Homeવીકએન્ડવરસાદ ક્યારનો પડતો, હલે ઝાડનાં પાન, દુ:ખની મંદ સૂરાવલીઓથી હળવે જાગ્યું ભાન

વરસાદ ક્યારનો પડતો, હલે ઝાડનાં પાન, દુ:ખની મંદ સૂરાવલીઓથી હળવે જાગ્યું ભાન

ઝાકળની પ્યાલી – ડૉ. એસ. એસ. રાહી

‘હવે’
હવે લખવામાં કંઈ
જરા જુદું લાગે છે,
મારી કલમની રેખા
દાણ-દાણ થઈને તૂટે છે
શબ્દ અનાથ લાગે છે
રેખા હળું હળું જ દોરવી-
પૂર્ણવિરામ મૂકતાં પણ અંતે
ગીત અધૂરું લાગે છે…
– મરાઠી કવિ ગ્રેસ
મરાઠી ભાષાના નામી સાહિત્યકારોમાં સર્વશ્રી કુસુમાગ્રજ (૧૯૧૨-૧૯૯૦), શિવાજી સામંત (૧૯૪૦-૨૦૦૨), રણજિત દેસાઈ (૧૯૨૮-૧૯૯૨) અને વિંદા કરંદીકર (૧૯૧૮-૨૦૧૦)નું સાહિત્યસર્જન ખાસ્સું નોંધપાત્ર રહ્યું છે. આ શ્રેણીમાં મરાઠી કવિ ગ્રેસનું નામ અને કામ મરાઠી સાહિત્ય વિશ્ર્વમાં જાણીતું બન્યું છે. તેમનું મૂળ નામ માણિક સીતારામ ગોડઘાટે છે. તેમના આ અસલ નામ કરતા ‘કવિ ગ્રેસ’ના કવિનામથી તેઓ વિશેષ લોકપ્રિય અને જાણીતા બન્યા. બીજી પેઢીના આ મરાઠી કવિનો જન્મ ૧૦ મે ૧૯૩૭ના રોજ નાગપુરમાં થયો હતો. સ્નાતક તથા અનુસ્નાતક પદવીઓ મેળવીને તેમણે નાગપુરની એક કોલેજમાં અધ્યાપનકાર્ય
કર્યું હતું.
ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોષીએ નિશીથ પુરસ્કાર ગ્રંથમાળા હેઠળ ૭ મરાઠી કવિઓની ચુનંદી કવિતાઓના અનુવાદો ઈ.સ. ૧૯૭૭માં પ્રકાશિત કર્યા હતા. તેમાં પુ. શિ. રેગે, વિંદા કરંદીકર, વસંત બાપટ, મંગેશ પાડગાંવકર, નારાયણ સુર્વે, આરતી પ્રભુ અને કવિ ગ્રેસનો સમાવેશ કરાયો હતો. કવિ ગ્રેસનાં પસંદગી પામેલાં કાવ્યોનો ભાવાનુવાદ કવિ જગદીશ જોષીએ
કર્યો હતો.
ધુમ્મસ અને શિલ્પના કવિ તરીકે જાણીતા થયેલા કવિ ગ્રેસ પાસેથી ‘સંધ્યાકાલચ્યા કવિતા’ (૧૯૬૭), રાજપુત્ર આણિ ડાર્લિંગ (૧૯૭૪), ‘ચંદ્રમાધવીચે પ્રદેશ’ (૧૯૭૮) અને ‘સાંધ્યપર્વાતીલ વૈષ્ણવી’ (૧૯૯૫) નામના કાવ્ય સંગ્રહો મળ્યા છે. તેમણે લલિત નિબંધોનાં ૭ પુસ્તકો આપ્યાં છે. મરાઠી વિશ્ર્વકોશની સંપાદન સમિતિમાં પણ તેમણે તેમની સેવાઓ આપી હતી. તેમના સાહિત્યપ્રદાન માટે તેમને કેશવસુત પારિતોષિક (૧૯૬૮), કેશવસુત સ્મૃતિ પુરસ્કાર (૨૦૧૦) અને સાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૧૨) ઉપરાંત કેટલાંક પારિતોષિક અને માન-અકરામ એનાયત થયા હતા. કૅન્સરની બીમારીને કારણે ૨૭ માર્ચ ૨૦૧૨ના દિવસે પૂનાની એક ખાનગી હૉસ્પિટલમાં તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા.
પ્રખર મરાઠી સાહિત્યકાર ત્ર્યં. વિ. સરદેશમુખે લખ્યું છે કે ગ્રેસની કવિતામાં જે અનુપમ સૌંદર્ય છે તે મનના નિગૂઢ પ્રદેશમાંથી વહેતા આવતા ઝંકારમાં છે. એ ઝંકારને એક લય છે અને વ્યંગ્યાર્થને પણ તે નક્કર ભૂમિ ઉપર ઠેરવનારી મંત્રમોહિની છે. કવિના અંત:કરણમાં જે કોમળતા
અને શ્રદ્ધા, સંન્યસ્ત અને વ્રતનિષ્ઠા છે તેમાં જ આ કવિતાનું આધ્યાત્મિક સ્વરૂપ સમાવાયું છે.
કવિને પ્રકૃતિનું સૌંદર્ય ગમે છે. નિસર્ગની અનુભૂતિની તસવીરો તેમનાં કાવ્યોમાં આબાદ ઝીલાયેલી છે. ‘બપોરનો તડકો’ શીર્ષક હેઠળની તેમની રચના જુઓ-માણો:
બપોરનો સચિત્ર તડકો મૃગજળમાં લંબાય છે
અનંત ઈન્દ્રિયોના સ્વતંત્ર શોક જગાડે છે…
જ્યાં ઘર ઊભાં કર્યા ત્યાં અપાર શૂન્યતા
બપોરના તડકામાં વિચિત્ર એકસૂત્રતા…
સમુદ્ર શોષાઈ જશે શું? અતર્કય સૂર્ય છે
આવી ક-વેળ સાધીને મનમાં કોણ આવે છે…
આ તરસ ગળી જાય મને ને
કંઠ થાય તારો નીલો
તડકામાં પગલાં સંભળાય છે
કોનામાં જીવ ભરાઈ રહ્યો છે…
કવિ ગ્રેસને સવાર અને બપોર ગમે છે તો સાંજને પણ તેઓ દિલથી પ્યાર કરે છે. સાંજના વખતની ચોખ્ખી અનુભૂતિ તેમણે ‘સાંજ ભાંભરે’ કાવ્યમાં ઉતારી સુંદર મેઘધનુષી ચિત્ર દોરી આપ્યું છે.
સાંજ ભાંભરે પાગલ, તારા ઝાંઝર ધૂળમાં
ધૂળને પાય અડતાં ધૂળમાં છૂંદણાં જિન્દગી.
છૂંદણાં એ કેવાં જાણે નિનાદ કોતર્યો ધુમ્મસ પર.
અંધકારમાં દિશાઓ આડે પડખે સૂતી,
વાછરું ઘર ઊભાં
તારા આલિંગનમાં હું લપાઉં તેમ જ વાછરું મારા,
વનમાં ગાય શોધતાં કેવી સુગંધ છવાઈ…
સુદીર્ઘ દૂર ઓળાઓ તેવી ક્ષિતિજ લાગી
હું ક્યાં ફૂલોને ઓઢી લઉં,
વૃક્ષોને મેઘે છાવર્યાં છે…
સશિલ્પ દુખ-મંદિરે ધૂળમાં તને ચીતરું છું
ભર ઊંઘમાં જાગવું આપણું ગામ દેખાય ના.
આ કવિનાં કેટલાંક કાવ્યોમાં અધ્યાત્મનો ભગવો રંગ ચઢેલો ય જોવા મળે છે તો તેમનાં કાવ્યો પ્રેમનાં વિવિધ સંવેદનોને પણ વ્યક્ત કરે છે. પ્રિયતમાના ઘર વિશેની લાગણી વ્યક્ત કરતું ‘ઘર’ શીર્ષકવાળું કાવ્ય માણીએ:
દૂરથી દેખાય છે અદ્રશ્ય સીમ જેવી
ટેકરીઓની હાર.
ક્ષિતિજના સહવાસને કારણે તેનો પણ
રંગ નીલ લાગે છે.
વચ્ચોવચ અતિ લાંબું મેદાન પ્રસર્યું છે, મોકળું.
દક્ષિણ દિશાને છેડે બંગલાઓની હાર,
ત્યાંથી થોડે દૂર, કેડી પર,
ચર્ચનો ઘંટારવ સંભળાય એટલે જ દૂર
તારું ઘર ઊભું છે;
માલકોંસના અવરોહમાં ઊતરી આવતા ગાંધાર જેવું…
તારી મુદ્રા પરની સંવેદનાની ઉદાસ
રેખા મારા લગી આવવા લાગે છે,
ત્યારે આંખની કીકીઓના પ્રકાશ માટે
હું પણ ક્ષણભર સ્થિર થાઉં છું
આથમતા દિવસ અને પડછાયાના પ્રદેશ
સાંધનાર સાધ્ય પ્રકાશની જેમ…
આ સ-રસ કવિતામાં કવિએ જો પ્રિયતમાના ઘરના સરનામાની વાત કાવ્યાત્મક શૈલીમાં કરી છે. ચર્ચનો ઘંટારવ સંભળાય એટલે દૂર જ (નજીક જ) પ્રિયતમાનું ઘર આવેલું છે. કવિએ તે ઘરનો અલંકારની ભાષામાં પરિચય આપ્યો છે. ‘માલકૌંસ’ના અવરોહમાં ઊતરી આવતા ગાંધાર જેવું’ તે ઘર છે આ આલેખનમાં કવિની સર્જનાત્મકતા કેવી ખીલી ઊઠી છે તે અનુભવી શકાય છે.
આ જગતમાં ભાગ્યે જ કોઈ કવિ હશે જેણે પોતાની માતા પર કવિતારચના ન કરી હોય. માતાની સ્મૃતિનાં, નિરાળા સ્ત્રીરૂપોમાં માતાનાં માનસદર્શનનું વળગણ ગ્રેસની કેટલીક કવિતામાં જોવા મળે છે. માતા વિશે મરાઠી ભાષામાં કેટલાંક કાવ્યો સર્જાયાં છે. આ સંદર્ભમાં કવિ ગ્રેસનું ‘માનું ગીત’ આસ્વાદ્ય છે:
હરિણી જળમાં બૂડતી તડકામાં જેવાં પાણી
સ્વપ્ન મહીંથી જતાં જતાં મા ફૂલોથી ભીંજાતી
હલતો હાથ ગર્ભ મહીં બપોરે ભરેલાં પેટે
ઊભાં ઊભાં રચી કાઢતી માતા અભંગ બહુયે.
કદી વાયરો સુખથી વનમાં પહોંચે એવું છે ના
ઉદરે બાળી બીજ માવડી કરતી ધાવણની રટણા….
તે ચંદ્ર ગંધ રેલાઈને દૂધથી ચોળી ભીની
કેડ્યેથી વળતાં માતા કંઠ મહીં શું હસતી
પડછાયાનું આભ નદીમાં ઊમટયું ટોળે વળી
ઘરમાં સૌ બાળકને મા ઉનાળો વહેંચી દેતી
દેશી છે કે પછી વિદેશી ભૂલ સાંજના સ્મરતી
બપોર મધ્યે માતા લેટે અવળી કરી પથારી…
પોતાની કથનીમાં રંગો ભરીને કોણ ગયું છે
રેતી પરથી તરંગ સઘળા માતા ઊંચકી લે છે
લક્કડખોદ ગયા છે પક્ષી વાદળની યે પાર
છાતી સરસી રાખે માતા કપૂર-દીપની ધાર
મારા કુળ પ્રમાણે તો મૃત્યુ મને બપોરે
માતાને તો દર્પણમાંથી સમડી કૈંક બકોરે.ઉ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -