Homeએકસ્ટ્રા અફેરઆસારામની દલાલી કરનારા ક્યાં ગયા?

આસારામની દલાલી કરનારા ક્યાં ગયા?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

એક જમાનામાં જેમને હાથ અડાડતાં પણ પોલીસ ફફડતી એ આસારામને બળાત્કારના બીજા કેસમાં પણ કોર્ટે જન્મટીપની સજા ફટકારી દીધી. આસારામને જોધપુરમાં ૧૬ વર્ષની છોકરી પર બળાત્કારના કેસમાં પહેલાં જ આજીવન કારાવાસની સજા થયેલી છે. જોધપુર બળાત્કાર કાંડ બાદ હવે ગાંધીનગર કોર્ટમાં ચાલતા બળાત્કારના કેસમાં પણ કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારતાં આસારામ માટે જેલની બહાર આવવાની બધી શક્યતાઓ પૂરી થઈ ગઈ છે. કોઈ ચમત્કાર ના થાય તો આસારામની બાકીની જીંદગી જેલમાં જ જશે એ પણ નક્કી થઈ ગયું છે.
આસારામને જન્મટીપ પડી એ કેસ સુરતની યુવતીનો છે. આસારામે ૧૯૯૭માં પહેલીવાર આ યુવતીને હવસનો શિકાર બનાવી હતી. ગુરુપૂર્ણિમાના દિવસે યુવતીને આસારામના ફાર્મહાઉસ શાંતિવાટિકા પર લઈ જવાઈ હતી. આસારામે તેને માથામાં માલિશ કરવાનું કહ્યું હતું. યુવતી માલિશ કરતી હતી ત્યારે આસારામે અડપલાં શરૂ કરીને અંતે બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત અકુદરતી શરીર સંબધો બાંધીને ધમકી આપી હતી.
આસારામ દ્વારા એ પછી યુવતીના શારીરિક શોષણનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. આ યુવતી પર ૧૯૯૭થી ૨૦૦૬ દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીની નાની બહેન પર આસારામના કપૂત નારાયણ સાઈએ બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં નારાયણને જન્મટીપ પડેલી જ છે. બાપ-દીકરાએ વરસો લગી બંને બહેનોનું શારીરિક શોષણ કર્યું હતું. માંડ માંડ બાપ-દીકરાની ચુંગાલમાંથી છૂટેલી બંને યુવતી આસારામ કે નારાયણ સાઈના ડરથી ફરિયાદ નોંધાવતાં પણ ડરતી હતી. જો કે જોધપુરની છોકરીએ હિંમત કરતાં બંને યુવતીઓમાં પણ હિંમત આવી ને ૨૦૧૩માં આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો ને તેમાં અંતે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં આસારામના પત્ની લીલા અને પુત્રી ભારતી સહિત કુલ ૬ સહઆરોપી હતા. તેમણે છોકરીના શારિરીક શોષણમાં સક્રિય ભૂમિકા ભજવી હોવાનો આરોપ મૂકાયો હતો. એક આરોપી અખિલને પ્રોસિક્યુશને સાક્ષી બનાવ્યો હતો ને તેણે જ આસારામને બરાબરનો બૂચ મારી દીધો છે. કોર્ટે બાકીના આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા છે પણ આસારામને છોડ્યો નથી.
આસારામને જોધપુરના બળાત્કારના કેસમાં સજા થઈ તેમાં ૧૬ વર્ષની છોકરી અને તેના પરિવારે બતાવેલી અભૂતપૂર્વ હિંમત કામ કરી ગઈ હતી. આ કેસમાં પણ સુરતની બંને બહેનો મર્દાની સાબિત થઈ છે. જોધપુર અને ગાંધીનગરના કેસમાં સાથીઓની હત્યા અને હુમલાના સિલસિલા છતાં બંને બહેનો અડગ રહી છે.
સુરતની બંને બહેનોએ આસારામ સામે ફરિયાદ નોંધાવી પછી તેમને કનડવામાં આસારામે કોઈ કસર નહોતી છોડી. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ આસારામ પર બળાત્કારનો આરોપ મૂકનારી સુરતની યુવતીના પતિ પર સુરતમાં જીવલેણ હુમલો થયો હતો.
આ ઘટનાના ૧૫ દિવસ પછી રાકેશ પટેલ નામના આસારામના વીડિયોગ્રાફર અને કેસના સાક્ષી પર પણ હુમલો થયો હતો. થોડા દિવસ પછી ત્રીજા સાક્ષી દિનેશ ભગનાણી પર સુરતમાં એસિડ ફેંકવામાં આવ્યો હતો. એક મહિનામાં જ ચોથો મોટો હુમલો કરીને ૨૩ માર્ચ ૨૦૧૪ના રોજ બીજા એક સાક્ષી અમૃત પ્રજાપતિને મોતને ઘાટ ઉતારી દેવાયેલા. આસારામના અંગત મદદનીશ તરીકે કામ કરી ચૂકેલા અમૃત પ્રજાપતિને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગળામાં ગોળી મારીને ઠાર મરાયા હતા.
અમૃત પ્રજાપતિની હત્યાના નવ મહિના પછી જાન્યુઆરી ૨૦૧૫માં વધુ એક સાક્ષી અખિલ ગુપ્તાની યુપીમા મુઝ્ઝફરનગરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. એ પછી આસારામના અંગત મદદનીશ રહી ચૂકેલા રાહુલ સચાન પર જોધપુર કોર્ટમાં જુબાની આપવા આવ્યા ત્યારે જ જીવલેણ હુમલો થયો હતો. સચાન બચી ગયેલા પણ નવ મહિના ગુમ થઈ ગયા. તેમનો આજ દિન સુધી પત્તો લાગ્યો નથી. એ પછી ૨૦૧૫ના મે મહિનામાં મહેન્દ્ર ચાવલા પર પાણીપતમાં હુમલો થયો હતો. સાક્ષીઓ પરનો તે આઠમો હુમલો હતો. એ પછી જોધપુરમાં એક સાક્ષી કૃપાલ સિંહની હત્યા કરી દેવાઈ હતી.
આ ઘટનાઓ જોયા પછી કોઈ પણ ડગી જાય પણ સુરતની બંને દીકરીઓ મક્કમ રહી. તેમણે કોઈ પણ ભોગે આસારામને સજા કરાવવાનું નક્કી કર્યું ને તેનું પરિણામ સામે છે.
આસારામ સામે ગાંધીનગરનો કેસ તો પછી નોંધાયો પણ પહેલો કેસ જોધપુરમાં નોંધાયેલો. ૧૬ વર્ષની એક છોકરી પર બળાત્કારનો કેસ નોંધાયો ત્યારે કહેવાતા હિંદુવાદીઓ તેમની દલાલી કરવા કૂદી પડેલા. લંપટ આસારામને એક હિન્દુ છોકરીની ઈજજત પર હાથ નાખવા બદલ પોલીસે જેલમાં ધકેલ્યો તેમાં તો હિન્દુત્વ પર ખતરો છે તેવી કાગારોળ હિન્દુવાદી સંગઠનોના નેતાઓએ મચાવી દીધેલો. પ્રવિણ તોગડિયા એ વખતે વિશ્ર્વ હિંદુ પરિષદમા હતા ને ઉમા ભારતી કેન્દ્ર સરકારમાં મંત્રી હતાં. તોગડિયા અને ઉમા ભારતી આસારામનો બચાવ કરવામાં મોખરે હતાં.
આસારામે પોતાની પૌત્રીની ઉંમરની છોકરીને હવસનો શિકાર બનાવીને અક્ષમ્ય અપરાધ કરેલો, એક હિંદુ છોકરી પર બળાત્કાર ગુજારેલો ત્યારે એ હિંદુ છોકરીના પડખે ઊભા રહેવાને બદલે તોગડિયા ને ઉમા ભારતી જેવાં લોકો કહેતાં કે, આ તો હિંદુ સાધુ-સંતોને બદનામ કરવાનું કાવતરું છે. આસારામે કંઈ ખોટું કર્યું નથી ને તેમને ફસાવાઈ રહ્યા છે એવી વાતો હિંદુત્વના ઠેકેદારો તેમનો બચાવ કરવા મેદાનમાં આવી ગયેલા.
તોગડિયા ને ઉમાએ તો ત્યાં સુધી કહેલું કે, આસારામ તો ભગવાનનો માણસ છે પણ આ છોકરી જ ચારિત્ર્યહીન છે. એક ૧૬ વર્ષની હિંદુ છોકરી માટે સાવ હલકી કક્ષાની વાતો એ નમૂનાઓએ કરેલી. અન્યાય સામે લડનારી સોળ વરસની છોકરીને ચારિત્ર્યહીન ને આસારામ જેવો લંપટને સંત સાબિત કરવાના ઉધામા કહેવાતા હિંદુવાદીઓએ કરેલા.
ન્યાયતંત્રે આસારામને બળાત્કારના બીજા કેસમાં પણ દોષિત ઠેરવીને સજા ફટકારી ત્યારે આ હિંદુત્વના ઠેકેદારો ચૂપ છે. ખરેખર તો એ લોકોએ પોતાના સંબધો સાચવવા હિંદુત્વના નામનો દુરુપયોગ કર્યો એ બદલ આ દેશના હિંદુઓની માફી માંગવી જોઈએ. એક લંપટને સંતમાં ખપાવીને તેમણે હિંદુત્વનો દ્રોહ કરવાનું મહાપાપ કર્યું છે, હિંદુઓનો દ્રોહ કર્યો છે. એ માટે તેમણે માફી માંગવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -