ગુજરાતનો જલિયાંવાલા કાંડ- પ્રફુલ શાહ
(પ્રકરણ-૧૧)
મોતીલાલ તેજાવત અને તેમના સાથીઓનું દરેક ગામમાં ઉમળકાભર્યું સ્વાગત થતું ગયું. તેજાવતે પોતાના સાથીઓના બુદ્ધિ-ચાતુર્ય અને નિર્ણય-શક્તિના વખાણ પોતાની ડાયરીમાં નોંધ્યા છે. આમાં ગેન્દાજી બ્રાહ્મણ, ગોગલાવામા, લચ્છીરામ પાનેરી અને દલ્લા ગુજરનો ઉલ્લેખ છે. ગામેગામ સભા, ચર્ચા અને ગરીબોના મન જીતીને એમાં આશા રોપવા વચ્ચે મોતીલાલ તેજાવતે ‘મેવાડ પુકાર’ નામનું પુસ્તક લખ્યું હતું, જેમાં અત્યાચાર-ભ્રષ્ટાચારનું વર્ણન કિસ્સા-દાખલા સાથે કર્યા હતા. આ પુસ્તકને કેન્દ્રમાં રાખીને ખેડૂતોની ૨૧ માગણીઓની યાદી બનાવી હતી. જે મેવાડના મહારાણાને સુપરત કરવાની હતી.
સ્વાભાવિક છે કે મેવાડના મહારાણાને મળવા માટે મોટું ટોળું ન જઇ શકે. આથી બે વ્યક્તિ જ જઇને માંગણીપત્ર આપે એવું નક્કી થયું. આમાં પહેલી પસંદગી મોતીલાલ તેજાવતની થઇ, એ કહેવાની જરૂર ન હોય.
તેજાવત અને એમના સાથીઓ નહોતા ખંધા રાજકારણી કે ખાઇ બહેલા અમલદારો કે ભ્રષ્ટ જાગીરદારો. એમને પોતાની વેદના, લાગણી વ્યક્ત કરવી હતી ને યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડવી હતી. ઉદ્દેશ ઉમદા હતો પણ એમાં ઘણાંને ગરાસ લૂંટાઇ જવાની ભીતિ હતી. વરસોથી જે મફતમાં મળતું હોય, આંચકી લેવાને બાપીકો હક સમજી બેઠા હોય અને પોેતે બહુ જોરૂકા હોવાના ભ્રમમાં રાચતા હોય એ લોકોથી ‘એકી’ આંદોલન કેમને સહન થાય?
એ સમયે ઉદયપુરમાં આદિવાસી પ્રજાની બહુમતી હતી. આમાંય સૌથી વધુ ભીલ અને સૌથી વધુ પીડિત પણ એ લોકો જ. કારણ એ કે એમની પાસે ખેતી લાયક જમીન બહુ ઓછી. એમાંય પાછી પર્વતીય જમીન. છોગામાં કોઇ સુવિધા નહીં. એટલે પેટિયું રળવા જંગલમાંથી ઘાસ, લાકડાં અને સામે અન્ય વન્ય ઉત્પાદનો પર નિર્ભર. જો એકાદ રડ્યું પડ્યું વરસ સપ્રમાણ વરસાદને લીધે સારું જાય તો વચેટિયા ભૂખ્યા ડાંસની જેમ અનેક ગણી ઉધારી વસૂલ કરવા પહોંચી જાય. એટલે જ ઉદયપુરમાં સૌથી નીચલા સ્તરનું જીવન ધોરણ ધરાવતા ભોમટ ક્ષેત્રના આદિવાસીઓ સુધી તેજાવત પહોંચ્યા હતા અને ‘એકી’ આંદોલનમાં એમને જીવનની અને પેટની આગ ઠારવાથી આશા દેખાઇ હતી.
આ લોકોની અંદર ઝબુકતી વિદ્રોહના ચમકારાને ‘એકી’ આંદોલનથી હવા મળી હતી. પરંતુ તેજાવતને જરાય ઉતાવળ નહોતી. તેઓ શાંતિ અને અહિંસા થકી સફળતા ઇચ્છતા હતા. તેઓ મહાત્મા ગાંધીની નીતિ અને વિચારોથી અત્યંત પ્રભાવિત થયેલા હતા. એટલે તેજાવત સાધન અને સાધ્યની શુદ્ધિના આગ્રહી હતા.
‘એકી’ આંદોલનનાં માર્ગ અને મંઝિલ નક્કી થઇ ગયા. એ દિશામાં આગેકૂચ માટે એકતા અને સંઘબળ સુદ્ધાં મળી ગયા. નિર્ધારિત દિવસ પણ હાથવગો હતો. પરંતુ સૌની ધારણાથી વિપરીત ઘણાં અવરોધ વિઘ્નો આવવાના હતા.
ઉદયપુર પહોંચીને મહારાણાને આવેદનપત્ર આપવા આડે ખૂબ ઓછો સમય હતો. કેશર ખેડીથી નીકળીને કપાસન રેલવે સ્ટેશનથી ટ્રેન પકડીને ઉતર્યા ખેમલી સ્ટેશન પર. ત્યાંથી ધાસા ગામ ગયા. ધાસાના આગેવાનોને જણાવ્યું કે પાંડોલીમાં ભોમટના પંચો અને ખાલસાના પંચો ‘એકી’ આંદોલનમાં સહભાગી થયા છે. આ સાંભળીને ધાસાના મોનજી પટેલે સરસ ઉપયોગી સૂચન કર્યું કે માકતલા ગામમાં ‘ખલિહાનો કા ભોજ’ એટલે ખેડૂતોના ભોજન સમારંભનું આયોજન થયું છે. આ સમારંભમાં આવવા માટે તેજાવત અને સાથીઓને આમંત્રણ અપાયું. ત્યાં જ આગળનો નિર્ણય લેવાની પણ ખાતરી અપાઇ.
લગભગ પાંચેક હજાર ખેડૂતોની મેદની ભેગી થઇ હતી. માકતલા ગામમાં પ્રભુ મહાદેવના મંદિર નજીકના ઓટલા પાસે રાતે બેઠક શરૂ થઇ. જે મોડી રાત સુધી ચાલી. તેજાવત કાયમ ભીડ જમા થયા પછી સંબોધન કરે. એમના દરેક સંભાષણના મુદ્દા લગભગ સરખા જ હોય! મેવાડ રાજ્ય અને એમના ખાંધિયાના અન્યાય- અત્યાચારની વિગતવાર માંગણી, અન્યાયનો ન્યાયથી અને અસત્યનો સત્યથી સામનો કરવાની જરૂરિયાત, આ લડાઇમાં તન, મન અને ધનની કટિબદ્ધતાની અનિવાર્યતા, એકતા પૂર્વશરત અને ભેદભાવ-કૂટનીતિથી બચવાની જરૂરિયાત સહિતના મુદ્દાને તે વળગી રહેવાથી ‘એકી’ આંદોલનની જીત નિશ્ર્ચિત હોવાની ખાતરી ઉચ્ચારતા હતા.
માકતલા ગામની રાતભર ચાલેલી સભા બાદ સૌ ‘એકી’ આંદોલનમાં રાજીખુશીથી સામેલ થઇ ગયા. આટલું જ નહીં, સૌએ ભગવાનના સમ ખાઇને લેખિતમાં આંદોલન સાથે રહેવાની બાંહેધરીય આપી. ગિરવા જિલ્લાના બધા ગામના પંચોને સૂચના અપાઇ કે પોતપોતાની ફરિયાદોની સુચિ સાથે અષાઢ સુદ નોમના રોજ ઉદયપુર આવી જવું. અહીં સ્પષ્ટ શબ્દોમાં કહી દેવાયું કે જે ગામના પંચ ઉદયપુર નહીં પહોંચે ‘એકી’ આંદોલનના વિરોધી ગણાશે.
‘એકી’ આંદોલન એકદમ જોશમાં હતું. મોતીલાલ તેજાવત આણિ મંડળી અને આદિવાસી પ્રજાના મનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની આશાના દીવાની વાટ વધુને વધુ પ્રજ્વલિત થતી જતી હતી. પણ આવતી કાલની ક્યાં કોઇને ખબર હતી. (ક્રમશ:)