Homeઉત્સવપાર્ટી હો કે જમણવાર: શિયાળામાં સંબંધો સાચવવાનું મેનુ!

પાર્ટી હો કે જમણવાર: શિયાળામાં સંબંધો સાચવવાનું મેનુ!

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: ભૂખ ને સુખની કોઇ સીમા નથી(છેલવાણી)
‘જમવા હાલો’-એ ગુજરાતી ભાષાના સૌથી મીઠડા શબ્દો છે.
‘તમે જમ્યા?’- જેવા બે શબ્દો જ્યારે સ્ત્રીના કર્ણમંજૂલ સ્વરે સંભળાય છે ત્યારે બે જ મિનિટમાં ભલભલા પુરૂષો, પેટના માર્ગે દિલ દઇ બેસે છે. ‘જમવું’ માત્ર શારીરિક પ્રવૃત્તિ નથી પણ સામાજિક પ્રવૃત્તિ છે કારણ કે મનુષ્ય, સામાજિક પ્રાણી છે. બીજાં પ્રાણીઓની જેમ એકલાં એકલાં ઘાસ વાગોળીને કે બીજાનાં શિકાર પર તરાપ મારીને ખાવામાં મનુષ્યને મજા નથી આવતી.આપણે કાળા માથાનાં કે ડાઇ કરેલા માથાના કે પછી ટકલા માથાના માનવીઓ, સમાજમાં સાથે મળીને ખાઇએ-પીએ છીએં. જોકે આજના ડહોળાયેલા પોલોટીકલ વાતાવરણમાં આપણાં ડિનર ટેબલ પર પણ રાજકારણ ઊતરી આવ્યું છે. કોણ જાણે ક્યારે થાળીઓ ઉછળે ને વરસોની દોસ્તી કપાઇ જાય! એ તો ઠીક છે પણ સ્વાદિષ્ટ જમવાનું અધૂરૂં રહી જાય એ ચિંતાજનક બાબત છે.
એકવાર ફિલ્મકાર મહેશ ભટ્ટ્ સાથે અમારે જમવાનું થયેલું ત્યારે એક મહેમાને જમતાં જમતાં કોઇ હલકી વાત કરી. ત્યારે ભટ્ટસાહેબે ભાણાં પરથી ઊભા થઇને કહ્યું: ‘આઇ વીલ નોટ ઇટ બ્રેડ વીથ યુ બિકોઝ યુ આર નોટ વેલ બ્રેડ!’ અહિં ‘બ્રેડ’ શબ્દના બે અર્થ છે. ‘તું વેલ બ્રેડ નથી’ એટલે કે તારામાં સંસ્કાર નથી (બ્રેડ-એટલે બ્રીડિંગ પરથી ‘ઉછેર’) માટે હું તારી સાથે ‘બ્રેડ’ (રોટી) નહીં જમું!
દરેક સંસ્કૃતિમાં સહ-ભોજનનો મહિમા છે. પઠાણો કોઇના ઘરે જમે તો ‘નમક ખાયા હૈ’ કહીને જીવનભર વફાદાર રહે. સલમાન ખાને એમના એક સમયના શત્રુ સુભાષ ઘઇને ત્યાં ડિનર લીધું ત્યારે ફિલ્મ લાઇનમાં સૌને ખાતરી થઇ કે હવે સલમાન, સુભાષની ફિલ્મોમાં ચોક્કસ કામ કરશે અને એમ જ થયું. એટલે કે જેને ત્યાં કે જેની સાથે એકવાર રોટી ખાધી એની સાથે એક જાતનું બોંડિંગ!
જેમ ગાંધીજીનો જન્મ અહિંસાના આદર્શ માટે થયેલો, ઇશુનો અવતાર પ્રેમ-કરૂણાનાં સંદેશને ફેલાવવા માટે થયેલો એમ અમુક લોકોનું આ ધરતી પર અવતરવાનું કારણ જ પોતે જમવા માટે કે કોઇકને જમાડવા માટેનું હોય છે. એવા લોકો સતત પાર્ટી કે જમણવાર યોજનામાં વ્યસ્ત હોય છે. હજુ અત્યારનું જમવાનું ગળે ઊતર્યું ના ત્યાં તો ‘આવતા અઠવાડિયે આપણે બધાંએ મળવું જરૂરી છે’ એવું એ સામેનાનાં ગળે ઉતારવા માંડે.
આપણને સાદીસીધી બિઝનેસ મીટિંગોમાં પણ આપણને એક ‘ફોકલ પોઇન્ટ’ની જરૂર પડે છે, એ કેંદ્ર બિંદુ-એટલે જમવું! આમ તો ઝાડની આસપાસ ફરતાં ફરતાં પણ મીટિંગ કરી શકીએ પણ એમાં એક પ્રોબ્લેમ છે કે તમને સમજાશે નહીં કે કયારે મીટિંગ પતાવવી? માટે ખોરાકની જરૂર પડે છે.
જમવાનું પતે કે તરત વાત આટોપીને મીટિંગ પતાવી શકાય. વળી મીટિંગમાં મુંઝાઇને વાત ના સૂઝે તો ‘અહિંયાનો સંભાર તો ઇડલી કરતાં પણ બેટર, હોં’ જેવી બેમતલબની વાત કરીને બચી શકાય. બગીચામાં મીટિંગની ખામોશી તોડવા શું એમ કહેશો કે- ‘પેલાં સામસામા ઝાડ, દૂરનાં કઝીન લાગે છેને? અથવા બહુ બહુ તો તમે કુદરત એટલે કે ફૂલ-પતંગિયા-ઝાકળ વિશે વાતો કરી શકો પણ એ માટે તમારે કવિ કે ચિંતક બનવું પડે, જે બહુ જોખમી છે.
શિયાળાની આ ખુશનુમા કે ‘ભૂખ-નુમા’ મોસમમાં એટલા બધાં ડિનર કે લંચ જવાનું થતું હોય છે કે આખું અઠવાડિયું ડિનર-લંચ માટે બૂક થઇ ગયું હોય. એવામાં કોઇને તમે કહો કે ‘ડિનર તો નહીં પણ સાંજે પાંચ વાગે બિયર પીવા મળીએ? તો સામેનો માણસ તમને બેવડો માની બેસશે! અથવા તમે પૂછો કે ‘ચાર વાગે ચણા ખાવા મળીશું?’ તો સામેનો તમને કડકો સમજશે અથવા પછી એમ પૂછીએ કે ડિનર-લંચ રહેવા દો પણ મોર્નિંગ-વોક બાદ ગાર્ડનમાં લીમડાનો જયૂસ પીવા મળીએ?’ તો કેવું લાગે?
ઇન્ટરવલ:
દુનિયા કિતની છોટી હૈ
સબકા મસલા રોટી હૈ (સંજય છેલ)
માણસનું ભક્તિમાં મન પરોવાઇ શકે એટલે ઇશ્ર્વરની મૂર્તિ બનાવવામાં આવી પણ લોકો, સાચુકલા ઇશ્ર્વરને ભૂલી જઇને બીજી બધી પ્રવૃત્તિમાં જ અટવાઇ ગયા છે. ખાવા-પીવાની પાર્ટીઓનું પણ એવું જ છે એકબીજાને મળવા હળવા, નાત-જાતમાં જમણવાર યોજાવાનાં શરૂ થયાં પણ કાળક્રમે માત્ર જમવાનું જ અગત્યનું બની ગયું. જો જ્ઞાતિના સમૂહ ભોજનમાં એમ ખબર પડે કે જમવામાં ખાલી લાડુ-ગાંઠિયા જ છે ત્યારે ‘યાર, બેક્કાર મેનુ છે. વળી એના એ કાકા-મામા-ફોઇને પાછાં મળીને શું કરશું?’ આવું કહીને ‘સંસારમાં લોહીનાં સંબંધો કેટલાં વ્યર્થ છે’ એને સાબિત કરી દે, પરંતુ જો જમણવારમાં ડ્રાયફૂટ રબડી, ચાર જાતનાં ફરસાણ વગેરે હોય તો એ જ લોકો તરત કહેશે, ‘ચાલો, એ બ્હાને સગાં-વ્હાલાંઓને મળી પણ લેવાશે… આમે ય આજકાલ પોતીકાઓને મળાતું નથી… આવી લાઇફનો અર્થ શું છે? એટલે કે જેવું જમણવારનું મેનુ બદલાય છે કે આપણી લાઇફ તરફ જોવાની દૃષ્ટિ બદલાઇ જાય છે.’ જીવનમાં સંબંધોથી વિશેષ ‘લાઇફ’માં શું છે?’ એવાં આત્મજ્ઞાન પાછળ ‘ડ્રાયફ્રૂટ રબડી’ કે ‘ત્રણ જાતનાં ફરસાણ’ કામ કરી જાય છે!
જેમ ઘણા વિદ્વાનો ‘કળા ખાતર કળા’ની થિયરીમાં માને છે એમ અમુક લોકો ‘મેનુ’ નક્કી કરવા માટે પણ જમવાનું રાખે! એ લોકો જમતાં જમતાં જ નક્કી કરે કે આવનારા જમણવારમાં શું આઇટેમો હશે! ટૂંકમાં, આપણે સૌ કારણો શોધીએ છીએ ખાવા-પીવા માટે. મોટાં મોટાં લગ્નોમાં ઘણા મોટા નેતાઓ અને ઉદ્યોગપતિઓ મોટા મોટા સોદા કરે છે.
આવી પાર્ટીઓમાં ‘કોનું પત્તું કાપી નાખવું’ કે ‘કોની કંપની બંધ કે શરૂ કરાવવી’ એની ચર્ચા થતી હોય છે. અમુક મળવા માટે જમતાં હોય છે તો કોઇક જમવા માટે મળતાં હોય છે.
જગતમાં અલગ-અલગ પ્રકારનાં લોકો જોવાં મળે છે: એક, જેને ખાવાપીવામાં સખત રસ છે અને
બીજાં કે જેને માત્ર કૉફી વગેરે પીને કામ માટે મળવામાં રસ હોય છે. અહીં સાચો પ્રેમ અને માત્ર વાસના એવો ઊંડો ભેદ છે! જો કે પહેલા પ્રકારના લોકો સમાજમાં વધારે છે. લગ્નમાં માત્ર ૧૦૦ રૂ.નો ચાંદલો આપીને ઘરનાં પાંચેય જણ પેટ ભરીને જમી લે ને પછી ‘વરિયાળી તો હાવ કાચી હતી’ જેવી કમેંટ આપીને કોઇનેય મળ્યાં વિના ત્યાંથી નીકળી જાય. આઇ થિંક, આ એક સિરિયસ સોશ્યલ ઇશ્યુ છે. હવે એવી પાર્ટીઓ કે જમણવારો થવા જોઇએ જેમાં માત્ર ખાવા-પીવાનું અને ચૂપચાપ જતા રહેવાનું. “ખાવાપીવાનાં બ્હાને મળવાનું બ્હાનું હવે આપણે માનવતાના મેનુમાંથી કાઢી નાખીએ તો સહુને ખાલી જમવાનું ઝાપટવામાં વધારે મજા આવશે.
બાય ધ વે, ૨ દિવસ પછી વેલેંન્ટાઇન -ડે છે, કોની સાથે લંચ કે ડિનર છે?
એંડ ટાઇટલ્સ:
ઇવ: તું કેટલું ખાય છે?
આદમ: બધું શરીર માટે કરવું પડે છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -