Homeપુરુષભેખડમાં નીચે ઊતર્યા ત્યારે ગંગાની સુંદરતા જોઈ મન ભાવવિભોર બની ગયું

ભેખડમાં નીચે ઊતર્યા ત્યારે ગંગાની સુંદરતા જોઈ મન ભાવવિભોર બની ગયું

જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી

(ગતાંકથી ચાલુ)
ભાગીરથી નદી તો જાણે સવારથી જ બોલાવતી હતી. ‘આવોને’. પણ આ વિલન વરસાદ જવા દે ત્યારે ને. અરે વરસાદનાં કારણે સાંજનો વિહાર પણ મુલત્વી રાખ્યો. બસ એને ખબર પડી ગઈ ‘બાપુ’ હવે વિહાર કરવાના નથી. વરસાદ બંધ. વાદળા ચાલ્યા ગયા અને ૧૦ મિનિટમાં તો સોનેરી સૂરજ વાદળમાંથી હસતો હસતો બહાર નીકળ્યો. ઘડિયાળમાં સાડા પાંચ થયા હતા. હવે કંઈ વિહાર થાય નહીં. ત્યાં, ભાગીરથીનું આમંત્રણ યાદ આવ્યું, અને બધા ગંગાકિનારે દુગ્ધ ધવલ મૃદ્કણોથી મંડિત શ્ર્વેત ગંગા કાંઠે અમે પહોંચ્યા. અરે ૭૦-૮૦ ફૂટ ભેખડમાં નીચે ઉતર્યા ત્યારે જે ગંગાની સુંદરતા જોઈ મન ભાવવિભોર બની ગયું. બસ ગંગાકાંઠે આસન જમાવી દીધું. અમે તો, ‘જય આદિનાથ’ જાણે આકાશગંગાના લોકમાં વિહરી રહ્યા હોઈએ તેવો ભાસ થયો. લગભગ દોઢેક કલાક દૃશ્યામૃતનું પાન કરતા રહ્યાં. આ એ જ ભાગીરથી જેને ભગીરથે મારા આદીશ્ર્વર દાદાના દેશને સુરક્ષિત રાખવા આકાશથી અવતરણ કર્યું હતું.
ધન્ય સગરપુત્રો, ધન્ય ભગીરથ, ધન્ય તમારી પ્રભુભક્તિને. સાચે જ તમે ખૂબ દીર્ઘદૃષ્ટા પુણ્યશ્ર્લોક પુરુષ હતા. જો આ ગંગા અહીં ન આવી હોત તો આ દુનિયાનો સ્વાર્થી અને લાલચી માણસ પરમાત્માના જિનાલયને રહેવા ન દે. આ એ જ ધવલધારા છે જે શાશ્ર્વતી ગંગા નદીમાંથી છેક અહીં સુધી ભગીરથે લેવાલી. ‘ઓ આદીશ્ર્વર દાદા! પ્રભુ! જો આ ગંગાની એક લહેરમાં આટલી સુંદરતા છે તો જે શાશ્ર્વતી ગંગા કેટલી સુંદર હશે.’? પ્રભુ! આનાથી પણ વધુ ધવલ-નિર્મળ અંતકરણ કરવાનું સામર્થ્ય અમને પ્રાપ્ત થાઓ. એ જ એક ઈચ્છા છે. કહેવાય છે કે ઈચ્છા અમર છે. લોકોક્તિ પણ છે કે ‘જેણે દાંત આપ્યા છે તે ચાવણું પણ આપે જ.’ તો ‘પ્રભુ! અમને અહીં સુધી આવાની પ્રેરણા આપે જ કરી, અહીં સુધી હેમખેમ પહોંચાડ્યા. ગંગાની ધવલધારાનો દૃષ્ટીસ્પર્શ આપના દ્વારા જ સુલભ થયો. હવે તો આપ કંઈ દૂર નથી.’ ‘પ્રભુ! અષ્ટાપદ સુધી પણ આપ જ અમને પહોંચાડશો. અમને ખબર નથી. ક્યારે? કેવી રીતે? પણ એ વાતે પૂરો ભરોસો છે. પ્રભુ! અષ્ટાપદજી તીર્થે આપના દિવ્યદર્શન જરૂર કરીશું. અમારી આપ બીજી કોઈ ચિંતા કરતા નહીં. બસ આપ તો આંગળી પકડજો, બાકી બધું થઈ પડશે….’ આજે ૧૦૦૦ મીટરની ઊંચાઈએ હિમાલયના ગિરિશિખરો પર આપની આંગળી પકડીને જ આવ્યા છીએ, હજુ ૨૫૦૦ મીટર એટલે કે કૂલ ૧૩૦૦૦ ફૂટ ઉપર પહોંચવાનું છે, એ પણ આંગળી પકડીને જ, અરે ૧૩૦૦૦ શું, લાખો કરોડો ફૂટ અમે ચાલી શકીએ, જો આપનો આધાર હોય તો. નહીં તો વસતીની બહાર ડગલું મૂકવાની પણ હિમ્મત નથી. પ્રભુ! અમને ખબર નથી અમારામાં કોઈ પણ ઈચ્છા પ્રગટ કરવી એ પણ તારા હાથમાં છે એણે પૂરી કરવી એ પણ તારા હાથમાં જ છે.
હું તો વાંસની પોલી વાંસળી
તારા હોઠે લાગી અને વાગી…
બાકી પોલી પીપુડીના શું ભાર…
આજ તો મન પ્રસન્ન થઈ ગયું. ગંગામૈયાની શીતળ ગોદમાં મહાલવાનું કોને મન ન થાય. કલ્પસૂત્રમાં આ જ ગંગાકિનારા સાથે ત્રિશલમાતાની શૈયાની સરખામણી કરી છે. શૈયા એવી છે કે પગ મૂકો તો પગ અંદર ચાલ્યો જાય. અહીં ગંગા કિનારે મસૃણ મૃદ્પિંડમાં પગ મૂકો તો ઓ આખા અંદર ચાલ્યા જાવ. ગંગાનાં બંને કિનારે ચીકણું કળણ છે. હિન્દીમાં દલદલ કહેવાય. થોડા દિવસ પહેલા જ આ કળણમાં એક રીંછ ફસાયેલું, છેલ્લે નીકળી શક્યું નહીં. આજે પણ અમારી સામે નદીમાં જતાં એના પગલાંની છાપ દેખાય છે. એ રીંછ પાછું ક્યારેય આવી શક્યું નહીં. અમે પણ ગંગા કિનારે આવવા માટે નીકળ્યા હતા. ત્યારે ગામના લોકોએ અમને સાવધાન કર્યા હતા. ભેખડની નીચે ઉતરતા નહીં. દૂરથી જોજો, અમે દૂરથી ગંગાને જોઈ પણ ભેખડની નીચે ઉતરીને. ગંગા…!!! તું ખૂબ સરસ છે. બસ પરમાત્માની ભેટ કરાવી દે એકવાર. ક્યાં છે મારો દાદો? મારો પ્રભુ! તું તો રોજ પ્રભુની પ્રદક્ષિણા કરીને જગતને પાવન કરવા નીકળે છે. શું તું ‘એ’નું સરનામું ના બતાવે?
સાંજના સોનેરી પ્રકાશ લઈને સૂરજ અંધકારમાં ઓગળી ગયો. અમે અંધકારલોકમાં સમાઈ ગયા. દૂર ગંગા પાર નાના નાના શૈલશિખરો પર ઘરોમાં વિવિધ આકારને રચતા નાના નાના ટમટમીયા અંધકારને દૂર કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા હતા. વાતાવરણમાં ઠંડક છે. આજુબાજુ અંધારાનું બચ્ચું રીંછ ગમે ત્યારે ગમે તેની મુલાકાત લઈ શકે એવી સંભાવના છે. ઝાંપાનો દરવાજો આડો દઈને સંથારામાં ગોઠવાયા પણ પેલી ગંગા… હજુ અહીંથી તેનો કલકલ નાદ સંભળાતો હતો, જાણે કહેતી હતી ‘આવોને…’ (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -