મહિલા પહેલવાનોના સેક્સપ્લોઇટેશનનો વિવાદ જાગ્યો છે ત્યારે જાણીએ આપણા દેશમાં મહિલા ખેલાડીઓના જાતીય શોષણની કેટલીક આઘાતજનક અને શરમજનક ઘટનાઓ
કવર સ્ટોરી -આશુ પટેલ
કુસ્તી ફેડરેશન ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશથી ભાજપના સંસદસભ્ય બ્રિજભૂષણ શરણ સિંહના રાજીનામાની માગણી સાથે ત્રીસ પહેલવાનોએ દિલ્હીના જંતરમંતરમાં ધરણાં શરૂ કર્યા છે. વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, અને બજરંગ પુનિયા સહિતના પહેલવાનોએ બ્રિજભૂષણ સિંહ સામે આરોપ મૂક્યો છે કે તેઓ મહિલા પહેલવાનોનું સેક્સપ્લોઇટેશન (જાતીય શોષણ) કરે છે. વિવાદ વધ્યો એ પછી ભારતીય ઓલિમ્પિક સંઘે નાછૂટકે મહિલા પહેલવાનોના જાતીય શોષણની તપાસ માટે સાત સભ્યોની સમિતિ બનાવવી પડી છે (જેમાં વિખ્યાત બોક્સર મેરી કોમ, પહેલવાન યોગેશ્ર્વર દત્ત, ભૂતપૂર્વ તીરંદાજ ડોલી બેનરજી, ભારતીય ઓલિમ્પિક સંઘના જોઇન્ટ સેક્રેટરી અલકનંદા અશોક અને ટ્રેઝરર સહદેવ યાદવ તથા બે વકીલોનો સમાવેશ થાય છે).
અત્યારે મહિલા પહેલવાનોના સેક્સપ્લોઇટેશનનો વિવાદ જાગ્યો છે અને રોજ એ વિષે સમાચારો આવતા રહે છે, પરંતુ બહુ ઝડપથી આ વિવાદ ભુલાઈ જશે, આપણા દેશમાં સમયાંતરે મહિલા ખેલાડીઓના જાતીય શોષણની ઘટનાઓ બહાર આવતી રહે છે, પરંતુ એવી ઘટનાઓને કોઈ ગંભીરતાથી લેતું નથી. સોડા બોટલ ખોલીએ અને ઊભરો આવે અને શમી જાય એ જ રીતે આવા વિવાદો થોડા સમયમાં જ શમી જતા હોય છે. આ મુદ્દે તમામ સરકારો ઉદાસીનતા (અને નફ્ફટાઈ) દર્શાવે છે એ વિષે વાત કરતા પહેલાં આપણા દેશમાં મહિલા ખેલાડીઓના સેક્સપ્લોઇટેશનની કેટલીક આઘાતજનક અને શરમજનક ઘટનાઓ જાણીએ.
૨૦૧૫માં કેરળમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયાના કેમ્પસમાં એક સાથે ચાર મહિલા ખેલાડીઓએ ઝેર ખાઈને આત્મહત્યાની કોશિશ કરી હતી. એ તમામ છોકરીઓ ટીનેજર હતી અને એમાંથી પંદર વર્ષની એક છોકરી મૃત્યુ પામી હતી. તે છોકરીના આપઘાતનો કિસ્સો બહાર આવ્યો ત્યારે થોડા દિવસો સુધી અખબારોમાં ઘણું બધું લખાયું પછી એ કિસ્સો પણ બધા ભૂલી ગયા હતા.
ભારતીય મહિલા ફૂટબોલ ટીમની કેપ્ટન સોના ચૌધરીએ ૨૦૧૬માં એક પુસ્તક લખ્યું હતું: ‘ગેમ ઇન ગેમ’. એમાં તેણે ભારતીય રમતગમત જગતમાં મહિલા ખેલાડીઓનું શોષણ થઈ રહ્યું છે એ વિશે માનસી સિંઘ નામના કાલ્પનિક પાત્ર દ્વારા આક્રોશ ઠાલવ્યો હતો. સોના ચૌધરીએ રમતગમત જગતમાં મહિલા ખેલાડીઓનું કેવી રીતે અને કઈ હદ સુધી જાતીય શોષણ થતું હોય છે એ વિશે લખ્યું હતું.
રમતગમત જગતમાં થતાં શારીરિક-માનસિક શોષણને કારણે આપણા દેશની ઘણી બધી પ્રતિભાઓ મુરઝાઈ જતી હોય છે અથવા તો અકાળે જીવન ટૂંકાવી લેતી હોય છે કે ડિપ્રેશનમાં સરી પડતી હોય છે. આપણા ઘણા નપાવટ અને નફ્ફટ નેતાઓ અને સરકારી અધિકારીઓ વિકૃતિની અને હલકટાઈની ચરમસીમા સુધી પહોંચીને ખેલાડીઓને માનસિક કે શારીરિક ત્રાસ આપે એવી ઘટનાઓ બનતી રહે છે. એમાંથી કેટલીક જ ઘટનાઓ બહાર આવતી હોય છે.
ઘણા કિસ્સાઓ તો એવા બનતા હોય છે કે જે સાંભળીને કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિનું લોહી ઉકળી ઊઠે. ૨૦૧૪માં એશિયન ગેમ્સ દરમિયાન જિમનાસ્ટિક કોચ મનોજ રાણા અને જિમનાસ્ટ ચંદન પાઠક સામે એક ૨૯ વર્ષીય મહિલા ખેલાડીએ ફરિયાદ નોંધાવી હતી કે ૨૦૧૪ની એશિયન ગેમ્સ માટે ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં યોજાયેલા નેશનલ કેમ્પ દરમિયાન તે બંનેએ તેની જાતીય સતામણી કરી હતી (એ વખતે જિમનાસ્ટિક ફેડરેશન ઑફ ઈન્ડિયાએ વચન આપ્યું હતું કે રાણા અને પાઠક ગુનેગાર સાબિત થશે તો અમે સખત પગલાં લઈશું).
આવી ઘટનાઓ તો સામાન્ય છે, પણ એવા કિસ્સાઓ ય બનતા રહે છે કે જેમાં મહિલા ખેલાડી શારીરિક શોષણને કારણે માનસિક રીતે પડી ભાંગે અને કોઈ તેની ફરિયાદ ન સાંભળે ત્યારે તે જીવન ટૂંકાવવા મજબૂર થઈ જાય. ૨૦૦૯માં ૨૧ વર્ષીય ફીમેલ બોક્સર એસ. અમરાવતીએ તેના કોચ ઓમકાર યાદવ તરફથી માનસિક અને શારીરિક સતામણીને કારણે હૈદરાબાદના લાલબહાદુર સ્ટેડિયમમાં જ આત્મહત્યા કરી લીધી હતી! એ પછી અધિકારીઓએ કોચનો બચાવ કરતા કહ્યું હતું કે તે છોકરી આત્મવિશ્ર્વાસના અભાવથી અને લઘુતાગ્રંથિથી પીડાતી હતી એટલે તેણે આત્મહત્યા કરી છે.
૨૦૧૦માં વુમન્સ હોકી ટીમની અનેક મહિલા ખેલાડીઓએ ચીફ કોચ મહારાજ કિશન કૌશિક વિરુદ્ધ સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ કરી હતી. એ વખતે રંજિતા દેવી નામની ખેલાડીએ હોકી ઈન્ડિયા ફેડરેશનને ઈમેલ મોકલીને કહ્યું હતું કે કોચે મારી પાસેથી સેક્સ્યુઅલ ફેવર (સહશયનની) માગી હતી. મેં તેમની માગણી ન સ્વીકારી એટલે મને ટીમમાંથી પડતી મુકાઈ હતી!
આવા તો ઘણા કિસ્સાઓ બનતા રહે છે. ૨૦૧૧માં બ્રોન્ઝ મેડલ વિજેતા બોક્સર ઈ. તુલસીએ તામિલનાડુ બોક્સિંગ એસોસિયેશનના સેક્રેટરી એ.કે. કરુણાકરન વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેણે આક્ષેપ કર્યો હતો કે કરુણાકરને મને કહ્યું હતું કે તારે નેશનલ ગેમ સહિતની ગેમ્સમાં સામેલ થવું હોય તો ‘કોઓપરેટ’ કરવું પડશે. મારું પર્ફોર્મન્સ ખૂબ જ સારું હોવા છતાં પછીની ટૂર્નામેન્ટમાંથી મને પડતી મૂકવામાં આવી હતી કારણ કે મેં તેમની સેક્સ્યુઅલ ફેવરની માગણી સંતોષી નહોતી!
એ પછી કરુણાકરન અને તેમના આસિસ્ટન્ટની ધરપકડ થઈ હતી.
૨૦૦૯માં આંધ્રપ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી વી. ચામુંડેશ્ર્વર નાથ વિરુદ્ધ અનેક મહિલા ક્રિકેટર્સે ફરિયાદ કરી હતી કે તેમણે સેક્સ્યુઅલ ફેવર માગી હતી. એ પછી વિવાદ થયો એટલે આંધ્ર ક્રિકેટ એસોસિયેશને સેક્રેટરી ચામુંડેશ્ર્વર નાથને તગડી મૂકવા પડ્યા હતા અને પોલીસે તેમની વિરુદ્ધ કેસ નોંધવો પડ્યો હતો. છ મહિલા ક્રિકેટર્સ આંધ્રપ્રદેશના તત્કાલીન ગૃહપ્રધાન પી. સવિતા ઈન્દ્રા રેડ્ડીને મળીને ફરિયાદ કરી હતી એ પછી પોલીસે ચામુંડેશ્ર્વર નાથ સામે પગલાં લેવાં પડ્યાં હતાં.
આપણા દેશમાં સમયાંતરે મહિલા ખેલાડીઓના જાતીય શોષણની ઘટનાઓ બહાર આવતી રહે છે, પરંતુ આ મુદ્દે કોઈ પણ પક્ષની સરકારોના પેટનું પાણી હલતું નથી.