Homeઉત્સવબજારમાં શાકબાક લેવા જઈએ ત્યારે ઓળખીતુંપાળખીતું મળી જાય તો વાતુંચીતું કરવાથી નવું...

બજારમાં શાકબાક લેવા જઈએ ત્યારે ઓળખીતુંપાળખીતું મળી જાય તો વાતુંચીતું કરવાથી નવું જાણવાબાણવા મળે

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

ભાવની સાથે ભાષાને પણ ઘટ્ટ બનાવતા અને બેવડાઈને બોલવામાં આવતા ‘દ્વિરુક્ત’ (બે વાર કહેવામાં કે બોલવામાં આવેલા) શબ્દો વિશે ગયા હપ્તામાં આપણે જાણ્યું. આ પ્રકારના પ્રયોગ સાંભળવામાં તો મીઠા લાગે જ છે, પણ એનો ભાવ વધુ અસરકારક રીતે સામી વ્યક્તિ સુધી પહોંચી જતો હોય છે. અલબત્ત ખપ પૂરતું બોલવામાં માનતા લોકોને આ વાત ગમશેબમશે નહીં, પણ બધી વાતમાં કારણબારણ શોધવાની આદતબાદત રાખવી નહીં. કંઈ સમજ્યાબમજ્યા કે નહીં? મૂળ વાત પર આવીએ તો હવે તો ઓનલાઇન શોપિંગનું વળગણ વધી ગયું છે અને Farm Fresh Vegetables (ખેતરમાંથી તાજા અને ચૂંટેલા શાકભાજી) ઘેરબેઠા પહોંચતા કરવામાં આવતા હોવાથી બજારમાં આંટાફેરા કરી કોઈ ઓળખીતુંપાળખીતું મળી જાય તો એની સાથે સાથે વાતુંચીતું કરી શાકબાક લાવવાની ઈચ્છામાં દિવસે દિવસે ઓટ આવી રહી છે એટલું નક્કી. વળી પગબગ બહુ દુખે છે એવી ફરિયાદનું પ્રમાણ પણ બહુ વધી ગયું છે. લે, એના પરથી યાદ આવ્યું કે ઓલા રાધામાસીની ત્રીજીનું નક્કીબક્કી કર્યું કે નહીં? ક્યાંક એવું તો નથી ને કે એ પણ આજની છોકરીઓની જેમ જવાબદારી લીધા વિના એકલાઅટૂલા રહેવામાં સાર સમજે છે.
સાહિત્ય તો બહુ દૂરની વાત કહેવાય, ગુજરાતીઓને છાપાંબાપા વાંચવામાં પણ બહુ રસ નહીં. એમાંય ‘કોવિડ વખતે છાપાં બંધ કર્યા તે હજી ચાલુ નથી કર્યા’ એવું કોઈ સિદ્ધિ મેળવી હોય એ રીતે બોલતા અનેક ગુજરાતીઓ લોકડાઉનમાં છૂટ મળતા જ હોટલબોટલ સુધી દોડીને પહોંચી ગયા હતા અને આખા મહિનાના પેપર બિલ કરતાં ચાર ગણી રકમ ત્રણેક કલાકમાં વાપરી કાઢતા જોવા મળ્યા, કારણ કે તેમને ખર્ચબર્ચની બહુ ફિકર નહોતી, દિમાગના ખોરાક કરતા જીભના ચટાકાની વધુ ચિંતા હતી. જોકે, ‘મુંબઈ સમાચાર’ના જાગૃત ગુજરાતી વાચકોને તો છાપુંબાપું રોજ જોઈએ. ઘણા વાચકોને તો સાહિત્યમાં પણ રુચિ. એટલે આટલું વાંચ્યા પછી તેમને કવિ કલાપીની ‘જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની’ એ પંક્તિ તો યાદ આવી જ હશે અને કવિએ દ્વિરુક્ત શબ્દનો ઉપયોગ કર્યો છે એ તેમની પારખી નજરે જોઈ જાણી લીધું હશે. એમ તો કવિ અરદેશર ખબરદારની સદાબહાર રચનાની પંક્તિ છે જ ને કે ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.’
ગુજરાતીઓને ખેલકૂદમાં પણ ઓછી રુચિ. અલબત્ત છાપામાં આવતા કોયડાબોયડા ઉકેલવામાં રસ બહુ પડે. હાથપગના વ્યાયામ કરતાં દિમાગી કસરત વધુ ગમે. ચાલતાં ચાલતાં ગીત ગાવા કે ગપાટા મારવા વધુ ગમે પણ દોડતાં દોડતાં પડી જવાની બીક રહે એટલે એવું કરવુંબરવું નહીં એવી માન્યતામાં ઉછેર થયો હોય. જોકે, ધંધામાં રિસ્કબિસ્ક તો લેવું જ જોઈએ એ વિચારમાં પણ શ્રદ્ધા. હેલ્થ ઇઝ વેલ્થમાં ખૂબ જ વિશ્ર્વાસ ધરાવતી ગુજરાતી પ્રજાને કલાકે કલાકે દવા ખાવાની બરાબર યાદ રહે અને ઊભા ઊભા કામ કરવાનું હોય તો થાકી જાય. જોકે, આ જ ગરવો ગુજરાતી ભાગીદારીમાં ભારોભાર વિશ્ર્વાસ રાખે તો વળી રાતોરાત સંબંધ તોડી નાખતા પણ અચકાય નહીં અને બારોબાર બીજી વ્યવસ્થા કરી સુધ્ધાં લે. ધંધાપાણી માટે ભલે ગામેગામ ફરે, પણ છેવટે તો બોલ બોલતો તોળી તોળી છેલછબીલો
ગુજરાતી જ ને.
——-
BE SILENT and B SILENT
રાજકીય વગ ધરાવતી મોભાદાર વ્યક્તિને ત્યાં નોકરી કરવી હોય તો ભણતર કરતાં ગણતર વધુ ઉપયોગી સાબિત થતું હોય છે. પુસ્તકિયા જ્ઞાનની સરખામણીમાં વ્યવહારિક સમજણ અધિક મહત્ત્વ ધરાવતી હોય છે. આવી સમજણથી ઉછરેલા એક ત્રીસી વટાવેલા સજ્જનને પ્રધાનશ્રીના કાર્યાલયમાં નોકરી મળી ગઈ. અલબત્ત અંગ્રેજીથી વધુ વાકેફ ન હોવાને કારણે Folk Dance ને ફોક ડાન્સ કહેવાને બદલે ફોલ્ક ડાન્સ કહી બેસતા ત્યારે પ્રધાનશ્રી તેમને ટપારી સમજાવતા કે ભાઈ ફોલ્ક નહીં, ફોક ડાન્સ કહેવાય. L is Silent મતલબ કે એલ અક્ષરનો ઉચ્ચાર જ નહીં કરવાનો. એ મૂંગો છે. એ જ રીતે Pneumonia પેન્યુમોનિયા નહીં પણ પી મૂંગો અક્ષર હોવાથી એનો ઉચ્ચાર ન્યુમોનિયા થાય એ પણ સમજાવ્યું. આમ ધીરે ધીરે કર્મચારીના અંગ્રેજી જ્ઞાનમાં વધારો થતો રહ્યો. એક દિવસ પ્રધાનશ્રી સાથે કોઈ વિદેશી મહેમાનને ત્યાં પાર્ટીમાં જવાનું થયું ત્યારે પોતાના અંગ્રેજીનો રૂવાબ છાંટવા મહેમાનના કર્મચારીઓ સાથે ઈંગ્લિશમાં બોલવા લાગ્યા. હવાઈ સફરની વાત નીકળતા તેમણે Boeing Travel વિશે વાત કરવાનું શરૂ કર્યું. નજીકમાં જ કોઈ સાથે ગુફ્તગૂ કરી રહેલા પ્રધાનશ્રીના ધ્યાનમાં આ વાત આવી અને એ ભાઈ બોલવામાં લોચો ન મારે એ માટે તેમને હળવેકથી કહ્યું કે Boeingdp„ B Silent મતલબ કે હમણાં ચૂપ રહો. આપણા કર્મચારી ભાઈ Silent મતલબ કે બી અક્ષરનો ઉચ્ચાર નથી કરવાનો એમ સમજી બેઠા અને તરત બોઇંગને બદલે ઓઈંગ બોલીને વાત આગળ ચલાવી. પ્રધાનશ્રી કફોડી હાલતમાં મુકાઈ ગયા અને હાથ પકડી તેમને બહારના કામ માટે રવાના કરી દીધા. અંગ્રેજીમાં સાયલન્ટ લેટર્સ મતલબ કે મૂંગા અક્ષરોની બોલબાલા છે. આજે આપણે Silentહોય એવા મતલબ કે બી લખ્યો હોય પણ તેનો ઉચ્ચાર નહીં કરવાનો એવા કેટલાક ઉદાહરણ જાણીએ. મકાનમાં પાણીના નળ, ભૂંગળા (પાઈપ) વગેરે નાખનાર કે સમારકામ કરનાર PLUMBER તરીકે ઓળખાય છે. અનેક લોકો લીકેજની સમસ્યા હોય ત્યારે પ્લમ્બરને બોલાવવો પડશે એમ કહેતા હોય છે જે ખોટું છે. પ્લમ્બરને નહીં પ્લમરને બોલાવવો પડશે એમ કહેવું જોઈએ. કોઈ કામમાં ફતેહ મેળવી હોય કે કામ સમુસૂતરું પાર પડી ગયું હોય ત્યારે Thumbs Up – થમ્બ્સ અપ એમ અંગુઠો ઊંચો રાખી ઉત્સાહમાં બોલવામાં આવે છે. થમ્બ્સ અપ નહીં, થમ્સ અપ સાચો ઉચ્ચાર છે. Bomb Explosion માટે બોમ્બ ધડાકા એમ બોલાય અને લખાય છે. હકીકતમાં બોમ ધડાકા બોલવું કે લખાવું જોઈએ. એ જ રીતે COMB – કાંસકી કે દાંતિયો કોમ્બ નહિ કોમ છે અને Lamb – ઘેટું લેમ્બ નહીં લેમ છે. આ જ નિયમ Climb, Limb, Dumb, Numb ગીળબ વગેરેને પણ લાગુ
પડે છે.
———–
‘ह’चा ‘क’ केल्याची कथा
ભાષાને શબ્દદેહ આપતી વખતે જો કાળજી ન રાખવામાં આવે તો દિવસ (દિન) ગરીબ (દીન) બની જતા વાર નથી લાગતી. આ તો થઈ વ્યાકરણની વાત ઘરના વડીલની ઓળખાણ ‘આ છે અમારા ઘરના મોભી’ને બદલે જો ‘આ છે અમારા ઘરના લોભી’ એમ કહેવાય જાય તો? મરાઠીમાં‘घ’चा ‘मा’ झाला आणि नारायणराव पेशवे मारले गेले ही कथा सर्वाना माहित आहे. ધ અક્ષરને મ બનાવી દેવામાં આવતા નારાયણરાવ પેશવાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા એ કથા બહુ જ જાણીતી છે. રામાયણ કાળની પણ એક કથા છે જેમાં હ અક્ષર ક થવાથી ह’ चा ‘क’ केल्याचीकथा) રાવણ કેવો મુસીબતમાં મુકાઈ ગયો એ કથા જાણવા જેવી છે. ભગવાન શ્રી રામ શિવજીની ઉપાસના કરી રહ્યા છે એ જાણી ગભરાઈ ગયેલા રાવણે અમરત્વ પ્રાપ્ત કરવા અને વિજય પ્રાપ્તિ માટે ચંડીની આરાધના કરવાનું નક્કી કર્યું ત્યારે પૂજામાં એક બાળક હાજર હતો. યજ્ઞ દરમિયાન બાળકની નિ:સ્વાર્થ સેવા જોઈ હાજર રહેલા બ્રાહ્મણો પ્રસન્ન થયા અને તેને વરદાન માગવા કહ્યું. જવાબમાં બાળકે એટલું જ કહ્યું કે ‘તમે પ્રસન્ન થયા એ જ મારા માટે બહુ મોટી વાત છે. મારે કશું નથી જોઈતું. હા, મારી એક વિનંતી છે કે તમે જે મંત્રની મદદથી ચંડિકા દેવીની પૂજા કરવાના છો એ મંત્રમાં ‘હ’ને બદલે ‘ક’નો ઉચ્ચાર કરજો. ‘जयदेवी जयदेवी जय मूर्तिहरिणी’  ને બદલે जयदेवी जयदेवी जय मूर्तिकरिणी’એમ બોલજો. અક્ષર ફેરની ચાલાકી બ્રાહ્મણો સમજી ન શક્યા. તેમણે બાળકને હા પાડી અને એ પ્રમાણે જ મંત્ર પઠન કર્યું. હવે મજા જુઓ કે मूर्तिहरिणी એટલે વિઘ્ન હરનારી અને मूर्तिकरिणीએટલે વિઘ્ન નિર્માણ કરનારી. યજ્ઞ સમાપ્ત થતાની સાથે દેવી પ્રગટ થયા અને ક્રોધિત થઈ રાવણના વિજય માર્ગમાં અનેક વિઘ્નો ઊભાં થશે એવા ‘આશીર્વાદ’ આપી રવાના થયાં. હેબતાઈ ગયેલા બ્રાહ્મણોએ બાળક સામે જોયું અને બાળકે મૂળ સ્વરૂપ ધારણ કર્યું અને બધાને હનુમાનજીના દર્શન થયા. પછી રામ – રાવણના યુદ્ધમાં રાવણનો પરાજય થયો અને શ્રી રામે તેમનો વધ કર્યો એ આપણે સૌ જાણીએ છીએ. ‘ह’चा ‘क’ केला आणि रावण मरण पावला.
————
सेर को सवा सेर
તમે ગમ્મે એટલા હોશિયાર – ચાલાક કેમ ન હો તમારા કરતાં એક આંગળ ઊંચું કોઈ તો મળી જ આવે. એના માટે ગુજરાતીમાં કહેવત છે કે ‘શેરને માથે સવાશેર. હિન્દીમાં આ કહેવત सेर को सवा सेर તરીકે જાણીતી છે. આ કહેવત પાછળની કથા મજેદાર છે. ગંગાપુર નામના ગામમાં એક વેપારીની દુકાન હતી જેમાં ગામવાસીઓને જીવન જરૂરિયાતની બધી વસ્તુ મળી જતી હતી. જોકે, આ વેપારી ચાલાક અને દુષ્ટ હતો. હલકી ગુણવત્તાની સસ્તી વસ્તુ લાવી એને મોંઘા ભાવે વેચતો. એટલું જ નહીં, ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરતો. ઘઉંમાં કાંકરા, ધાણાજીરૂંમાં લાકડાનો વ્હેર, મરચાંમાં ઈંટનો ઝીણો ભૂકો, મરીમાં પપૈયાના બી વગેરે વગેરે. ગામના લોકો જાણતા હતા, પણ આસપાસ બીજી કોઈ દુકાન પણ નહોતી એટલે ન છૂટકે સહન કરી લેતા હતા. ગામમાં આકાશ નામનો એક અક્કલવીર રહેતો હતો અને તેણે વેપારીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. એક દિવસ આકાશ વેપારીની દુકાને પહોંચ્યો અને શેઠને મિજબાનીનું આમંત્રણ આપ્યું. ફોગટમાં મેવા મીઠાઈ અને લાડુ શીરો ઝાપટવા એ લાલચે વેપારીએ હા પાડી દીધી. સાંજે દુકાન વહેલી બંધ કરી શેઠ ઊપડ્યા આકાશના ઘરે જયાફતની મોજ માણવા. આકાશે આવકાર આપી થોડી વાતચીત કરી અને શેઠને જમવા બેસાડ્યા. શરૂઆત કચોરીથી કરી, પણ મોંમાં નાખતા જ રેતીનો સ્વાદ આવ્યો, પણ કોળિયો ન ગળે ઊતરે કે બહાર કઢાય એવી હાલત થઈ. શેઠના ચહેરાનો રંગ ઊડી ગયેલો જોઈ આકાશ બોલ્યો કે ‘કેમ શેઠજી, કચોરી ન ભાવી? તમારી દુકાનેથી મંગાવેલા લોટમાંથી જ બનાવી છે.’ આ સાંભળી ‘બહુ સ્વાદિષ્ટ છે’ એમ શેઠે કહેવું જ પડ્યું. પછી શેઠની નજર પડી પુલાવ પર અને એનાથી પેટ ભરવાનું નક્કી કર્યું, પણ એક કોળિયો મોઢામાં નાખતા કાંકરા ચાવવામાં આવ્યા. ફરિયાદ ક્યાંથી કરે, કારણ કે ચોખા પણ એમની દુકાનના જ હતા. પછી ખીર આવી તો શેઠે પૂછ્યું કે ‘એમાં વાપરેલી સાકર પણ મારી જ દુકાનની છે?’ આકાશે હા પાડતા શેઠના મોતિયા મરી ગયા કારણ કે સાકરમાં પણ કોઈ ગંદા પદાર્થની મિલાવટ તેમણે કરાવી હતી. ખીર પેટમાં જેમતેમ પધરાવ્યા પછી આકાશે બીજી એક બે વસ્તુનો આગ્રહ કર્યો પણ એમાં સુધ્ધાં પોતાની દુકાનનો અત્યંત ખરાબ માલ જ વપરાયો હશે એની ખાતરી થતાં શેઠ ‘બસ પેટ ભરાઈ ગયું’ એમ કહી ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગ્યા. આકાશે તેમને બરાબરનો પાઠ ભણાવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -