મંગળવારે દહિસરમાં લાગી આગ
દહિસર ચેકનાકા વિસ્તારમાં મંગળવારે બપોરે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. આશરે પોણા બાર વાગ્યાના સુમારે આગ લાગી હોવાના સમાચાર મળ્યા હતા. આ આગમાં અનેક ઝૂંપડાઓ બળીને ખાક થઇ ગયા હતા. આગની માહિતી મળતા જ અગ્નિશામક દળના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આ વિસ્તારમાં ખુલ્લા બાંબુ પડ્યા હતા, જેમાં આગ લાગી હતી અને ધીમે ધીમે ઝુંપડપટ્ટીમાં ફેલાઇ ગઇ હતી. અત્યાર સુધી જાનહાનિના કોઇ સમાચાર નથી.
સોમવારે મલાડમાં લાગી આગ
આ પહેલા આનંદ નગર (મલાડ પૂર્વ) ખાતે અપ્પા પાડા સ્લમ ક્લસ્ટરમાં સોમવારે સાંજે 4.50 વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના નોંધાઈ હતી. આગ જોતજોતામાં લગભગ 2,000 ઝૂંપડાઓમાં ફેલાઈ ગઈ હતી અને રાત્રે 9.35 વાગ્યાની આસપાસ કાબૂમાં આવી હતી. આગને કારણે એક વ્યક્તિના મોતના અહેવાલ છે. ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ઝૂંપડાઓમાં એલપીજી સિલિન્ડર ફાટવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ઉપરાંત, ઝૂંપડપટ્ટી પહાડી વિસ્તારમાં જંગલની જમીન પર આવેલી છે અને સાંકડી ગલીઓ હોવાને કારણે મુંબઈ ફાયર બ્રિગેડને સ્થળ પર પહોંચવામાં સમય લાગ્યો હતો. સ્થાનિકોએ તેમના બચ્યાકૂચ્યા સામાનને સુરક્ષિત સ્થળે ખસેડતા જોવા મળ્યા હતા. આગને વધુ ફેલાતા રોકવા માટે ઘણા લોકો તેમના ગેસ સિલિન્ડરોને દૂર લઈ ગયા હતા. વરિષ્ઠ નાગરિકો અને બાળકોને પણ સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.
નજરે જોનાર વ્યક્તિના જણાવ્યા અનુસાર ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ મોડી બપોરે ઘણા સિલિન્ડરના બ્લાસ્ટ સાંભળ્યા અને તેઓ તેમના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. આ વિસ્તાર જંગલની નજીક સ્થિત છે. ફાયર બ્રિગેડે સાંજે 7 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો અને કૂલિંગ કામગીરી શરૂ કરી હતી. આગને 10,000 ચોરસ મીટર વિસ્તારમાં 800 થી 1,000 ઝૂંપડીઓ સુધી મર્યાદિત રાખવામાં અગ્નિશમન દળને સફળતા મળી હતી. આગમાં લગભગ 15 થી 20 સિલિન્ડર વિસ્ફોટ થયા હતા, એમ અગ્નિશમન અધિકારીએ જણાવ્યું હતું.
એક પોલીસ કોન્સ્ટેબલે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડ અને પોલીસે આગને જંગલમાં ફેલાતી અટકાવવા તમામ પ્રયાસો કર્યા, નહીં તો સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (SGNP)માં જંગલના કવરને મોટું નુકસાન થયું હોત.”