંભાવના છે.
૧૯૭૧ના ભારત-પાક યુદ્ધના હીરો સામ માણેકશાહના જીવન પર આધારિત ફિલ્મ સામ બહાદુરની પણ દર્શકો પ્રતીક્ષા કરી રહ્યા છે. આ ફિલ્મમાં સામ માણેકશાની ભૂમિકામાં વીકી કૌશલ છે.
પશ્ર્ચિમ બંગાળના જશવંત સિંઘ ગિલ જેમણે કોલસાની ખાણમાં પૂર ધસી આવ્યા ત્યારે ત્યાં અટકાયેલા લોકોને બચાવ્યા હતા તેમના જીવન પર આધારિત બાયોપિક કેપ્સ્યુલ ગીલના દિગ્દર્શક ટીનુ સુરેશ દેસાઈ છે અને જશવંત સિંઘની ભૂમિકામાં અક્ષય કુમાર.
મેરી ક્રિસમસ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસની અગાઉ જ રિલીઝ થવાની છે. આ ફિલ્મ શ્રીરામ રાઘવન દ્વારા ડાયરેક્ટ થઈ છે. આ ફિલ્મમાં વિજય સેથુપથી, કટરિના કૈફ અને વિનય પાઠક અભિનય કરી રહ્યા છે.
ઓએમજી ટુ એ ૨૦૧૨માં આવેલી ઓહ માય ગોડની સિક્વલ છે. આ ફિલ્મના દિગ્દર્શક અમિત રાય છે. અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ આમાં એક્ટિંગ કરી રહ્યા છે.
આ સિવાય પણ ૨૦૨૩માં ઘણી નાની-મોટી ફિલ્મો રિલીઝ થવાની છે. એમાંની પણ કોઈક ફિલ્મ સુપરડુપર હીટ રહી શકે છે. દર્શકો કોને પસંદ કરશે અને કોને નાપસંદ કરશે એ કોઈ દાવાપૂર્વક કહી શકે એમ નથી.