ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ
છેલ્લા ૩૩ વર્ષ દરમ્યાન કાશ્મીરમાં કઈ રીતે આતંકવાદીઓએ ઉત્પાત મચાવ્યો છે એ વિશે તો ઘણું લખાયું છે. ૧૯૮૯થી કાશ્મીરની ખીણમાં, કાશ્મીરી પંડિતોની કત્લેઆમ શરૂ કરી ૧૯૯૦ સુધીમાં લાખો પંડિતોને પોતાના જ દેશમાં શરણાર્થી તરીકે આસરો લેવો પડ્યો. કાશ્મીરની ખીણમાં ૧૯૯૦ પહેલા છ લાખ જેટલા કાશ્મીરી પંડિતો વસવાટ કરતા હતા. જેમાંથી હવે માંડ એકાદ હજાર પંડિતો ખીણમાં રહી ગયા છે. સરકારી આંકડા પ્રમાણે ૬૨૦૦૦ જેટલા હિન્દુ શરણાર્થીઓને જમ્મુ-તેમજ દિલ્હીની આસપાસના વિસ્તારોમાં વસાવવામાં આવ્યા છે. આ શરણાર્થીઓ કેવી હાલતમાં રહેતા હતા એ મેં જોયું છે. કાશ્મીરમાં જેમની મોટી હવેલીઓ હતી એમણે ઝૂંપડાં જેવા તંબુમાં રહેવું પડતું હતું. જેમને ગરમ આબોહવા કોને કહેવાય એની જાણ નહોતી એવા કાશ્મીરી પંડિતોએ જમ્મુ અને દિલ્હીની ૪૨ ડિગ્રી ગરમીમાં રહેવું પડ્યું હતું જેને કારણે એમને આખા શરીરે ચામડીના વિચિત્ર રોગ થતાં હતાં. જે.કે.એલ.એફ (જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રંટ) અને પાકિસ્તાનથી ઘૂસેલા આતંકવાદીઓએ સ્થાનિક કટ્ટરવાદીઓની મદદ લીધી હતી. ધર્મસ્થાનો પરથી માઇક મારફતે પંડિતોને ઘરબાર વગરના કરવા માટે દરરોજ ધમકીઓ આપવામાં આવતી હતી. કાશ્મીરની ખીણમાં દરરોજ પંડિતોની સામૂહિક કત્લેઆમ થતી, પંડિત મા-બહેનો પર અમાનૂસી બળાત્કાર થતા અને એમને પહેરેલે કપડે એમનું વતન છોડવાની ફરજ પાડવામાં આવી હતી.
જાન અને ઇજ્જત બચાવવા માટે લાખો કાશ્મીરી પંડિતો ભગ્ન હૃદયે પોતાનું વતન તો છોડી ગયા, પરંતુ કમનસીબે તેઓ પોતાના ભગવાનને સાથે લઈ જઈ શકે તેમ નહોતા. એક અંદાજ પ્રમાણે કાશ્મીરની ખીણમાં આશરે ૧ હજાર જેટલા મંદિરો હતા. શિવજી, ગણેશજી, શ્રીરામ, વૈષ્ણૌદેવી, હનુમાનજી જેવા ભગવાનોની મૂર્તિઓ શેતાનોને ભરોસે છોડી પંડિતો તો ચાલ્યા ગયા. હજારો વર્ષ જૂના પૌરાણીક મંદિરો અને મૂર્તિઓ પર આતંકવાદી શેતાનોએ કાળોકેર વર્તાવ્યો. ૧ હજારમાંથી લગભગ ૬૦૦ મંદિરની મૂર્તિઓ અને મંદિરોનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો. કેટલાક મંદિરની અલભ્ય મૂર્તિઓ પૈસા માટે વિદેશમાં વેચી મારવામાં આવી. કાશ્મીરમાંથી ૩૭૦ની નાબુદી થઈ ત્યાર પછી હવે એવી આશા બંધાય છે કે કાશ્મીર પંડિતોના પુન:સ્થાપન માટે સરકાર કોઈક યોજના બનાવશે. આ સાથે બીજો પણ એક પ્રશ્ર્ન ઊભો થયો છે. હિન્દુ ધર્મની આસ્થાને કાશ્મીરમાં પુન:સ્થાપિત કરવા માટે તૂટેલા મંદિરોનું ફરીથી પુન:સ્થાપન થશે કે નહીં? થોડા વર્ષો પહેલા કેન્દ્રના રાજ્ય કક્ષાના એક મંત્રીએ તો જાહેરાત પણ કરી દીધી હતી કે જે હજારો મંદિરોને તોડી નાંખવામાં આવ્યા છે એની પુન:સ્થાપના પણ કરવામાં આવશે. કેન્દ્રીય પ્રધાનનું આ નિવેદન જાણીને કદાચ દેશ-વિદેશમાં વસેલા કાશ્મીરી પંડિતોના મનમા આશાનું કિરણ જાગ્યું હોય એ સ્વાભાવિક છે. જોકે હજી સુધી આ બાબતે કંઈ થયું નથી એ હકીકત છે.
દેશ-વિદેશમાં સ્થાયી થયેલા પંડિતો જ્યારે તક મળે છે ત્યારે ભારે હૃદયે પોતાના વતનની મુલાકાત લઈ લે છે. થોડા વર્ષો પહેલાંની જ વાત છે. અમેરિકામાં સ્થાયી થયેલું એક કાશ્મીરી પંડિત યુગલ ફરીથી પોતાના વતન આવ્યું. એમનો ડ્રાઇવર એમને શ્રીનગરની એક દુકાનમાં ખરીદી માટે લઈ ગયો. પત્નીએ શાલ તેમજ કેટલીક વસ્તુઓ ખરીદી ત્યારે પતિનું ધ્યાન એક ધૂળ ખાતા જૂના કબાટ પર ગયું. એમણે જોયું કે કબાટમાં કેટલાક હિન્દુ ભગવાનોની ખૂબ જ જૂની મૂર્તિઓ હતી. એમણે જ્યારે દુકાનદારને પૂછયું, ત્યારે દુકાનદારે કહ્યું કે, કેટલાક “તોફાનીઓએ” મંદિરોમાંથી મૂર્તિઓ ઉખાડી લીધી હતી. પેલા પંડિતની આંખમાં લગભગ આસુ આવી ગયા અને બીજી ખરીદી પડતી મૂકી એમણે એ મૂર્તિ ખરીદવાની ઇચ્છા જાહેર કરી. પેલા દુકાનદારે એટલી મોટી કિંમત માંગી કે પંડિતને એ પોસાય એમ નહોતું.
૧૯૯૦માં જ્યારે કાશ્મીરી પંડિતોને ભગાડવામાં આવતા હતા ત્યારે એમને એમની સાથે કોઈપણ ચીજવસ્તુઓ લઈ જવા દેવામાં આવતી નહોતી. મોટાભાગના પંડિતોએ પહેરેલે કપડે રાતના અંધારામાં ભાગવું પડ્યું હતું એટલે ભગવાનની માફી માંગીને એમણે પૂજાની મૂર્તિઓ પણ પૂજાસ્થળે જ છોડી દીધી હતી. પંડિતોની ગેરહાજરીમાં શિવજીની સ્તુતિ કે ગણેશજીની આરતી કરવા માટે ત્યાં કોઈ નહોતું. કાશ્મીરી પંડિતોની ધાર્મિક લાગણી સાચવવા માટે એ વખતની સરકારોએ કોઈ જ પગલા લીધા નહોતા. કેટલાક મંદિરો તો રાતોરાત અદૃશ્ય થઈ ગયા. દક્ષિણ કાશ્મીરમાં દુર્ગાદેવીની દસમી સદીની એક મૂર્તિ હતી એને મંદિરમાંથી ચોરીને દાણચોરી મારફતે અમેરિકા મોકલી આપવામાં આવી હતી. અમેરિકાથી આ મૂર્તિ જર્મનીના મ્યુઝ્યમમાં લઈ જવામાં આવી. ન્યૂ યોર્કમાં રહેતા કાશ્મીરી પંડિતોએ “ધ આર્કીયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા” (એએસઆઇ)ને આ મૂર્તિ વિશે જાણ કરી. એએસઆઇના ઘણા પ્રયત્નો પછી જર્મન સરકારે ૨૦૧૫ની સાલમાં દુર્ગામાની આ મૂર્તિ ભારતને સોંપી હતી.
૨૦૧૬ના વર્ષમાં કેટલાક પંડિતો ગંગાબાણની જાત્રા પર ગયા હતા. ત્યાં એમણે તળાવમાં ફેકવામાં આવેલું શિવલિંગ જોયું. શિવલિંગ કાઢીને એમણે એની પૂજા અર્ચના કરી અને ફરીથી પાણીમાં જ મૂકી દીધું આ પંડિતોના કહેવા પ્રમાણે જો તેઓ શિવલિંગને બહાર રાખતે તો એમની ગેરહાજરીમાં ફરીથી કેટલાક કટ્ટરવાદી સ્થાનિકો ત્યાં આવી શિવલિંગને તોડી નાંખતે. શ્રીનગરની નજીક આવેલા અણચા તળાવ નજીક વિચાર નાગનું પૌરાણીક મંદિર આવેલું હતું. મુખ્ય મંદિરની આજુબાજુ શિવજીના પણ બે નાના મંદિરો હતા. આજે પ્રવાસીઓ જ્યારે ત્યાં જાય છે ત્યારે મંદિરના પરિસરમાં મળ-મૂત્ર અને કચરા સિવાય કંઈ દેખાતું નથી. દક્ષિણ કાશ્મીરમાં બીજબહેરા ખાતે આવેલું વિજેશ્ર્વર મંદિર સહિત ૧૪મી સદીના મંદિરોને પણ તોડી નાંખવામાં આવ્યા છે. અહીં રહેલી સાતમી સદીની ગણેશજીની મૂર્તિ કયાં ગઈ એની કોઈને ખબર નથી. શ્રીનગર ખાતેના નાદીયાર રેનાવાળી વિસ્તારમાં શિવ મંદિર હતું. જેમાં સરસ્વતી માતાની મૂર્તિ હતી. આ મૂર્તિનું મોઢું તોડું નાંખવામાં આવ્યું છે. “કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિના કહેવા પ્રમાણે ખીણમાંથી ૧૫૦ જેટલા મંદિરો તો સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયા છે અને મંદિર પરિસરની જગ્યા સ્થાનિકોએ ગેરકાયદેસર રીતે પચાવી પાડી છે.
પંડિતોનું માનવું છે કે કાશ્મીરમાં આવેલા હિન્દુ મંદિરોની પણ કાશ્મીરી પંડિતોની જેમજ અવગણનાની થઈ રહી છે. જ્યારે હિન્દુ તહેવાર હોય ત્યારે કેટલાક અવાવરા મંદિરમાં એકલદોકલ સ્થાનિક હિન્દુ મંદિરે જઈ સાફસૂફી કરી પૂજા કરે છે. જોકે થોડા દિવસમાં જ મંદિર પાછું અવાવરું થઈ જાય છે.
કાશ્મીરી પંડિતોને ફરીથી કાશ્મીરમાં વસાવવાનું સરકારનું વચન પૂરું થશે કે નહીં એની તો ખબર નથી, પરંતુ દેશ આખાના હિન્દુઓની આસ્થા સમાન આ નષ્ટ કરવામાં આવેલા મંદિરોને ફરીથી સ્થાપવામાં પણ સરકાર સફળ થાય તો ઘણું છે.