પ્રાસંગિક -ડૉ. ઈશ્ર્વરલાલ ભરડા
સૌરાષ્ટ્રના સાગરકાંઠે પોરબંદર – માંગરોળ મધ્યે ઘેડના નાકા અને નાકું એવા માધવપુરમાં પૌરાણિક અને ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક દર વર્ષે ચૈત્ર સુદ ૯થી ૧૩ સુધી સોરઠી ઢબનો મેળો ભરાય છે. પાંચ દિવસ માધવપુર પંથકમાં વિવાહમય વાતાવરણ છવાઈ જાય છે. પ્રાકૃતિક સૌંદર્યથી વીંટળાયેલા પશ્ર્ચિમ સૌરાષ્ટ્રના સૌંદર્ય ધામો માંગરોળ અને ચોરવાડ જેટલું જાણીતું પ્રાચીન નગર માધવપુર (ઘેડ) છે.
સુવિખ્યાત ભજનિક સ્વ. મોહનલાલ રાયાણીએ ભજનમાં ગાયું છે કે “મારું રે મહિયરિયું માધવપુરમાં, મથુરાનગરમાં, વેલડું જોડે તો મળવા જાઈએ. શ્રી કૃષ્ણ રુક્મિણીના લગ્નની વાતને હજારો વર્ષ પછી હૈયામાં સંઘરીને બેઠેલું માધવપુર (ઘેડ) સૌરાષ્ટ્રના પોરબંદરથી અગ્નિ ખૂણામાં ૩૬ માઈલના અંતરે આવેલું ઐતિહાસિક નગર છે. અહીં યુગપુરુષ લોકજીવનના આરાધ્યદેવ અને સાડા ત્રણ હજાર વર્ષ પછીએ સૌના હૈયામાં ધબકતા રહેલા ભગવાન શ્રી કૃષ્ણ અરબી સમુદ્રના કાંઠે માધવરાયના રૂપે મંદિરમાં બિરાજે છે. સાગર રાણો અહર્નિશ એમના પગ પખાળે છે.
રાજ્યના મુખ્ય ત્રણ મેળા તરણેતર, શિવરાત્રી અને માધવપુરમાં માધવપુર મેળાનું મહત્ત્વ વધારે છે. ઘેડમાં મુખ્ય ત્રણ નદીઓ વહે છે તેમાં ભાદર, ઓઝત અને મધુવંતી આ ત્રણેયનું સંગમ સ્થાન માધવપુર છે. લોકહૃદયના હૈયે પણ ગવાય છે “ગંગા, યમુના, સરસ્વતી ગોમતીએ ગૌદાન, તેથી અધિક મધુવંતી, જ્યાં પરણ્યા શ્રી ભગવાન. આ મેળા અંગે “માધવપુરનો માંડવો, જાદવકુળની જાન, પરણેરાણી રુક્મિણી શ્રી માધવરાય ભગવાન. કહેવત પણ ખૂબ પ્રચલિત છે.
‘તીર્થ ભૂમિ ગુજરાત’ પુસ્તકમાં લેખક શ્રી રઘુવીર ચૌધરી નોંધે છે કે માધવપુર (ઘેડ) સૌરાષ્ટ્રના સાગર કાંઠે વૃંદાવન છે. માધવપુર ભારતીય ધર્મ સાધકનું સંગમ સ્થળ છે. સાધકોનો માળો અને ભક્તોનો મેળો માધવપુર છે. સ્કંદપુરાણના માધવપુરા – મહાત્મ્યમાં જે તીર્થોનો ઉલ્લેખ છે એમાંના કેટલાંક અદૃશ્ય થઈ ગયાં છે, છતાં બ્રહ્મકુંડ, ગદાવાવ, કર્દમકુંડ મેરાયા, વરાહકુંડ ચોબારી, કપીલ ડેરી અને સિદ્ધતીર્થ સંગમ નારાયણ આદિનાં વર્ણનો મુજબ અસ્તિત્વ છે.
સાગરકાંઠાની ઊંચાઈએ શ્રી માધવરાયજીનું મંદિર છે ત્યાંથી મધુવન ભણી જતાં શ્રી રામદેવજી મહારાજનું નૂતન મંદિર બંધાયું છે. મધુવનમાં મહાપ્રભુજીની બેઠક છે. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ રુક્મિણી વનમાં આવેલા કંદમકુંડ ઉપર શ્રીમદ્ ભાગવત્ પારાયણ તેમ જ વ્યાખ્યાન કર્યું હતું જ્યાં પરંપરાથી એમની ભારત વર્ષની ૮૪ બેઠકોમાંની ૬૬મી બેઠક અહીં સૂચવાઈ રહી છે. મહાપ્રભુજીની બેઠક નજીક રુક્મિણી શ્રી કૃષ્ણલગ્ન માટેની ચોરી છે માહયરું છે.
માધવપુર (ઘેડ) પુરાણ કાળથી જ ઉત્સવ મેળાઓની ઉલ્લાસ ભૂમિ છે. અહીં અનેક સામાજિક પ્રસંગોએ વિશાળ માનવમેદની ઊમટતી અને લોકોના હૈયા ઉત્સવ ઘેલા બને છે. આ ઉત્સવનો લોકમેળો એક બાજુ છે તો બીજી બાજુ રામાનુજ, જાદવ, રામાનંદ, જાદવ કબીર આદિની સ્મૃતિ જાળવી રાખવા સ્થળો છે. ગોરખનાથની ગુફા વિશે કહેવાય છે કે ત્યાં તેમણે તપશ્ર્ચર્યા-સાધના કરેલી બાજુમાં નીલકંઠ મહાદેવનું મંદિર છે. ભગવાન લકુલીશની શૈવ ઉપાસનાની વિશેષતા દર્શાવતું એક શિલ્પ સચવાઈ રહ્યું છે. આમ, રામાનુજ, જાદવ, વલ્લભથી માંડીને નાથ, કબીર અને સહજાનંદની પરંપરાના અનેક સંત ભક્તોથી ભૂમિનું સેવન થયું છે.
માધવપુરનો મેળો એટલે અગ્નિની સાક્ષીએ સુખ-દુ:ખમાં સાથે આજીવન જીવવાના બે આત્માઓને લગ્નના પવિત્ર સંબંધથી જોડતો જ્ઞાન, ભક્તિ, કર્મ અને ઉલ્લાસનો મહિમા દર્શાવતો મેળો એ માધવરાયના પરિણયનો મેળો છે. પોરબંદર જિલ્લામાં આવેલા સાગરતળે માધવરાયના સાનિધ્યમાં યોજાતો માધવરાયનો મેળો. આ મેળો દાયકાઓ સુધી ભાગ લેતા રહેલા પંડિત કે. કા. શાસ્ત્રીએ કહ્યું કે ઘેડની પ્રકૃતિ અને સંસ્કૃતિ બન્ને સમૃદ્ધ છે. મેળા વખતે અહીં ધરતી ગ્રામીણ યુવક-યુવતીઓનાં ભાતીગળ વસ્ત્રોમાંથી ઢંકાઈને વાસંતી બની જાય છે. સૌરાષ્ટ્રમાં દર્શનમાં આપણા ઈતિહાસવિદ્ શંભુભાઈ દેસાઈ માધવપુર (ઘેડ) વિશે કહે છે “નાખો એટલું નીપજે ને કરીએ તેટલી ખેડ, નહીં નીંદવું, નહીં ખોદવું ધબકે ગોરંભાતો ઘેડ, “છેલ ફરેને છેતરે કાદવ ભાંગ કેડ, ઘઉં ચણાને ગુંઘરી ધરી ભરી દે ઘેડ, “સકર કંદને સેલરાં બીજાં હરિના નામ પૂજ્યા હોય તો પામીએ શીલ સરીખાં ગામ.
માધવપુરના મેળામાં ભાટ, બારોટ ને ચારણ કવિઓ આવે રાતના લોકવાર્તા અને લોકગીતની રજૂઆત થાય. જુવાનિયાઓ સામસામા દુહાની રમઝટ બોલાવે “સાખ પડે બેડોને શેરડી કાંઠા ઘઉં કટક રેંટ ખટુકે વાડીએ ભોંય ધરા સરઠ “વસતી જ્યાં બહુ મહેરની, નારી પાતળ પેટ ઘી પથ્થર, વખાણવામાં ભોંય બરડો બેટ, “માથે ભલો માળવો ઉનાળે ગુજરાત ચોમાસે સોરઠ ભલો બરડો બારેમાસ.
ભૂતકાળમાં માધવપુર મેળાની કીર્તિ સાંભળીને પ્રખર લોક સાહિત્યકાર અને રાષ્ટ્રીય શાયર મેઘાણી, કાગ, મેરૂભા ગઢવી જેવા મહાનુભાવો આવી ગયા હતા. સ્વ. ઝવેરચંદ મેઘાણીએ સાચું જ કહ્યું છે કે માધવપુરનો મેળો એટલે અસલી સોરઠી મેળો અહીં મેળામાં ભાતીગળ વસ્ત્રાલંકારો પહેરીને મેળામાં ફરતી ગાતીને રાસડે રમતી મેરાણીઓ, રબારણો, કોળણ, આયરાણીઓ અને ખારવણો સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું સાચું દર્શન કરાવે છે.
આ ઘેડ પંથકના ભાતીગળ મેળામાં ભજનો ગાવામાં લોક સાહિત્યકારો પોતાનું સૌભાગ્ય માને છે. સૌરાષ્ટ્રમાંથી ભજનીકો, લોક કથાકારો, બારોટો, ચારણો, ગઢવીઓ, ગાયકો પોતાના સાજ સાજિંદા સાથે ભજનોની રમઝટ બોલાવે છે. જગતનાં દુ:ખો ભૂલી તમામ વર્ગના લોકો પાંચ દિવસ ચાલનારા આ મેળામાં આનંદ-ઉલ્લાસ, ભક્તિ, ભોજન અને પૂજામાં લીન થઈ જાય છે. આ મેળામાં કેટલીક સેવાભાવિ સંસ્થાઓ દ્વારા સતત પાંચ દિવસ સુધી ભાવિકોને ભોજનની વિનામૂલ્યે સગવડ આપવામાં આવે છે.
અહીં મેળામાં ભાતીગળ વસ્ત્રો, ખુલ્લા ચોરણામાં સફેદ પાઘડી પરિધાન કરી મૂછે વળ ચડાવી વાકલડી પાઘડી માથે વેંત એકનું છોગું ફરકાવતા જવાંમર્દ મહેર, કોળી, રબારી, આહીર જુવાનો અનોખી ભાત પાડતા જોવા મળે છે.
આ લોકમેળાનો પ્રારંભ ચૈત્ર સુદ નોમથી સુદ તેરસ સુધી સતત પાંચ દિવસ યોજાય છે. ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિન રામનવમીના પવિત્ર દિવસે મંડપારોપણ થાય છે. ભગવાન શ્રી માધવરાયજી ત્રિકમરાયજીના મંદિરેથી પહેલા ફૂલેકાનો પ્રારંભ રાત્રીના ૯ કલાકે થાય છે. ચૈત્ર સુદ દસમ તથા અગિયારસના દિવસે બીજું અને ત્રીજું ફૂલેકું નીકળે છે. ચૈત્ર સુદ બારસ વિવાહ ઉત્સવ તરીકે ઉજવાય છે, જેમાં માધવપુર (ઘેડ)ની
નજીકના કડછ ગામના કડછા મહેર ધર્મના ઝંડા સાથે શણગારેલા હાથી, ઊંટ અને ઘોડા પર સવાર થઈ રુક્મિણીનું મામેરું લઈને આવે છે ત્યારે જ ભરમેળો ગણાય છે.
મધુવનમાં આવેલ મહાપ્રભુજીની બેઠકના સાનિધ્યમાં રુક્મિણીના માવતર પક્ષની જગ્યા ‘રુક્મિણી મઠ’થી બપોરે ૧૨ કલાકે ભગવાન શ્રી કૃષ્ણનું સામૈયું કરવામાં આવે છે, ત્યાર બાદ સાંજના ચાર કલાકે નીજમંદિરેથી ભગવાન શ્રીકૃષ્ણ જાનનું પ્રયાણ થાય છે. શ્રીકૃષ્ણ વરરાજા બને છે. રૂપેણવનમાં જાનનું આગમન થાય છે, વેવાઈઓ દ્વારા જાનનું સ્વાગત થાય છે.
હિન્દુ સમાજમાં થતી લગ્નવિધિ મુજબ ક્ધયાદાન દેવાય છે. મંગળફેરા ફરે છે. શાસ્ત્રોક્તવિધિ અને વેદોચ્ચાર મંત્રો સાથે શ્રીકૃષ્ણ-રુક્મિણી સાથે અગ્નિની સાક્ષીએ લગ્ન ગ્રંથિથી જોડાય છે. લગ્નની ખુશાલીમાં કંસારનો પ્રસાદ વહેંચાય છે. લગ્નવિધિ પૂર્ણ થયા બાદ જાન આખી રાત રૂપેણવનમાં રોકાય છે. લગ્નગ્રંથિ પૂર્ણ થયા બાદ ચૈત્ર સુદ તેરસને દિવસે સવારે કરુણ વિદાઈ પ્રસંગ આવે છે. શ્રીકૃષ્ણ વાજતે ગાજતે પરણીને બપોરના ત્રણ કલાકે નીજ મંદિરમાં પધારે છે તે સાથે માધવપુરના મેળાની પૂર્ણાહુતિ થાય છે.
માધવપુરનો મેળો રામનવમીથી શરૂ થાય પણ અગિયારસની રાતે પુરબહાર ખીલે છે અને ભરમેળો કરે છે. વર્તમાન યુગમાં મોટર, મોટર સાઈકલો, બસો ટ્રેક્ટરો, ખટારાઓ જેવાં વાહનો આવ્યાં તે પહેલાં ખેતી કરનારી તમામ કોમના લોકો ગાડાં જોડીને સહકુટુંબ માધવપુરનો મેળો માણતો ને શ્રીકૃષ્ણને પરણાવવા દોઢસો-બસો ગાડાં જોડીને ત્રણ ત્રણ દિવસનાં ભાતાં પોતાના લઈને મેળામાં આવતાં ગામના પાદરથી લઈને સીમાડા સુધી રાવટીઓ નંખાતી જતી. જૂના કાળે મેળામાં મનોરંજન કરનારા વાદી ને મદારીઓ આવતા રાવણ હથાવાળા ય આવતા ગાડાની સાથે લોકો પોતાના પાણીદાર શણગારેલા અશ્ર્વો અને ઊંટો લઈને પણ મેળો માણવા ઊમટી પડતા અહીં મેદાનમાં ઊંટ અને અશ્ર્વની દોડની હરીફાઈઓ થતી જાનવરોનાં પાણી મપાતાં જોરાવરસિંહ જાદવના “સૌરાષ્ટ્રનું સંસ્કૃતિ દર્શનમાં માધવપુર ઘેડનો “લોકમેળો એ શીર્ષક તળે શ્રીકૃષ્ણ-રુક્મિણીના લગ્નની તલસ્પર્શી વાતો આલેખી છે.
હવે કૃષ્ણ-રુક્મિણી વિવાહ લોકમેળો રાષ્ટ્રીય સ્તરે લઈ જવાયો છે. રુક્મિણી અરુણાચલ પ્રદેશના હોવાથી ગુજરાત અને અરુણાચલ પ્રદેશને જોડીને ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો આ લોકમેળામાં યોજવામાં આવે છે. ગુજરાત, રાજસ્થાન અને ઓરિસ્સાના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરે છે.
અરુણાચલ પ્રદેશની મીષ્મી આદિજાતિના મૂળ રાજા ભીષ્મક સુધી વિસ્તરેલી હોવાનું મનાય છે. દિબાંગ ખીણ જિલ્લામાં રોલિંગ પાસે આવેલા ભીષ્મક નાગરનો ઉલ્લેખ કલકી પુરાણમાં પણ જોવા છે. પૂર્વથી ચાલી આવતી પરંપરામાં મિષ્મી આદિજાતિના લોકો ભીષ્મક અને રુક્મિણીના વંશજો હોવાનું તે વિસ્તારના કથાનકોમાં આલેખાયેલ છે. મુખોયમુખ અને લોકશૈલીમાં ગવાતા અને ભજવાતા લોકગીતો અને લોકનૃત્યોમાં પણ શ્રીકૃષ્ણ અને રુક્મિણીનો ઉલ્લેખ જોવા મળે છે. આજે પણ આસામના કલાકારો માજુલી ટાપુમાંથી મળેલી પૌરાણિક ચિત્રમય હસ્તપ્રતો સામે તેમના લોકનાટક રુક્મિણી હરણની ભજવણી કરે છે. મણીપુરને લગતાં ગીતો અપ્રચલિત છે, આવી જ રીતે મણીપુર અને અરુણાચલની ઈદુ મિષ્મી આદિજાતિનાં લોકનૃત્યોમાં પણ શ્રીકૃષ્ણ રુક્મિણીની કથાનું આલેખન જોવા મળે છે.
ભારતના બે પ્રદેશો પશ્ર્ચિમમાં ગુજરાત અને ઉત્તરપૂર્વ રાજ્યો મુખ્યત્વે અરુણાચલ પ્રદેશ વચ્ચેના અનુબંધ થકી આ માધવપુર (ઘેડ)નો લોકમેળો રાષ્ટ્રીય સ્તરનો બની ભારતના સાંસ્કૃતિક ઐક્યનું દર્શન કરાવે છે.
પૌરાણિક ગ્રંથોમાં જોઈએ તો મહાભારતના શલ્ય પર્વમાં (૧૩-૫૨)માં પણ માધવતીર્થનો ઉલ્લેખ જોવા મળે છે. ૧૦મીથી ૧૪મી સદી સુધી લખાયેલા સ્કંદપુરાણમાં પ્રભાસ ક્ષેત્ર માધવપુરનો ઉલ્લેખ છે એમ જોઈએ તો આ વર્ષનો માધવપુરનો મેળો ૫૨૨૫મો છે.
શ્રીમદ્ ભાગવત્ના દસમ સ્કંધમાં માધવપુરનો ઉલ્લેખ પણ જોવા મળે છે. મહારાજા ભીષ્મક વિદર્ભના અધિપતિ હતા. તેમના પાંચ પુત્રો અને એક સુંદર ક્ધયા હતી તે ક્ધયાનું નામ રુક્મિણી હતું. રુક્મિણીએ ભગવાન શ્રીકૃષ્ણની સુંદરતા, શૌર્ય, પરાક્રમ અને વૈભવની પ્રશંસા સાંભળી મનોમન તેમને વરવાનું નક્કી કર્યું, પરંતુ રુક્મિણીનો સૌથી મોટો ભાઈ રુકમી શ્રીકૃષ્ણનો અત્યંત દ્વૈષી હતો તે શિશુપાલ સાથે બહેન રુક્મિણીનો વિવાહ કરવા ઈચ્છતો હતો, જ્યારે રુક્મિણીને આ અંગે માલૂમ થયું ત્યારે તેઓએ સુદેવ નામના બ્રાહ્મણ સાથે શ્રીકૃષ્ણને સંદેશો મોકલ્યો. આ લેખિત સંદેશામાં શ્રીકૃષ્ણને વરી ચૂકેલી રુક્મિણીએ પોતાનું સર્વસ્વ શ્રીકૃષ્ણને સમર્પિત હોવાનું જણાવ્યું હતું. શ્રીકૃષ્ણએ વિદર્ભના કુંદનપુર (કોડીયપુર) જઈને રુક્મિણીનું હરણ કર્યું અને માધવપુર આવીને શ્રીકૃષ્ણ-રુક્મિણીના ગાંધર્વ પ્રથાથી મધુવનમાં લગ્ન થયા તે રીતે માધવપુરનો ઉલ્લેખ શ્રીમદ્ ભાગવત્ના દશમ સ્કંધમાં છે.
ભગવાન શ્રીકૃષ્ણ સૌરાષ્ટ્રની ભૂમિમાં અમસ્તા ભૂલા નહોતા પડ્યા. સૌરઠની પ્રજાના નિર્મળ હૃદયના પારદર્શક પ્રેમ અને ભક્તિભાવ ભાળી જાણી જોઈને ભૂલા પડ્યા હતા અને રુક્મિણી સાથે લગ્ન કરીને સોરઠની ધરા ધન્ય બનાવી હતી. આપણા સુપ્રસિદ્ધ કવિ રમેશ પારેખે કહ્યું છે કે
આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે
કોઈ આવ્યા છે સપનું લઈને કોઈ રાત લઈને આવ્યા છે
આમ, આ ભતીગળ મેળામાં દિવ્ય પ્રેમ અને અલૌકિક સ્મૃતિઓનો આનંદ-ઉલ્લાસ લઈને પોતપોતાના વતનની વાટે વળે છે.